Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

રાજકોટની બેન્કોમાં રૂ. ૧૦ના સિક્કાનો જંગી ભરાવોઃ રીઝર્વ બેન્કે ૧૦ની નવી નોટો ન મોકલીઃ દિવાળી ટાણે જબરી અછત સર્જાવાના એંધાણ

રૂ. ૧૦ના સિક્કા માન્ય હોવા છતા લોકો લેવડ-દેવડ કરતા નથીઃ રીઝર્વ બેન્કોને સૂચના... લોકોને સિક્કાની લેવડ-દેવડ કરવાની ટેવ પડાવો પછી જ ૧૦ની નવી નોટો મોકલશું: રીઝર્વ બેન્કે રૂ. ૨૦ની નવી નોટનો જથ્થો પણ નહિવત સંખ્યામાં મોકલ્યોઃ બેન્કોમાં ૫૦, ૧૦૦, ૫૦૦ની નવી નોટો આવી

રાજકોટ, તા. ૧૭ :. આગામી દિવાળીના તહેવારો દરમિયાન રૂ. ૧૦ની નવી નોટોની જબરી અછત સર્જાશે તે નક્કી છે. ભારતીય રીઝર્વ બેન્કે કરન્સી ચેસ્ટ ધરાવતી બેન્કોને નવી નોટોનો જથ્થો મોકલ્યો છે જેમાં રૂ. ૧૦ની નવી નોટોનો જથ્થો મોકલ્યો નથી. આ ઉપરાંત રીઝર્વ બેન્કે રૂ. ૨૦ની નોટનો જથ્થો પણ સાવ નહિંવત સંખ્યામાં મોકલ્યો હોવાથી ૧૦ની નવી નોટની સાથે ૨૦ની નવી નોટના દર્શન પણ દિવાળીના દિવસોમાં દુર્લભ બનશે. બેન્કોમાં ૧૦ના સિક્કાનો જંગી ભરાવો થયો છે. રીઝર્વ બેન્કનુ કહેવુ છે કે રૂ. ૧૦ના સિક્કાના જથ્થાનો બેન્કો નિકાલ કરે તે પછી જ ૧૦ની નવી નોટનો જથ્થો દરેક બેન્કોને મોકલવામાં આવશે. અત્રે એ નોંધનીય છે કે લોકો રૂ. ૧૦ના સિક્કાની લેવડદેવડ કરતા નથી. જો કે ૧૦નો સિક્કો રીઝર્વ બેન્કની માન્યતા પ્રાપ્ત છે.

બેન્કીંગ વર્તુળોના જણાવ્યા પ્રમાણે દિવાળી માટે રીઝર્વ બેન્કે ૫૦, ૧૦૦, ૫૦૦ની નવી નોટોનો જથ્થો મોકલ્યો છે, પરંતુ ૧૦ની નોટોનું એક પણ બંડલ મોકલવામાં આવ્યુ નથી. રૂ. ૨૦ની નવી નોટનો જથ્થો પણ સાવ નહિવત પ્રમાણમાં મોકલવામાં આવ્યો છે. વર્તુળોના જણાવ્યા પ્રમાણે દરેક બેન્કોની કરન્સી ચેસ્ટમાં ૧૦ના સિક્કાઓનો જંગી ભરાવો થયો છે. રીઝર્વ બેન્ક આ જથ્થો સ્વીકારવાનો ઈન્કાર કરે છે. રીઝર્વ બેન્કનું કહેવુ છે કે લોકોએ ૧૦ના સિક્કાની લેવડદેવડ હિચકીચાટ વગર શરૂ કરી દેવી જોઈએ. ૧૦નો સિક્કો ચલણમાં છે અને માન્યતા પ્રાપ્ત છે. દરેક બેન્કો ૧૦ના સિક્કા સ્વીકારે છે પરંતુ બેન્કો સિક્કા આપે તો લોકો લેતા નથી જેના કારણે બેન્કોમાં ૧૦ના સિક્કાના ઢગલે ઢગલા થઈ ગયા છે. આ ઉપરાંત ૧૦ની જૂની નોટોનો જથ્થો પણ જંગી પ્રમાણમાં પડેલો છે.

બેન્કના વર્તુળોના જણાવ્યા પ્રમાણે જ્યાં સુધી કરન્સી ચેસ્ટમાંથી ૧૦ના સિક્કાનો નિકાલ નહિ થાય ત્યાં સુધી રીઝર્વ બેન્ક ૧૦ની નવી નોટો રાજકોટ મોકલવાની નથી. લોકોએ ૧૦ના સિક્કાની લેવડદેવડ શરૂ કરી દેવી જોઈએ તેવુ બેન્ક વર્તુળોનુ કહેવુ છે. માત્ર રાજકોટમાં જ આ સિક્કો લોકો માટે વિલન બન્યો છે, જ્યારે અન્ય જગ્યાએ છૂટથી ૧૦નો સિક્કો ચલણમાં ચાલુ છે. કરન્સી ચેસ્ટ બેન્કોએ અનેક વખત રીઝર્વ બેન્કને ૧૦ના સિક્કા લેવા વિનંતી કરી છે પરંતુ રીઝર્વ બેન્ક ધ્યાને લેતી નથી અને કહે છે કે પહેલા ૧૦ના સિક્કાનો નિકાલ કરો પછી જ ૧૦ની નવી નોટો મોકલશું.

લોકોએ કોઈપણ ભય વગર ૧૦ના સિક્કાની લેવડદેવડ શરૂ કરી દેવી જોઈએ. આ સિક્કો હજુ ચલણમા છે. રીઝર્વ બેન્કે તે ચલણમાંથી પાછો ખેંચ્યો નથી. આ સંજોગોમાં લોકોએ કોઈપણ દહેશત, અફવા કે કાનભંભેરણીને ધ્યાને લીધા વગર આ સિક્કાનો સ્વીકાર કરવો જોઈએ તેવુ બેન્કર્સનું કહેવુ છે.

(9:59 am IST)