Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

રાજકોટમાં લોકોને હેલમેટ પહેરતા કરવા પોલીસે અપનાવ્યો એક નવો નુસખો

આખા દેશમાં હેલમેટનો નિયમ પાળવામાં રાજકોટ છેલ્લા ક્રમે આવે છે

રાજકોટ તા. ૧૭ : આખા દેશમાં હેલમેટનો નિયમ પાળવામાં રાજકોટ છેલ્લા ક્રમે આવે છે. હવે લોકોને હેલમેટ પહેરતા કરવા શહેરની પોલીસે એક નવો નુસખો અપનાવ્યો છે. રાજકોટની ટ્રાફિક પોલીસ અકસ્માતમાં માથાની ઈજાથી પીડાતા લોકોનો વિડીયો ઉતારી તેને સોશિયલ મિડીયા પ્લેટફોર્મ પર અપલોડ કરવાનું વિચારી રહી છે. આ વિડીયોમાં ડોકટરો શું કહે છે અને જો વ્યકિતએ હેલમેટ પહેર્યું હોત તો આ ઈજા કેવી રીતે ટાળી શકાઈ હોત તેની વિગતો પણ દર્શાવામાં આવશે.

IIT દિલ્હી, DIMTS અને TERIના રિપોર્ટ અનુસાર રાજકોટ આખા દેશમાં હેલમેટ પહેરવાનો નિયમ પાળવામાં સૌથી છેલ્લા ક્રમે છે. ૧૦૦માંથી માત્ર ૩ વાહનચાલકો હેલમેટ પહેરે છે.  જોઈન્ટ પોલીસ કમિશનર એસ.એમ ખત્રીએ જણાવ્યું કે, 'દરરોજ ૧૫થી ૨૦ વાહનચાલકોને અકસ્માતને કારણે માથામાં ઈજા થાય છે. અમે આવા વાહનચાલકોને થતી તકલીફના વિડીયો, સિવિલ હોસ્પિટલના ડોકટરો હેલમેટ પહેરીને આ ઈજાથી કેવી રીતે બચી શકાય, તથા ઈજા પામનારના સગાસંબંધીઓના મંતવ્યો રેકોર્ડ કરીને વિડીયો બનાવીશું. જાહેર ફંકશનમાં પણ આ વિડીયો બતાવવામાં આવશે.'

ટ્રાફિક પોલીસે નિયમનું વધુ કડક પાલન થાય તે માટે પણ પગલા ભરવાનું નક્કી કર્યું છે. ખત્રીએ જણાવ્યું, 'અમે છેલ્લા પાંચ મહિનામાં હેલમેટ ન પહેરવા બદલ ૫૦૦૦ ચલણ ઈશ્યુ કર્યા છે. અમે પહેલા ટ્રાફિકના નિયમો ન પાળવા બદલ દરરોજ ૭૦૦ ચલણ ફાડતા હતા હવે અમે એ સંખ્યા વધારીને ૧૦૦૦ કરી દીધી છે. અમે ફિલ્ડ સ્ટાફને પણ નિયમનો ભંગ કરનારાઓને વધારે ચલણ ઈશ્યુ કરવા સૂચના આપી છે. તેમાંય ખાસ કરીને હેલમેટ ન પહેરનારાઓને દંડ કરવા જણાવ્યું છે.'

પોલીસે ટુ વ્હીલરમાં પાછળ બેસનારા લોકોને પણ હેલમેટ પહેરવાની સૂચના આપી છે. કારણ કે અકસ્માતમાં તેમને માથાની ઈજા થવાના પૂરેપૂરા ચાન્સ છે. જો હેલમેટ પહેરાય તો માથાની ઈજા થવાની શકયતા ૩૦થી ૪૦ ટકા ઘટી જાય છે અને તેને કારણે જીવ બચાવી શાય છે.(૨૧.૯)

(12:07 pm IST)