Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

પડધરીના વિસામણ ગામે થયેલ હત્યાની કોશીષના ગુનામાં આરોપીના જામીન મંજુર

રાજકોટ, તા., ૧૭ : પડધરીના વિસામણ ગામે બે શખ્સોની હત્યાની કોશીષના ગુન્હામાં મુખ્ય આરોપી શકિતસિંહ જામભા જાડેજાની અરજીને કોર્ટે મંજુર કરી હતી.

આ બનાવની ટુંકી વિગત મુજબ ફરીયાદી મનસુખભાઇ ભંડેરીએ તા.ર૯-૮-ર૦૧૮ના રોજ પડધરી પોલીસ સ્ટેશનમાં આરોપીઓ (૧) શકિતસિંહ જામભા જાડેજા (ર) ઇન્દુભા જામભા જાડેજા (૩) જીતુભા ઇન્દુભા જાડેજા (૪) સંજયસિંહ જામભા જાડેજા (પ) પરાક્રમસિંહ ભરતસિંહ જાડેજા (૬) મયુરસિંહ શકિતસિંહ જાડેજા (૭) મહેન્દ્રસિંહ ભરતસિંહ જાડેજા બધા રહે. ડાંગરા, તા.ધ્રોલ, વાળા તથા (૮) અજીતભાઇ ડોડીયા રહે. પડધરી તેમજ બીજા અજાણ્યા દસથી બાર ઇસમો પુર્વ આયોજીત કાવતરૂ રચી તેઓની જમીન પડાવી લેવાના ઇરાદે તા.ર૮-૯-ર૦૧૮ના રોજ પાંચેક ફોર વ્હીલ ગાડીઓમાં તેઓની ગાડીમાં વિસામણ આવી રાત્રીના ૧૦ વાગ્યે તલવારો, પાઇપ તથા ધોકાઓથી ફરીયાદી સહીત છ વ્યકિત ઉપર હુમલો કરેલ.

આ હુમલામાં રામજીભાઇ મેઘજીભાઇ મેંદપરા તથા ડાયાભાઇ વસ્તાભાઇ બુસાને માથામાં ગંભીર જીવલેણ ઇજાઓ થતા સારવારમાં દાખલ કરેલ જે અન્વયે પડધરી પોલીસે ગુન્હો દાખલ કરી આરોપીઓ પૈકી શકિતસિંહ જામભા જાડેજાની ધરપકડ કરેલ હતી અને ત્યાર બાદ આરોપીને જેલ હવાલે કરેલ હતા. તેમજ ઇજા પામનાર રામજીભાઇ મેંદપરાને શકિતસિંહ જામભા જાડેજાએ તલવારથી માથાને ભાગે જીવલેણ ઇજા કરેલ હતી. તે ઇજા એટલી ગંભીર હતી કે તેઓને ઘણા દિવસો સુધી હોસ્પીટલમાં રાખવામાં આવેલા તથા તેઓ બોલીચાલી શકતા ન હોય તેઓનું નિવેદન પણ પોલીસ લઇ શકેલ નહી જે બાબતે પોલીસે હત્યાની કોશીષ ડકૈતી સહીતની કલમો લગાડેલી.

આ બનાવમાં જેલમાં રહેલ આરોપી શકિતસિંહ જામભા જાડેજાએ જામીન ઉપર છુટવા રાજકોટના સેસન્સ કોર્ટમાં અરજી કરેલ. જેમાં આરોપીના વકીલની રજુઆતો, ઉચ્ચ ન્યાયાલયના ચુકાદાઓના સિધ્ધાંતો તથા કેસના સંજોગો ધ્યાને લઇ રાજકોટના એડી. સેસન્સ જજશ્રી ડી.ડી.ઠક્કરે આરોપીની જામીન અરજી મંજુર કરેલ છે.

આ કામમાં આરોપી વતી રાજકોટના વકીલશ્રી રૂપરાજસિંહ પરમાર, અજીત પરમાર, કુલદીપસિંહ બી.જાડેજા, શિવરાજસિંહ ઝાલા તથા દિપક ભાટીયા રોકાયેલ હતા.

(3:50 pm IST)