Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

સંસ્કાર ઇન્ડસ્ટ્રીમાં જીજ્ઞેશ કોળી પર સલિમ અને બે અજાણ્યાનો છરી-ધોકાથી હુમલો

તારી મા કેમ અમારી સાથે ઝઘડા કરે છે, અમને કેમ ધંધો કરવા દેતી નથી? કહી ડખ્ખો : મોડી રાત્રે આ વિસ્તારમાંથી જ બીજો શખ્સ લોહીલુહાણ પગમાં ગંભીર ઇજા સાથે મળ્યોઃ હુમલામાં સામેલ હોવાની શંકા : હુમલામાં ઘાયલ જીજ્ઞેશ કોળી તથા જીજ્ઞેશ પર જ્યાં હુમલો થયો ત્યાંથી ઇજાગ્રસ્ત-બેભાન મળેલો યુવાન

રાજકોટ તા. ૧૭: જંગલેશ્વર મેઇન રોડ પર રાધાકૃષ્ણ સોસાયટી-૨૦માં રહેતાં જીજ્ઞેશ લક્ષમણભાઇ દલસાણીયા (ઉ.૨૫) નામના કોળી યુવાન પર રાત્રીના અગિયારેક વાગ્યે સલિમ તથા બે અજાણ્યા શખ્સોએ છરીથી હુમલો કરી તેમજ ધોકા ઇંટ ફટકારી ઇજા કરતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો છે. દારૂના ધંધા બાબતે આ ડખ્ખો થયાનું બહાર આવ્યું છે. બીજી તરફ અન્ય એક શખ્સ પણ આ વિસ્તારમાંથી ગંભીર ઇજા સાથે મળ્યો હતો. તે હુમલાખોર પૈકીનો એક હોવાની અને ભાગવા જતાં પડી જતાં અથવા તો કોઇએ ધોકાવતા ઇજા થયાની શંકા છે.

જીજ્ઞેશ લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં થોરાળા પોલીસ મથકના પીએસઆઇ જે. જી. ચોૈધરી તથા વિક્રમભાઇએ તેની ફરિયાદ પરથી સલિમ નામના શખ્સ તથા બે બીજા શખસ સામે ગુનો નોંધ્યો હતો. જીજ્ઞેશે ફરિયાદમાં જણાવ્યું છે કે તે કારખાનામાં કામ કરે છે. રાત્રે તે છુટીને ઘરે જતો હતો ત્યારે સંસ્કાર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી નીકળતાં સલિમ સહિતના શખ્સો બાઇક પર આવ્યા હતાં અને 'તારી મા અમારી સાથે ઝઘડો કેમ કરે છે, અમને કેમ ધંધો કરવા દેતા નથી?' તેમ કહી હુમલો કર્યો હતો. જીજ્ઞેશે હુમલા વખતે પોતાની પાસેના ૧૫ હજાર રૂપિયા અને મોબાઇલ ફોન પણ ખોવાઇ ગયાનું જણાવ્યું હતું.

બીજી તરફ મોડી રાત્રે અજાણ્યો આશરે ૩૦ વર્ષનો યુવાન પણ સંસ્કાર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી લોહીલુહાણ અને પગમાં ગંભીર ઇજા સાથે મળતાં ૧૦૮ મારફત સિવિલમાં ખસેડાયો હતો. આ અંગે હોસ્પિટલ ચોકી મારફત થોરાળા પોલીસને જાણ કરાઇ હતી. પણ રાત્રે આ શખ્સ બેભાન હતો. સવારે થોડા ભાનમાં આવી તેણે પોતાનું નામ અમિત સાંકળેચા હોવાનું અને નવલનગરમાં રહેતો હોવાનું રટણ કર્યુ હતું. જો કે પોતે બાઇક પરથી પડી ગયાનું કહ્યું હતું. પોતે સલિમ સાથે હોવાનું રટણ પણ તેણે કર્યુ હતું. જીજ્ઞેશ પરના હુમલામાં આ શખ્સ સામેલ હતો કે કેમ? તે સ્પષ્ટ થઇ શકયું નથી.

(3:49 pm IST)