Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

ખોડલધામ વેસ્ટ ઝોનના ખેલૈયા સાંજે 'ચશ્મા રાસ' રમી રેકોર્ડ બનાવશે

મવડી રોડ બાપા સીતારામ ચોક પાસે નવતર કાર્યક્રમ : ગોલ્ડન બૂક ઓફ રેકોર્ડની ટીમ આવશે

રાજકોટ તા. ૧૭ : લેઉવા પટેલ સમાજના આત્મ ગૌરવ સમાન ખોડલધામ અને ખોડલધામ ટ્રસ્ટ દ્વારા અલગ અલગ જગ્યાએ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત મવડી ગામના આંગણે નવરાત્રીનું આયોજન ખોડલધામ વેસ્ટ ઝોન દ્વારા કરવામાં આવ્યું છે.

૨૦૧૬ના વર્ષમાં આ નવરાત્રી મહોત્સવને બેસ્ટ ઇવેન્ટ ઓફ ૨૦૧૬નું બીરૂદ મળ્યું હતું. ૨૦૧૭માં આ વેસ્ટ ઝોન દ્વારા સૌથી લાંબી ચેઇન કરી દાંડીયા ઘૂમ્યા એ પણ સતત ૩ કલાક અને એમનું નામ વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયામાં અંકિત કર્યું હતું.

ખોડલધામ વેસ્ટ ઝોન નવરાત્રી મહોત્સવ અને એમનું મેનેજમેન્ટ જરા હટકે જ કંઇક કરી બતાવે છે. આ વર્ષે લગભગ ૬૦૦૦થી વધુ ખેલૈયા મન મૂકીને ગ્રાઉન્ડમાં રમી રહ્યા છે. સરસ્વતી અને રમેશ હીરાપરા તમામ ખેલૈયાને મન મૂકીને નચાવી રહ્યા છે. સાથે રહીશ હજી અને એમની ટીમ સંગીતના સાથે તો ભાવિકા વ્યાસ અને હાર્દિક સોરઠીયા સાથે હસમુખભાઇ લુણાગરિયા અને આર.ડી.સોજીત્રા એન્કરીંગના માધ્યમથી સ્ટેજનું સુવ્યવસ્થિત સંચાલન કરી રહ્યા છે.

આ વર્ષે પણ કંઇક નવું જ કરવાના વિચાર સાથે આજ આઠમના નોરતાના ફળશ્રુતિ સ્વરૂપે માની આરાધના તો ખરી સાથે એક નવો વર્લ્ડ રેકોર્ડ ખોડલધામના નામે કરવા જઇ રહ્યા છે.

આજે રાત્રે ૧૦ વાગ્યે ખોડલધામ નવરાત્રી મહોત્સવ - વેસ્ટ ઝોન, સાકરીયા બાલાજી હનુમાન ગ્રાઉન્ડ, બાપા સીતારામ ચોકથી આગળ, મવડી રોડ, રાજકોટ રચશે એક નવો ઇતિહાસ 'ચશ્મા પહેરીને સતત એક કલાક સુધી ઘૂમસે રાસ એ પણ ટ્રેડીશનલ'માં અને ખોડલધામ નવરાત્રી મહોત્સવનું નામ ગોલ્ડન બુક ઓફ રેકોર્ડમાં દર્જ કરશે.

આજે સાંજે ૭.૧૫ કલાકે એરપોર્ટ પર ગોલ્ડેન બુક ઓફ રેકોર્ડની નિર્ણાયક ટીમ રાજકોટના આંગણે આવી પહોંચશે. નિર્ણાયક ટીમની ઉપસ્થિતિમાં એમના જજમેન્ટ બાદ ખોડલધામ નવરાત્રી મહોત્સવનું નામ દુનિયા લેવલે ગુંજશે.

આ કાર્યક્રમને સફળ બનાવવા આયોજક જીતુભાઇ સોરઠીયા, જયેશભાઇ સોરઠીયા, હસમુખભાઇ લુણાગરીયા, મનસુખભાઇ વેકરીયા, ધીરજભાઇ મુંગરા, રાજુભાઇ કોયાણી, રમેશભાઇ કાછડીયા, સુરેશભાઇ વેકરીયા, વીનુભાઇ સોરઠીયા, અનિલભાઇ ઠુંમર, જયેશભાઇ મેઘાણી, રમેશભાઇ સોરઠીયા, સંજયભાઇ સાકરીયા અને એમની સમગ્ર ટીમ ખૂબ જ જહેમત ઉઠાવી રહ્યા છે. વધુ માહિતી માટે મો. ૯૮૭૯૭ ૯૯૩૩૩ ઉપર સંપર્ક કરી શકાય છે.(૨૧.૨૩)

(3:43 pm IST)