Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

તાવે વધુ એક જીવ લીધોઃ શાંતિનગરના સવિતાબેનનું મોત

રાજકોટ શહેરમાં રોગચાળાના ભરડામાં વધુ એક ભોગ લેવાતાં આરોગ્ય તંત્રમાં દોડધામઃ રાવળદેવ મહિલાને બે દિવસથી તાવ હતો

રાજકોટ તા. ૧૭: શહેરમાં રોગચાળાએ ભરડો લીધો છે અને ડેંગ્યુ તાવથી મોત પણ નિપજ્યા છે ત્યારે આરોગ્ય તંત્ર ઉંધા માથે થયું છે. ગઇકાલે જ આરોગ્ય કમિશનર ગાંધીનગરથી ખાસ સમિક્ષા કરવા રાજકોટ પહોંચ્યા હતાં અને સિવિલ હોસ્પિટલ તંત્ર, કલેકટર તંત્ર, જીલ્લા આરોગ્ય તંત્ર તેમજ મ્યુનિસિપલ કમિશનર તંત્ર સાથે ખાસ બેઠક યોજી હતી. આ વચ્ચે સાંજે યુનિવર્સિટી રોડ પર કિડની હોસ્પિટલ પાછળ શાંતિનગરમાં રહેતાં એક મહિલાનું તાવથી મોત થયું છે.

 

શાંતિનગરમાં રહેતાં સવિતાબેન મહેશભાઇ ઝોંપાળ (ઉ.૩૨) નામના રાવળદેવ મહિલા સાંજે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાંઉ પરંતુ અહિ સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. તેમના પતિ મહેશભાઇ ઝોંપાળા છુટક મજૂરી કરે છે. સંતાનમાં બે પુત્રો છે જે મા વિહોણા થતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે. મહેશભાઇએ જણાવ્યું હતું કે બે દિવસથી તાવ આવતો હોઇ દવા લીધી હતી. રિપોર્ટ કરાવ્યા નહોતાં. ત્યાં ગઇકાલે સાંજે તેણી અચાનક બેભાન થઇ ગઇ હતી.

બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરતાં પોલીસે એડી નોંધી છે. તાવથી મોત થયાનું તેણીના પતિ જણાવતાં હોઇ આરોગ્ય તંત્ર તપાસ કરશે.

(1:19 pm IST)