Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

સોમનાથ સોસાયટી-૩ સર્વે નં.૧૦૦-૧૦૧ને સુચિત ગણોઃ કાયદેસર કરવા મંજુરી આપો

મુખ્યમંત્રીને સંબોધી કલેકટરને આવેદનઃ સરકારે કેમ મંજુરી નથી આપી!!

રાજકોટ તા.૧૭: સોમનાથ સોસાયટી-૩ના રહેવાસીઓએ મુખ્યમંત્રીને સંબોધી કલેકટરને આવેદન પાઠવી સૂચિત સોસાયટી, ૩-સોમનાથ સોસાયટી, સર્વે નં.૧૦૦ -૧૦૧ને કાયદેસર કરવા મંજુરી આપવા માંગણી કરી હતી.

આવેદનમાં જણાવેલ કે, પશ્ચિમ વિસ્તારનાં રૈયા ટેલિફોન એકસચેંજ પાછળ આવેલ-૩ સોમનાથ સોસાયટી શેરી નં.૯,૧૦,૧૧,૧૨,૧૩ અને ૧૪ના રહેવાસીઓ છીએ સોમનાથ સોસાયટી-૩ની સ્થાપના ૧૯૯૫ની સાલમાં થયેલ છે. ત્યારથી અમો આ વિસ્તારમાં વસવાટ કરી રહયા છીએ અમારા મત વિસ્તારમાં ધારાસભ્ય અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સૂચિત સોસાયટી કાયદેસર કરવાનો નિર્ણય લીધેલ છે. અમો પણ સૂચિત સોસાયટીઓમાં વસવાટ કરી રહયા છીએ. રૈયા સર્વે નં.૧૦૦/૧૦૧ ટી.પી. સ્કીમ-૪માં સોમનાથ સોસાયટી ૩ શેરી નં. ૯,૧૦,૧૧,૧૨,૧૩ અન ૧૪ રેવન્યુ રેકર્ડમાં નોંધાયેલ છે.

રાજકોટ કલેકટરશ્રી દ્વારા શહેરની ૧૬૫ જેટલી સૂચિત સોસાયટીઓને કાયદેસર કરવાની દરખાસ્ત રાજય સરકારને કરેલ છે તેમાંથી રાજય સરકાર દ્વારા ૧૪૦ સૂચિત સોસાયટીઓને મંજુરી આપવામાં આવેલ છે. બાકીની સોસાયટીઓને રાજય સરકાર દ્વારા પેન્ડીંગ રાખવામાં આવેલ છે. જેમાં અમારી સોમનાથ સોસાયટી-૩ની શેરી નં. ૯,૧૦,૧૧,૧૨,૧૩ અને ૧૪નો સમાવેશ થાય છે.

આપને માલુમ થાય કે આ ૬ સોસાયટીઓમાં અંદાજે ૪૦૦ થી વધુ મકાનો આવેલ છે. જે ગરીબ અને મધ્યમ પરિવારનાં છે. છતાં અમો રાજય સરકારનાં ધારાધોરણો મુજબ સરકારની  નિયત ફી ભરી મકાન કાયદેસર કરવા ઇચ્છુક છીએ.

વિશેષમાં જણાવવાનું કે અમારા વિસ્તારના મોટાભાગનાં રહેવાસીઓને રાજકોટ કલેકટરશ્રી તરફથી ગુજરાત જમીન મહેસુલ અધિનિયમ ૧૮૭૯ ની કલમ ૧૮૯ મુજબ સમન્સ (નોટીસ) તા.૧૨-૯-૨૦૧૭થી ક્રમાંકઃ નં/ સૂચિત/ સોમનાથ-૩/ ૧૧૦/૨૦૧૭ થી આપવામાં આવેલ છે. ત્યારબાદ અમો રહેવાસીઓ કલેકટર કચેરી /મામલતદાર કચેરીમાં તપાસ કરતાં અમારી સોસાયટીને મંજુરી ન મળી હોવાનું જણાવવામાં આવતાં અમો લતાવાસીઓ આસરાના પ્રશ્ને ચિંતા-મુંઝવણમાં મુકાઇ ગયા છીએ તેથી અમારી આ મુંઝવણ દૂર કરવા લતાવાસીઓની નમ્ર વિનંતી છે કે અમારી સોસાયટીને કાયદેસર કરવા મંજૂરી આપવામાં આવે.(૧.૨૧)

(3:42 pm IST)