Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

ખરાઇ કર્યા વગરના સમાચારોથી અરાજકતા

સીવિલ હોસ્પિટલમાં દર્દીને માર મારવાના વીડિયોની વાસ્તવિકતા અલગ છે : સંખ્યાબંધ સોશયલ મીડિયામાં પ્રસિધ્ધ થતા સમાચારોમાં ગંભીરતાનો અભાવ દર્શાય છે : સમય સંઘર્ષનો નહિ, સમાજનો છે : મીડિયા, સોશ્યલ મીડિયા જવાબદારીથી વર્તે તે જરૂરી : સોશ્યલ મીડિયાનો દુરૂપયોગથી સમાજનો માહોલ બગડે છે : સ્વયંશિસ્ત જરૂરી

રાજકોટ તા. ૧૭ : કોરોના મહામારી વ્યાપકપણે ખાનાખરાબી સર્જી રહી છે. મહાસંકટ સમયે વધારેમાં વધારે સમજદારી દાખવવી જરૂરી હોય છે. આ સમયે મીડિયાનું મુખ્ય કામ મહામારી સામે લોકજાગૃતિ કેળવવાનું હોય છે.

રાજકોટમાં કેટલીક મીડિયા ચેનલ જાણ્યે - અજાણ્યે સમાજમાં અરાજકતા ફેલાય તેવા ન્યૂઝ સોશ્યલ મીડિયાના માધ્યમથી રજૂ કરી દે છે. આવી વૃત્તિ અને પ્રવૃત્તિ વખોડવા લાયક છે.

એક ખાનગી ટીવી ચેનલે આજે સીવિલ - કોવિડ હોસ્પિટલમાં એક દર્દીને માર મારવામાં આવતો હોય તેવો વીડિયો પ્રસારિત કરીને સોશ્યલ મીડિયાના માધ્યમથી સનસનાટી ફેલાવવાનો પ્રયાસ કર્યો.

કોઇપણ પ્રકારની ખરાઇ કર્યા વગર આ વીડિયો સોશ્યલ મીડિયામાં રમતો મૂકી દેવાયો. વીડિયોની વાસ્તવિકતા અલગ છે. એક માનસિક અસ્થિર દર્દી નર્સો સામે પેન્ટ ઉતારી નાખે છે. તબીબોને મારવા દોડે છે. આ દર્દી તોફાને ચઢતા તેને પકડવા થોડી ઝપાઝપી થઇ હતી. મીડિયા જગત જે તે વોર્ડમાં તપાસ કરીને આ વિગતો જાણી શકે છે.

જો કે આ પ્રતિષ્ઠિત ન્યૂઝ ચેનલે સંભવતઃ ખરાઇ કર્યા વગર વીડિયો સોશ્યલ મીડિયામાં પ્રસારિત કરી દીધો. સીવિલ હોસ્પિટલમાં મેડિકલ સ્ટાફ - તંત્ર જીવના જોખમે સેવા આપે છે. મહામારી સમયે તેમનો જુસ્સો વધારવાને બદલે ટીવી ન્યૂઝ ચેનલે હતોત્સાહ કરવાનો પ્રયાસ કર્યો છે, જે વખોડવાને પાત્ર છે.

મહામારીનું સંકટ છે ત્યારે સમાજમાં નકારાત્મક માહોલ ફેલાવીને ચેનલિયા અને રાતોરાત સર્જાતા પોસ્ટરિયા માધ્યમો વીલનની ભૂમિકા ભજવી રહ્યા છે.

જવાબદારીના ભાન વગરના મીડિયા પર નિયંત્રણ જરૂરી છે. મીડિયા સંચાલકોએ પોતાના તંત્રને કાબૂમાં રાખવું જોઇએ. સ્ટાફને જવાબદારીનું ભાન કરાવવું જોઇએ.

સીવિલ - કોવિડ હોસ્પિટલોમાં તબીબો - સ્ટાફ જીવને જોખમમાં મૂકીને ફરજ બજાવે છે. આવા સ્ટાફને બિરદાવવાને બદલે બીવડાવવાનો પ્રયાસ નીંદનીય છે. અમૂક મીડિયા દ્વારા મેડિકલ સ્ટાફ હતાશ થઇ જાય તેવો માહોલ સર્જવામાં આવતો હોય તેમ લાગે છે. અફસોસ એ છે કે આવા મીડિયાના રવાડે ચઢીને વિરોધ પક્ષ પણ જાણતા - અજાણતા સમાજનું અહિત કરી બેસે છે.

મીડિયાજગતે સ્થિતિની ગંભીરતા સમજીને જવાબદારીથી વર્તવું જરૂરી છે. સ્વતંત્રતાનો અર્થ સ્વચ્છંદી નથી થતો સમાજનું હિત કરવાની ત્રેવડ ન હોય તો... કમસેકમ અહિત કરવાથી તો દૂર રહો...

(3:34 pm IST)