Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

રાજકોટમાં યાજ્ઞિક રોડ પર બનાવ: 'ભાઈ તમારા પૈસા પડી ગયા' કહી યુવાનને વાતોએ વળગાળી બીએમડબલ્યુ કારમાંથી ૪ લાખ રોકડા ઉઠાવી જવાયા: યુવાન ૧૦-૧૦ વાળી નોટો વિણવામાં રહ્યો ત્યાં બે શખ્સ કળા કરી ગયા

રાજકોટઃ રસ્તા પર ચલણી નોટો વેરી 'તમારા પૈસા પડી ગયા' કહી લોકોનું ધ્યાન ભંગ કરી રોકડ કે દાગીનાની તફડંચીના બનાવ અગાઉ અનેક વખત બની ગયા છે. આજે ડો.યાજ્ઞિક રોડ પર આવો બનાવ બન્યો છે. પ્રજેશ દક્ષિણી નામના યુવાન યાજ્ઞિક રોડ ઇમપીરિયલ પેલેસ હોટેલ સામે પોતાની કારમાં ચાર લાખની રોકડ સાથે બેઠા ત્યાં જ એક શખ્સે દરવાજો ખખડાવી 'ભાઈ તમારા પૈસા પડી ગયા' તેમ કહેતા કાર માંથી એ યુવાને બહાર જોતા ૧૦-૧૦ની ચલણી નોટો પડી હોઇ પોતે કારમાંથી નીચે ઉતરી નોટો વીણવા મંડ્યા હતાં. એ વખતે કારના દરવાજા લોક ન હોઈ પાછળથી બે શખ્સ આવી દરવાજો ખોલી અંદરથી ચાર લાખની રોકડ ઉઠાવી નીકળી ગયા હતાં.

બનાવની જાણ થતાં એ ડિવિઝન પીઆઇ સી.જે. જોશી, પીએસઆઇ ભટ્ટ, એએસઆઈ બી.વી. ગોહિલ, એએસઆઈ હારૂનભાઈ ચાનીયા, રામભાઈ, મેરૂભા સહિતની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.

(8:21 pm IST)