Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

લાલપરી-રાંદરડા તળાવમાં માછલાઓનાં મોત પાછળ જવાબદારો સામે પગલા લ્યોઃ કોંગ્રેસ

માછલાઓના મોતનું કારણ તપાસવા માંગ ઉઠાવતા વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયા

રાજકોટ, તા., ૧૭: શહેરનાં આજી ડેમ બાદ લાલપરી-રાંદરડા તળાવમાં પણ માછલાઓના રહસ્યમય મોત થતા આ બાબતે ઉંડી તપાસ હાથ ધરી જવાબદારો સામે પગલા લેવા વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયાએ માંગ ઉઠાવી છે. આ અંગે શ્રી સાગઠીયાએ મ્યુ. કમિશ્રરશ્રીને પત્ર પાઠવી જણાવ્યું છે કે રાજકોટના આજી પછી લાલપરી ડેમમાં અનેક માછલાઅના મોત થયા છે જયારે રાજકોટના આજી ડેમમાં એક જ પ્રકારના સેંકડો માછલાઓના મોત નિપજયા બાદ પહેલેથી પ્રદુષીત એવા રાજકોટના ઐતિહાસિક લાલપરી-રાંદરડા તળાવમાં અનેક માછલાઓના મોતથી ચકચાર જાગી હતી અને જીવદયા પ્રેમીઓમાં રોષની લાગણી પ્રસરી છે. ત્યારે નિર્દોષ જીવોના સામુહીક મોટી સંખ્યામાં મૃત્યુ માટે મનપાના તંત્ર દ્વારા ઢાંક પીછોડો કરવામાં આવ્યો છે અને માછલાના મૃત્યુનુ કારણ જાણી રોગ બાબતે ઉપચાર કરવના બદલે મૃત માછલાઓને સગેવગે કરવાની પેરવી કરાઇ છે. વધુમાં બોટ પેટ્રોલીંગની જોગવાઇ હોવા છતા નિયમીત પેટ્રોલીંગ થતુ નથી. જો પે્ટ્રોલીંગ થયું હોત તો આવી ઘટનાની જાણકારી વહેલી તકે મળત.

માં જગદંબાની ઉપાસનાનું પર્વ એવા નવરાત્રીના તહેવારોમાં માંસાહારી લોકો પણ મૃત માછલાને કારણે ધર્મપ્રેમી લોકોમાં કચવાટ અને રોષની લાગણી પેદા થયેલ છે જેથી  આ પ્રકારની ઘટના ટાળી શકાય અને આ માછલા પ્રકરણમાં મનપાનાં તંત્રની સંપુર્ણ બેદરકારી છતી થયેલ છે જેની ઉંડાણપુર્વક તપાસ કરવાની જરૂર છે અને જવાબદારો સામે કડક પગલા ભરવા જીવદયા પ્રેમીઓ વતી અમારી માંગ છે. (૪.૧૧)

(3:37 pm IST)