Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

જુના યાર્ડના પુલ પર માંડા ડુંગરના મુકેશને બે રિક્ષાવાળાએ કિકથી ફટકારી રોકડ લૂંટી લીધી

ભાવનગર રોડ કઇ બાજુ આવ્યો? તેવું પુછી કોળી યુવાન પર હુમલો કરી ઇમિટેશનની ઉઘરાણીના ૮૪૦૦ પડાવી લેવાયાઃ માથામાં ઇજા થતાં સારવાર લીધીઃ બીજા ઘાથી મુકેશે બચવા માથું નમાવતાં કિક રિક્ષામાં લાગતાં કાચ ફૂટી ગયો

રાજકોટ તા. ૧૭: જુના માર્કેટ યાર્ડ સામેના પુલ ઉપર સાંજે આજીડેમ માંડા ડુંગર પાસે દેવકીનંદન સોસાયટી-૬માં રહેતાં અને ઇમિટેશનનું કામ કરતાં મુકેશ સુરાભાઇ ધોળકીયા (ઉ.૩૫) નામના કોળી યુવાનને રિક્ષામાં આવેલા બે શખ્સોએ ભાવનગર રોડનું સરનામુ પુછ્યા બાદ તેને ઢીકા-પાટુનો અને રિક્ષાની કિકથી માર મારી તેની પાસેના રૂ. ૮૪૦૦ પડાવી લઇ ભાગી જતાં લોહીલુહાણ હાલતમાં મુકેશ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો.

ચોકીના સ્ટાફે આ અંગે બી-ડિવીઝન પોલીસને જાણ કરી હતી. મુકેશ ઇમિટેશનનું કામ કરતો હોઇ સાંજે ઉઘરાણી કરીને પરત ઘર તરફ જતો હતો ત્યારે રસ્તામાં યાર્ડ સામેના પુલ પર ઉપરના ખિસ્સામાં રાખેલા પૈસા પેન્ટના ખિસ્સામાં મુકવા માટે ઉભો રહેતાં એક રિક્ષામાં બે શખ્સ આવ્યા હતાં અને ભાવનગર રોડ ચુનારાવાડનું સરનામુ પુછયું હતું. તે વખતે મુકેશના હાથમાં પૈસા હોઇ બંનેની દાનત બગડતાં પૈસા ઝૂંટવવા પ્રયાસ કરતાં મુકેશે પ્રતિકાર કરતાં તેને માર મારી માથામાં કિકનો ઘા ફટકારી રોકડ પડાવી લીધી હતી.

કિકનો બીજો ઘા પણ થયો હતો. પરંતુ મુકેશે માથુ નીચે નમાવી લેતાં એ ઘા રિક્ષાના કાચમાં પડતાં કાચ ફુટી ગયો હતો. એ પછી બંને શખ્સ રિક્ષા લઇ ભાગી ગયા હતાં. પોલીસે ખરેખર શું બનાવ બન્યો તે અંગે તપાસ હાથ ધરી છે.

(1:20 pm IST)