Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

દીકરાએ કેનેડામાં કાર અકસ્માતમાં વિદાય લીધીઃ લોહાણા બોર્ડિંગનાં પૂર્વ વિદ્યાર્થીનું ''ઋણ સ્વીકાર''કરતાં પરિવારે બે લાખનું યોગદાન આપ્યું

રાજકોટઃ અહિંની લોહાણા બોર્ડિંગ હાઉસનાં પૂર્વ વિદ્યાર્થી સ્વ.ભોમિક ઠક્કરનાં માતા- પિતા કમલેશભાઈ ઠક્કર તથા માધવીબેન ઠક્કર અમદાવાદથી મળવા આવ્યા અને રૂ.૨ લાખનું યોગદાન આપ્યું. ભોમિક ખૂબ જ ઉત્સાહી વિદ્યાર્થી તરીકે સૌને પ્રિય હતો. ૩૯૪ વિદ્યાર્થીઓને સમાવતી રાજકોટ લોહાણા બોર્ડિંગમાં દરવર્ષ ઘણા વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહી અને પ્રગતિશીલ હોય છે. બોર્ડિંગમાં ઘણી પ્રવૃતિઓમાં તેમનું સક્રિય યોગદાન હોય છે જેમાં ભોમિકનો પણ સમાવેશ થાય છે. શ્રી કમલેશભાઈને પૂછયું કે ભોમિક હમણાં કયાં છે? અને પ્રત્યુત્તરમાં તેઓ અત્યંત ભાવવિભોર બની ગયા અને કહ્યું કે ભોમિકને અમે ગુમાવ્યો છે. ભોમિક કેનેડા ગયો અને કાર એકસીડન્ટમાં તેણે વિદાય લીધી. ભોમિકને રાજકોટ લોહાણા બોર્ડિંગ પ્રત્યે ખૂબ જ લગાવ હતો, એટલે અમે નિર્ણય કર્યો કે બોર્ડિંગમાં યોગદાન આપીને ઋણ સ્વીકાર કરીએ. ત્રણ વર્ષ બોર્ડિંગમાં રહીને ભણ્યો હતો અને હરહંમેશ કહેતો કે બોર્ડિંંગે મને જીવનની રાહ બતાવી છે. ભોમિકનાં પરિવારે ઋણ સ્વીકાર કરી દીકરાની ઈચ્છા પૂર્ણ કરી એ પ્રેરક છે.

રાજકોટ લોહાણા બોર્ડિંગનાં પ્રમુખશ્રી એમ.એમ.ઠક્કર, ટ્રસ્ટીમંડળનાં સભ્યો હિરાલાલભાઈ માણેક, નવીનભાઈ ઠક્કર, અપૂર્વભાઈ માણેક તથા રામકુમાર બચ્છાએ પરિવારને સંવેદના પાઠવી હતી અને કહ્યું હતું કે આપનાં પરિવારને ભોમિકની વિદાયથી ન પૂરી શકાય તેવી ખોટ પડી છે અને બોર્ડિંગનાં એક તેજસ્વી વિદ્યાર્થીને અમે ગુમાવેલ છે તે માટે અફસોસ છે. આપે આપેલ યોગદાનમાંથી સામાન્ય પરિવારનાં વિદ્યાર્થીઓને સ્કોરશીપ અપાશે, યુવા વયે ભોમિકે વિદાય તો લીધી પણ માતા- પિતા અને એક બહેન માટે તો ''શૂન્યાવકાશ'' સર્જાઈ ગયો હોવાનું શ્રી નવિનભાઈ ઠક્કરે (મો.૯૮૯૮૩ ૪૫૮૦૦) જણાવ્યું છે.

(3:41 pm IST)