Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

માલિયાસણ પાસે ટાયર ફાટતાં કાર ચારેક ગોથા ખાઇ સામેના રોડ પર પટકાઇઃ ટ્રાન્સપોર્ટર લેઉવા પટેલ પ્રિયેશ મુંગપરાનું મોત

દેવપરા ઇન્દિરાનગરથી વાંકાનેર બાઉન્ડ્રીએ કામ સબબ ગયા'તાઃ ત્યાંથી પરત આવતી વખતે બનાવઃ માસુમ પુત્રીએ પિતાની છત્રછાંયા ગુમાવતાં પરિવારમાં કલ્પાંત

ટાયર ફાટ્યા બાદ ગોથા ખાઇ ઉંધી વળી ગયેલી કાર અને પ્રિયેશભાઇ મુંગપરાનો નિષ્પ્રાણ દેહ જોઇ શકાય છે

રાજકોટ તા. ૧૭: કુવાડવા રોડ પર માલિયાસણ પાસે રાત્રીના કારનું ટાયર ફાટતાં કાર ચારેક ગોથા ખાઇ સામેના રોડ પર જઇ પટકાતાં બૂકડો બોલી ગયો હતો. તેના ચાલક દેવપરા ઇન્દિરાનગરમાં રહેતાં ટ્રાન્સપોર્ટ સંચાલક લેઉવા પટેલ યુવાનનું ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું હતું. બનાવને પગલે પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.

જાણવા મળ્યા મુજબ ઇન્દિરાનગરમાં રહેતાં અને રૂડાનગરમાં હિન્દુસ્તાન ટ્રાન્સપોર્ટ નામે ઓફિસ રાખી ધંધો કરતાં પ્રિયેશભાઇ રમેશભાઇ મુંગપરા (ઉ.૩૧) નામના લેઉવા પટેલ યુવાન ગત સાંજે વાંકાનેર બાઉન્ડ્રીએ ટ્રાન્સપોર્ટના કામ સબબ પોતાની કાર જીજે૦૩જેસી-૯૧૧૧ લઇને ગયા હતાં. ત્યાંથી દસેક વાગ્યે પરત રાજકોટ આવતી વેળાએ માલ્યિાસણ બંસલ પેટ્રોલ પંપ નજીક પહોંચ્યા ત્યારે કારનું આગળનું ટાયર ફાટતાં સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને કાર ચારેક ગોથા ખાઇ ગઇ હતી તેમજ ઉછળીને સામેના રોડ પર પટકાઇ હતી.

અકસ્માતને પગલે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં. અંદર ફસાયેલા ચાલક પ્રિયેશભાઇનું ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. નજીકમાં પેટ્રોલ પંપ હોઇ ત્યાંથી કેટલાક લોકો દોડી આવતાં તેઓ પ્રિયેશભાઇને ઓળખી જતાં તેમના ભાગીદાર, મિત્રોને જાણ કરતાં બધા ઘટના સ્થળે પહોંચ્યા હતાં.

કુવાડવા રોડ પોલીસ મથકના પીએસઆઇ આર. એલ. ખટાણા, જગમાલભાઇ અને હેમતભાઇએ મૃતકના સ્વજન રણછોડભાઇ માનાભાઇ મુંગપરા (રહે. રાધાનગર-૧, હરિ ધવા રોડ)ની ફરિયાદ પરથી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર પ્રિયેશભાઇ બે ભાઇમાં મોટા હતાં અને સંતાનમાં પાંચ વર્ષની એક દિકરી છે. તેના પત્નિનું નામ સંજનાબેન અને માતાનું નામ દક્ષાબેન છે. પિતા રમેશભાઇ મુંગપરા કારખાનામાં કામ કરે છે. ઘરના યુવાન અને આશાસ્પદ દિકરાના અચાનક મોતથી મુંગપરા પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે. સવારે અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં સ્વજનો, મિત્રો જોડાયા હતાં.

(11:43 am IST)