Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

ધારાસભ્ય-સાંસદ હોવા છતા જસદણ પંથકમાં કુંવરજીભાઈએ કોળી સમાજનું ભલુ નથી કર્યુ

રાજકીય રોટલા શેકતા રાજ્યમંત્રી સામે ઓલ ગુજરાત મહિલા માંધાતા સંગઠનના પ્રમુખ જલ્પાબેન કુમારખાણીયા કાળઝાળ

રાજકોટ, તા. ૧૭ :. રાજકોટ જિલ્લાના સામાજીક મહિલા આગેવાન અને ઓલ ગુજરાત મહિલા માંધાતા સંગઠનના પ્રમુખ શ્રીમતી જલ્પાબેન કુમારખાણીયા(મો. ૭૯૯૦૦ ૮૬૪૬૯)એ જણાવ્યું છે કે, તાજેતરમાં વિંછીયાના જસદણ રોડ ઉપર, કોળી સમાજના વેપારી ઉપર ખૂની હુમલા બાદ કોંગ્રેસ અને ભાજપના નિવેદન પ્રતિનિવેદનના લીધે વાતાવરણ ગરમાયુ છે ત્યારે રાજકીય લાભ ખાટવા ભાજપના કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ મોહનભાઈ બાવળીયા અચાનક દોડી આવીને, જરૂર પડશે તો અમે સત્તા ઉપરથી રાજીનામુ આપીશું તેવા હાકલા-પડકારા કરીને કોળી સમાજને રાજી રાખવાનો નિષ્ફળ પ્રયાસ કરેલ હતો ત્યારે સવાલ એ ઉભો થાય છે કે, રાજ્યમાં ભાજપની સરકાર છે અને તેઓશ્રી કેબીનેટ મંત્રીશ્રીનો દરજ્જો હોવા છતાં ગાંધીનગરથી દોડી આવીને સભા ગજવવાને બદલે રાજ્ય સરકારને કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા ચીમકી કેમ આપી નહીં કે પછી કોળી સમાજના ખભ્ભા ઉપર બેસીને જ્ઞાતિવાદનું રાજકારણ રચવાનો પ્રયાસ થઈ રહ્યો છે. સામાન્ય શિક્ષક તરીકે કારકિર્દીનો આરંભ કરતા સૌ પ્રથમ સ્વરાજ પાર્ટી, જનતા દળ અને સ્વતંત્ર પાર્ટીના વિવિધ પક્ષની રાજકીય સેવા બાદ 'ગાંધીયન' વિચારના સંદેશ સાથે કોંગ્રેસની નાવમાં રાજકીય સફરનો આરંભ કરેલ હતો.

જલ્પાબેન કુમારખાણીયાએ ટાંકયુ છે કે, કોંગ્રેસ પાર્ટીમાં ધારાસભ્યશ્રી તરીકે પાંચ વાર ચૂંટાયા અને એકવાર કોંગ્રેસના સાંસદ તરીકે બાજી મારી હતી. સાલ ૧૯૯૦માં જસદણ વિસ્તારમાં જનતા દળના ઉમેદવાર તરીકે ચૂંટણી લડયા ત્યાર બાદ, સાલ ૧૯૯૫માં પક્ષ પલ્ટો કરીને કોંગ્રેસમાંથી ચૂંટણી લડી કોંગ્રેસની વોટબેંકનો આસરો લઈને જીત્યા હતા.

સાલ ૨૦૦૯માં કોંગ્રેસ તરફથી રાજકોટ સંસદીય મત વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે સામે પક્ષે ભાજપના ઉમેદવાર કિરણભાઈ પટેલ સામે લડયા, શ્રી કિરણભાઈ પટેલને હરાવવા ભાજપના નેતાઓએ એડીચોટીનું જોર લગાવ્યુ. ખરેખર તો ભાજપે શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જીતાડયા 'કુંવરજીભાઈએ બગાસુ ખાતુ અને પતાસુ આવ્યું' તેવો ઘાટ ઘડાયો હતો.

