Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

આ વખતે ૨૬ જાન્યુઆરીની રાજ્યકક્ષાની ઉજવણી રાજકોટમાં

પ્રથમવાર થઈ રહી હોય અત્યારથી તૈયારીઓ શરૃઃ સ્થળ હવે નક્કી થશેઃ રાજ્યપાલ - સીએમ - પ્રધાન મંડળ - સચિવો આવશે : મગફળીમાં ૮૩ હજારનું રજીસ્ટ્રેશનઃ વેરીફિકેશન ચાલુઃ રાજકોટમાં ગોડાઉન પૂરતા છેઃ બીજા જીલ્લાને જરૂર પડશે તો જગ્યા અપાશે

રાજકોટ, તા. ૧૭ :. રાજકોટ જીલ્લા કલેકટર શ્રી રેમ્યા મોહને આજે પત્રકારોને જણાવ્યુ હતુ કે, આ વખતે ૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની ઉજવણી - રાજ્યકક્ષાની ઉજવણી રાજકોટમાં થશે. ગઈકાલે જ આ અંગેનો પ્રથમ મેસેજ આવી ગયો છે.

કલેકટરે જણાવેલ કે, રાજકોટની પસંદગી ૨૬ જાન્યુઆરી અંગે પ્રથમ વખત થઈ છે. આ પહેલા ૧૫ ઓગષ્ટની ઉજવણી રાજકોટમાં થઈ હતી.

હવે પ્લાનીંગ કરાશે, શું...શું.. કરવું, કરવાનું તે અંગે તૈયારીઓ શરૂ કરી દેવાય છે, સ્થળ હવે નક્કી થશે.

રાજકોટમાં ૨૬ જાન્યુઆરીની પસંદગી સંદર્ભે રાજ્યપાલ, મુખ્યમંત્રી, પ્રધાનો, મુખ્ય સચિવ - સચિવો આવનાર હોય રાજકોટ કલેકટર તંત્ર અત્યારથી ધંધે લાગી ગયુ છે.

મગફળીમાં ૮૩ હજારનું રજીસ્ટ્રેશન

હાલ રાજકોટ શહેર-જીલ્લામાં મગફળીનું રજીસ્ટ્રેશન ચાલી રહ્યુ છે. આજ સુધીમાં ૮૩ હજાર ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયાનું અને વેરીફીકેશન ચાલી રહ્યાનું કલેકટરે ઉમેર્યુ હતું.

તેમણે જણાવેલ કે ખરીદાયેલ મગફળી માટે રાજકોટ જીલ્લામાં પુરતા ગોડાઉન છે. બીજા જીલ્લાને જરૂર પડશે તો પણ રાજકોટમાં જગ્યા અપાશે. સ્ટેટ લેવલથી મેપીંગ થઈ રહ્યુ છે. ગત વર્ષે અમરેલી-જૂનાગઢને જગ્યા અપાઈ હતી. એક લેબરનો ઈસ્યુ છે, એપીએમસી રેટમાં લેબર આવે તો સારૂ તેમ કલેકટરે નિર્દેશ કર્યો હતો.

રેવન્યુના અપીલના ઓપન હાઉસ કોર્ટમાં ૧૨ કેસનો ચૂકાદો અપાયાનું કલેકટરે ઉમેરી જણાવ્યુ હતુ કે આજે ઓનલાઈન રેવન્યુ મીટીંગ છે અને તેમાં તમામ પ્રકારની જરૂરી સૂચનાઓ અપાશે.

(3:17 pm IST)