Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

કોર્પોરેશને વોટર વર્કસના ભંગારની ઓનલાઈન હરરાજી કરીઃ ૪૦ લાખ ઉપજ્યા

સ્ટેન્ડીંગ કમિટિમાં ૨૩ દરખાસ્તોનો નિર્ણયઃ કુલ ૨૫ કરોડનાં વિકાસ કામોને લીલી ઝંડી આપતા ચેરમેન ઉદય કાનગડ

રાજકોટ, તા. ૧૭ :. મ્યુ. કોર્પોરેશનમાં આજે મળેલી સ્ટેન્ડીંગ કમિટીમાં ચેરમેન ઉદય કાનગડે કુલ ૨૩ દરખાસ્તો અંગે નિર્ણય લઈ કુલ ૨૫ કરોડના વિકાસ કાર્યોને લીલી ઝંડી આપી હતી.

આજની સ્ટેન્ડીંગ કમિટીમાં મહત્વની દરખાસ્તો અંગે માહિતી આપતા ચેરમેન ઉદયભાઈ કાનગડે જણાવ્યું હતુ કે, વોટર વર્કસ વિભાગની પાઈપ લાઈન, પમ્પીંગ મશીનરી વગેરેના ભંગારની ઈ-હરરાજી એટલે કે ઈન્ટરનેટના માધ્યમથી ઓનલાઈન હરરાજીનો નવતર અભિગમ અપનાવી ટેકનોલોજીના ઉપયોગથી પારદર્શક રીતે હરરાજી કરવામાં આવતા તંત્રને આ હરરાજીથી ૪૦.૪૧ લાખની આવક થઈ છે.

આ ઉપરાંત આજની સ્ટેન્ડીંગ કમિટિએ વોર્ડ નં. ૭ મા નવી વોર્ડ ઓફિસ બનાવવા, વોર્ડ નં. ૩ માં પરસાણાનગરના વોંકળા ફરતે ૨૧.૨ લાખનાં ખર્ચે સુરક્ષા દિવાલ બનાવવા ઉપરાંત ૧.૨૯ લાખના પેવીંગ બ્લોક નાખવાના કામો, ૮૮ લાખના રસ્તાના કામો, ૪૬ લાખના કમ્પાઉન્ડ વોલના કામો, ૪.૮૪ કરોડના વોટર વર્કસના કામો સહિત કુલ ૨૩ વિકાસ કામો માટે કુલ ૨૫ કરોડના ખર્ચને બહાલી અપાઈ હતી.

(3:40 pm IST)