૨૦૦૭/ ૨૦૦૮માં અમરાપુર ગ્રામ પંચાયતની કરોડો રૂપિયાની જમીનનું કૌભાંડ તથા એક હત્યા પ્રકરણમાં કુંવરજીભાઈ બાવળીયાની સંડોવણી જાહેર કરીને સી.આઈ.ડી. ક્રાઈમે તેમની ધરપકડ કરી હતી. ત્યારે ભાજપની સમગ્ર નેતાગીરીએ તેમને શંકાના દાયરામાં લાવીને અનેક નિવેદનો કર્યા હતા. કોળી સમાજના નામે રાજનિતી ખેલવામાં માહિર, સાલ ૨૦૦૯માં શ્રી બાવળીયા પોતાની દિકરીને ટીકીટ મળે તે માટે ધમપછાડા કર્યા, બાદ નિષ્ફળતા મળતા કોંગ્રેસની વિરૂદ્ધ પ્રચાર કરવાની ભૂમિકા ભજવીને કોંગ્રેસની વિરૂદ્ધ મતદાન કરાવેલ તે જગજાહેર છે. તે પણ બે વાર તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે ગાંધીનગરમાં બેઠક કરી હતી. સાલ ૨૦૧૦માં કુંવરજીભાઈ બાવળીયાએ પોતાના બહેન નીરાબેન ઘોરીયા માટે ચોટીલા મત વિસ્તારમાં ટીકીટ મેળવવા ધમપછાડા કરેલ અને કોળી સમાજના નેતા શામજીભાઈ ચૌહાણની ટીકીટ કપાવી નાંખી હતી.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી બધુ જાણતા હોવા છતા સાલ ૨૦૧૧માં રાજ્ય ઈલેકશન કમિટીના સભ્યશ્રી તરીકે પસંદ કરીને સાલ ૨૦૧૨માં બોટાદ મત વિસ્તારમાં ટીકીટ આપી હતી. ત્યાંના કોળી મતદારોએ તેમને જાકારો આપ્યો હતો. સાલ ૨૦૧૬માં તેમણે કોંગ્રેસનું નાક દબાવવા જસદણ પંથકમાં ઓબીસીનું સંમેલન બોલાવી મતદારોમાં નારાજગી ઉભી કરી હતી. કુંવરજીભાઈ બાવળીયાની કોંગ્રેસમાં ડખલગીરીના લીધે ગિન્નાયેલા વિઠ્ઠલભાઈ રાદડીયા ભાજપમા ચાલ્યા ગયા હતા અને પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીના આંખ મિંચામણા બાદ તેમને સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનના કાર્યકારી પ્રમુખ તરીકે નિમણૂંક આપવામાં આવી હતી. આથી અમુક મોટા ગજાના નેતાઓ ભાજપમાં ચાલ્યા ગયા હતા. ૨૦૧૭માં જસદણ ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરસભા વખતે ભાજપ વિરૂદ્ધ આકરી આલોચના કરી હતી ત્યારે ભાજપની નેતાગીરીએ કહ્યું હતુ કે, શ્રી કુંવરજીભાઈ બાવળીયા પાંચ વાર ધારાસભ્ય તથા એકવાર સાંસદ તરીકે ચૂંટાયા હોવા છતા જસદણની સ્થાનિક પ્રજા અને કોળી સમાજનું શું ભલુ કર્યુ છે.

પક્ષ સામે વ્યકિતગત નારાજગી અને કોળી સમાજને અન્યાય થઈ રહ્યો છે તેવો પ્રચાર કરી રાજકીય ગોલ સિદ્ધ કરવાનો સતત પ્રયાસ કરી જાન્યુઆરી ૨૦૧૮માં વિધાનસભાના વિપક્ષના નેતા તરીકે માંગણી કરી હતી પરંતુ ઓલ ઈન્ડીયા કોંગ્રેસે યુવા નેતા પરેશ ધાનાણીની પસંદગી કરતા કોળી સમાજને અન્યાય થઈ રહ્યો છે તેવા કુપ્રચાર કરીને હાઈકમાન્ડનું નાક દબાવવાનો પ્રયાસ કર્યો હતો. જુલાઈ ૨૦૧૮માં કોંગ્રેસમાંથી રાજીનામુ આપવાની ધમકી આપી ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવજી સાતવે કહ્યુ કે, 'ભૂતકાળમાં શ્રી બાવળીયા કોળી સમાજના નામે ધાર્યુ કરવામાં સફળ રહ્યા છે પરંતુ કોળી સમાજની અન્યાયની વાત પોકળ અને હાસ્યાસ્પદ છે.'

માંધાતા મહિલા સંગઠનના પ્રમુખ જલ્પાબેન કુમારખાણીયાએ જણાવ્યુ છે કે, વિંછીયાના જસદણ રોડ ઉપર ખૂની હુમલા પ્રકરણમાં દોડી આવેલા શ્રી કુંવરજીભાઈ બાવળીયાને ખબર નથી કે, જસદણ વિસ્તારમાં કોળી સમાજને કેટલો અન્યાય થયેલ છે. પોલીસના ચોપડે કેટલા બનાવો બન્યા છે, તેમના કાર્યકાળમાં કેટલા બનાવોને ન્યાય મળેલ છે, રાજ્યની ભાજપ સરકાર 'વિકાસ'ની ગુલબાંગો ફુંકે છે, કેટલા કોળી સમાજના પરિવારને લાભ મળ્યો, કોળી સમાજના યુવાનોને નોકરીથી કેમ વંચીત રાખવામાં આવ્યા છે, કેટલી બહેનો અને દિકરીઓ બે પાંદડે થઈ, કેટલા કોળી સમાજના ખેડૂતોને રોજીરોટી મળી.

હવે જસદણનો કોળી સમાજ ઈચ્છે છે કે, કોળી સમાજના નામે રાજકીય રોટલા શેકવાનું બંધ કરો, તમે કોંગ્રેસમા હતા કે ભાજપમાં છો, અમારી એજ ભુંડી દશા છે અને રહેશે તેમા બે મત નથી તેમ અંતમાં જલ્પાબેન કુમારખાણીયાએ જણાવ્યુ છે.

(3:40 pm IST)