Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

મનપા વેકસીનેશન બાબતે ગંભીરતા દાખવે તો શહેરમાં ૧૦૦ ટકા રસીકરણ થઈ શકેઃ ભાનુબેન

અધિકારીઓ અને કર્મચારીઓને વેકસીનનો ટાર્ગેટ આપવામાં આવેઃ આજની જેમ રોજબરોજ આવી કામગીરી કરવા વિપક્ષી નેતાનો અનુરોધઃ કોંગ્રેસ સહયોગી થશે

રાજકોટ, તા. ૧૭ :. વેકિસનેશન મહાઅભિયાન યોજવામાં આવ્યો તેવી જ રીતે મહાનગરપાલિકા વેકસીનેશન બાબતે ગંભીરતા દાખવે તો એક માસમાં જ રાજકોટમાં ૧૦૦ ટકા વેકસીનેશન થઇ શકે તેમ છે. તેમજ અધિકારીઓ અને કર્મચારીઓને  વેકસીન આપવા માટે  ટાર્ગેટ આપવામાં આવે અને રોજબરોજ કામગીરી કરાવવા વિપક્ષી નેતા ભાનુબેન સોરાણીએ મ્યુ. કમિશ્નરને રજૂઆતમાં જણાવ્યુ હતુ.

આ અંગે વિરોધ પક્ષના નેતા ભાનુબેન પ્રવીણભાઈ સોરાણીએ મ્યુનિસિપલ કમિશ્નરને વેકસીનેશન મહાઅભિયાનની કામગીરી સંદર્ભે રજૂઆત કરી છે કે આજે વડાપ્રધાનના જન્મ દિવસ નિમિત્તે કુલ ૪૫,૦૦૦ વેકસીનના ડોઝ આપવા તંત્ર ઉંધેમાથે થયુ છે ત્યારે મનપાના દરેકને અધિકારી અને કર્મચારીને વેકસીન આપવા માટે જે ટાર્ગેટ આપવામાં આવેલ છે તે રીતે  ે વેકસીનેશનની કામગીરી રોજબરોજ આવી જ રીતે કરવામાં આવે તો રાજકોટ શહેરના નાગરિકો ફકત એક માસ માં જ વેકસીનનો લાભ લઇ શકે અને કોરોના મહામારીને મ્હાત આપી શકે.

 વધુમાં ભાનુબેન સોરાણીએ જણાવ્યું છે કે આ વેકસીનેશન મહાઅભિયાન ચાલુ રાખવામાં આવે અને રાજકોટ શહેરમાં જ્યાં સુધી ૧૦૦ ટકા વેકિસનેશન પૂરું ન થાય ત્યાં સુધી તંત્ર દ્વારા ટાર્ગેટેડ કામગીરી કરવામાં આવે સાથે સાથે જે ૪૧ વેકસીન આપવાના રથ છે તે રથને પણ તમામ જગ્યાએ દોડાવવામાં આવે અને દરેક વોર્ડ ઓફીસ ખાતે વોર્ડના નાગરિકોને વેકસીન મળી રહે તે પ્રકારની વ્યવસ્થા કરવા અને જરૂર જણાયે વિપક્ષ કોંગ્રેસ દ્વારા સહકાર આપવા ભાનુબેન સોરાણીએ ખાત્રી આપી હતી.

(4:56 pm IST)