Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

તાંત્રીક ટોળકીના સુત્રધારને પકડવા એ-ડિવીઝનની ટીમ યુપી પહોંચી

જો કે સુત્રધારો હાથમાં ન આવ્યાઃ ટીમ પરત આવવા રવાના

રાજકોટ તા. ૧૭: શહેરના પ્રમુખ આર્કેડના બીજા માળે ગુરૂ અમનજી, ગુરૂ સુલતાનજીના નામે ઘરકંકાશ, પતિ-પત્નિ અનબન, સાસુ-વહૂના ઝઘડા, જાદૂ-ટોના, એકતરફા પ્રેમ, નિઃસંતાનપણુ, વશીકરણ સહિતના પ્રશ્નોનું નિરાકરણ માત્ર ૧૫૧ રૂપિયામાં કરી આપવાની જાહેરાત આપી શહેરના છ જેટલા લોકોને છેતરી રોકડ, સોનુ પડાવી લેનારી ટોળકીના બે સાગ્રીતો બહુનામધારી યુપીના ખલીલ મલિક અને જાકીરઅલી મલિકને ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધા હતાં. રાજકોટમાં ઓફિસ ભાડે રાખી ૪ થી ૫ મહિના દરમિયાન બે મહિલાઓ પાસેથી ૬૦ ગ્રામ સોનુ, મોરબીના કાકા ભત્રીજા પાસેથી રોકડા, રાજકોટની અન્ય એક મહિલા પાસેથી ૬૫ ગ્રામ સોનું, એક દંપતિ પાસેથી ૫૦ ગ્રામ અને અન્ય યુવતિ પાસેથી ૫૦ ગ્રામ સોના સહિત ૬ સાથે ઠગાઇ કર્યાની કબુલાત આપી હતી. આ બંનેનો કબ્જો એ-ડિવીઝન પોલીસે સંભાળી રિમાન્ડ મેળવ્યા હતાં. એક આરોપીને સાથે રાખી એ-ડિવીઝનની ટીમ તપાસ માટે યુ.પી. પહોંચી હતી. જો કે ત્યાંથી સુત્રધારો નદીમ અને જાકીર મળ્યા નથી.

એ-ડિવીઝન પી.આઇ. એન. કે. જાડેજાની સુચના મુજબ પીએસઆઇ જોષી, નરેશભાઇ ઝાલા, ધર્મેન્દ્રસિંહ સહિતની ટીમ એક આરોપીને સાથે રાખી મેરઠના લિસાડી ગેઇટ વિસ્તારમાં રહેતાં ગઠીયાના ઘરે ત્રાટકી હતી. પણ ત્યાં તાળુ જોવા મળ્યું હતું. આ ટીમ હવે ખાલી હાથે રાજકોટ પરત આવવા નીકળી છે.

(3:41 pm IST)