Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

સિવિલ હોસ્પિટલમાં ભ્રષ્ટાચારનો ભોરીંગઃ દર્દીઓને ભારે દુવિધાઃ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખની વિસ્તૃત રજૂઆત

શ્રીમતિ ગાયત્રીબા અશોકસિંહ વાઘેલાએ આરોગ્ય કમિશનરને લેખિત ફરિયાદ આપી

રાજકોટ તા. ૧૭: મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ વિપક્ષી નેતા અને હાલના ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ શ્રીમતિ ગાયત્રબા અશોકસિંહ વાઘેલાએ ગઇકાલે સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવેલા આરોગ્ય કમિશનરશ્રીને લેખિત રજૂઆત કરી સિવિલ હોસ્પિટલના રેઢીયાળ તંત્ર દ્વારા ચાલતા ભ્રષ્ટાચાર અને દર્દીઓને પડતી મુશ્કેલીઓ અંગે વિસ્તૃત મુદ્દાસર ફરિયાદ કરી હતી.

જેમાં જણાવાયું છે કે સિવિલ હોસ્પિટલમાં મોટા ભાગની લિફટ બંધ રહે છે. ટ્રોમા સેન્ટરમાં બે પૈકીની એક લિફટ બંધ હોય છે. આ કારણે દર્દીઓને ભારે હાલાકી વેઠવી પડે છે. રોગચાળો હાલમાં વકર્યો હોઇ સિવિલમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. તેને લાવવા-મુકવા માટેના સ્ટ્રેચર અપુરતા છે. વોર્ડમાં ખાટલાઓની સંખ્યા પણ પુરતી નથી. આ કારણે દર્દીઓને ફરજીયાતપણે નીચે ગાદલા પાથરી સુવડાવવા પડે છે. એ ગાદલા પણ ગંધારા ગોબરા જેવા હોય છે. ઓર્થોપેડિકના દર્દીઓની હાલત આ કારણે ભારે કફોડી થઇ જાય છે.

સમગ્ર સોૈરાષ્ટ્રમાં રોગચાળો બેકાબૂ બન્યો છે. સોૈરાષ્ટ્રનું પાટનગર રાજકોટ હોઇ તેના કારણે અહિની સિવિલ હોસ્પિટલમાં સોૈરાષ્ટ્રભરમાંથી દર્દીઓ આવતાં રહે છે. આરોગ્ય વર્ધક દવાઓની પણ તંગી છે, જેથી દર્દીઓને મુશ્કેલી થાય છે. સિવિલમાં કરોડોના ખર્ચે નવુ બિલ્ડીંગ બનાવાયું છે. તેનું ઉદ્દઘાટન પણ થયું નથી. બાંધકામમાં મોટી ક્ષતિાો રહી ગઇ હોઇ ચોમાસાનો ભેજ ઠેર ઠેર સામે આવ્યો છે. નબળા ફલોરીંગ અને પ્લાસ્ટરમાં ઇજનેરી ક્ષતિઓ સામે આવી રહી છે. છતાં ભ્રષ્ટ તંત્રએ જવાબદારો સામે પગલા ભર્યા નથી. છાવરવાની આ નીતિનો ભોગ અંતે દર્દીઓને બનવું પડે છે.

કરોડોના ખર્ચે તૈયાર થયેલા બિલ્ડીંગમાં ઓપરેશન થિયેટર જે તે એજન્સી દ્વારા તૈયાર કરવામાં ન આવતાં અને અધવચ્ચેથી કામ છોડી દેવાતાં જરૂરી કાર્યવાહી કરવાને બદલે સંબંધીઓ થાબડભાણા કરી રહ્યા છે. જેનાથી દર્દીઓને સુવિધા મળવામાં વિલંબ થઇ રહ્યો છે. સિવિલમાં ખરીદાતી દવાઓ તથા સાધન સામગ્રીની ખરીદીમાં પણ મોટા ગોટાળા થઇ રહ્યા છે. આ ભ્રષ્ટાચારની તપાસ થવી જરૂરી છે.

શ્રીમતિ ગાયત્રીબા વાઘેલાએ અંતમાં જણાવ્યું છે કે સિવિલના અનેક સાધનો રિપેરીંગના બીલોમાં પણ મિલીભગત થઇ રહી છે. અધિકારીઓ, કોન્ટ્રાકટર સાથે મળી ઉંચા ભાવે રિપેરીંગ કરે છે. આ તમામ મુદ્દે તાકીદે તપાસ થાય અને ભ્રષ્ટાચાર આચરનારા સામે શિક્ષાત્મક પગલા લેવામાં આવે તે જનહિતમાં છે.

(1:22 pm IST)