Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

આવતા અઠવાડીયાના પ્રારંભે માવઠાની સંભાવના

દક્ષિણ ભારતમાં શિયાળુ ચોમાસુ બેસી ગયુ : અરબી સમુદ્રમાં બે દિ'માં અપરએર સાયકલોનીક સરકયુલેશન સિસ્ટમ્સ બનશે : સૌરાષ્ટ્રના દક્ષિણના કાંઠાળા વિસ્તાર અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની શકયતા વધુ : અશોકભાઈ પટેલ

રાજકોટ, તા. ૧૬ : સમગ્ર દેશભરમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે, આમ છતાં અરબી સમુદ્રમાં એક સિસ્ટમ્સ બની રહી છે જેની અસરથી આવતા અઠવાડીયાના પ્રારંભે માવઠાની સંભાવના હોવાનું વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યુ હતું.

તેઓએ જણાવેલ કે સમગ્ર દેશમાંથી દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ આજે વિદાય લઈ લીધી છે, સાથોસાથ શિયાળુ ચોમાસુ એટલે કે નોર્થ ઈસ્ટ મોન્સુન તામિલનાડુ અને આસપાસના વિસ્તારમાં પણ ચોમાસુ બેસી ગયુ છે જેની અસરથી આવતા ત્રણ - ચાર દિવસ દક્ષિણ ભારતના રાજયોમાં સારા વરસાદની શકયતા છે. આવતા બે-એક દિવસમાં અરબી સમુદ્રમાં એક અપરએર સાયકલોનીક સરકયુલેશન છવાશે જે આગળ વધતા મજબૂત બનશે.

વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે તા.૧૬ થી ૨૩ ઓકટોબર (બુધથી બુધ) સુધીની આગાહી કરતા જણાવ્યુ છે કે સૌરાષ્ટ્ર - કચ્છ - ગુજરાતમાં આગાહીના શરૂઆતના ચાર દિવસ તડકા સાથે વાતાવરણ ચોખ્ખુ રહેશે. હાલમાં મહત્તમ તાપમાન ૩૬ ડિગ્રી આસપાસ (નોર્મલ) રહેશે. તા.૨૦થી સામાન્ય વાદળા જોવા મળશે, જે તા.૨૧ થી ૨૩ દરમિયાન વાદળોનું પ્રમાણ વધી જશે. પવન પૂર્વ દિશામાંથી ફૂંકાશે. આગાહીના પાછલા ત્રણેક દિવસ માવઠારૂપી છાંટા-છુટીની શકયતા છે. જે અંગેની વધુ અપડેટ અને વરસાદના વધ-ઘટની માત્રા બે દિવસ પછી આપવામાં આવશે.

(2:41 pm IST)