Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

પતિની હેવાનિયત સામે પત્નિનો જંગ

સાસરીયાઓનો ત્રાસ અને પતિ દ્વારા વિકૃત સેકસની માગણીઃ પોલિસ ફરિયાદ

રાજકોટઃ અમદાવાદના વાસણા વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ પોતાના પતિ તેેને વિકૃત સેકસ માટે ફરજ પાડતાં હોવાની તથા પતિ સહિતના સાસરિયાં તેને શારીરિક અને માનસિક ત્રાસ આપતા હોવાની એક ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. બે વર્ષથી કોર્ટમાં પતિ-પત્ની વચ્ચે ખાધાખોરાકી અંગેનો કેસ પણ ચાલી રહ્યો છે. યુવતી બે વર્ષથી વાસણા ખાતે આવેલા તેના પિયરમાં માતા-પિતા સાથે રહે છે.

વાસણા વિસ્તારમાં રહેતી રચનાના લગ્ન વડોદરા ખાતે રહેતાં કેયૂર જોડે થયા હતા. (બંનેના નામ બદલ્યા છે) ખાનગી કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર વડોદરામાં ફરજ બજાવતા કેયૂરને પત્ની સાથે લગ્નના એક વર્ષ બાદથી તકરાર થવા લાગી હતી. કેયૂર ઓરલ સેકસ માટે રચનાને ફરજ પાડતાં જે પસંદ ન હોવાથી વિવાદ વધ્યો હતો તેવું ફરિયાદમાં જણાવાયું છે. કેયૂર આ મુદ્દે પત્ની સાથે તકરાર કરતો તેમજ તેણે મારઝૂડ કરતો હતો.

બીજી તરફ સાસુ અને સસરા પણ ઘરકામ બાબતે રચનાને મહેણાટોણા મારી શારીરિક માનસિક ત્રાસ આપતા હતા. આમ, પતિની વિકૃત સેકસ કરવાની માગણી તેમજ સાસુ-સસરાના ત્રાસથી કંટાળેલી રચના બે વર્ષથી વાસણા ખાતે રહેતાં માતા-પિતા પાસે ચાલી આવી હતી. આ દરમિયાનમાં રચનાએ કોર્ટમાં પતિ કેયૂર વિરૂદ્ધ ખાધાખોરાકીનો કેસ કર્યો હતો.

દરમિયાનમાં વાસણા પોલીસ સ્ટેશનમાં રચનાએ પતિ કેયૂર સહિતના લોકો વિરૂદ્ધ ફરિયાદ કરી હતી. પોલીસે સૃષ્ટિ વિરૂદ્ધના કૃત્ય સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(3:23 pm IST)