Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

કોરોનાના કહેર વચ્ચે સિવિલમાં ૧૮ દિવ્યાંગ કર્મયોગીઓની સાચા અર્થની ફરજ

કેસબારી, કોમ્પ્યુટર વિભાગ અને વહિવટી વિભાગમાં આ કર્મચારીઓની કામગીરીથી સોૈ કોઇ પ્રભાવીત

રાજકોટ તા.૧૭ : રાજકોટની પી.ડી.યુ. હોસ્પિટલ ખાતે કોરોના સંક્ર્મણ વચ્ચે ૧૮ જેટલા કર્મયોગી દિવ્યાંગજનો હોપિટલમાં અવિરત લોકસેવામાં ચાલુ રહીને પ્રેરણારૂપ બન્યા છે.

કર્મયોગીની ભાવનાને સાચા અર્થમાં સાર્થક કરી કોરોના સંક્રમણ વચ્ચે પોતાની શારીરિક તકલીફોને એક બાજુ મૂકીને કામ કરવાના અને સેવા ભાવ સાથે રાજકોટની સરકારી કોવિડ હોસ્પિટલમાં ૧૮ કર્મયોગીઓ અવિરત કામગીરી કરી રહ્યા છે. રાજકોટની પી.ડી.યુ. હોસ્પિટલમાં કામ કરતા દિવ્યાંગ કર્મચારીઓની આ સેવાથી સૌ પ્રભાવિત થયા છે. 

દિવ્યાંગજન દિલીપભાઈ હંસરાજભાઈ સાયગાએ કહ્યું હતું કે, હું ૧૪ વર્ષથી હોસ્પિટલની કેશ બારી પર કામ કરું છું, દર્દીના સગાને પરિવારજનોની બીમારીની ચિંતા હોય છે, ત્યારે તેમને  કયા વિભાગમાં રિપોર્ટ તપાસ થશે ? કયો વોર્ડ કયાં આવેલો છે ? તેના યોગ્ય જવાબ માત્ર આપવાથી તેઓના મુખ પર સંતોષ જોવા મળતો હોય છે, તેનાથી આમારા દિવ્યાંગ કર્મીઓ પ્રત્યેની લાગણી શુભકામના પણ અમને કામ કરવાની પ્રેરણા આપે છે.

દિવ્યાંગ કર્મયોગી લાલજીભાઇ મેર કહે છે કે હું ૮૫% દિવ્યાંગ છું અને મારા પત્ની પણ દિવ્યાંગ છે અમે બંને કામ કરીએ છીએ. સિનિયર દિવ્યાંગ કર્મચારી નંદલાલભાઇ સવસાણી કહે છે કે હું ૧૪ વર્ષથી કામ કરું છું. દિવ્યાંગ કર્મચારીઓના પરિવારજનો પણ તેમને કામ કરવા માટે પ્રોત્સાહન આપે છે.

દર્દીઓને ઈન્ડોર-ઓઉટડોર સારવાર અને કેસ ફાઈલ ટ્રાન્સફર કરવાની કામગીરી કરતા દીપેશ મકવાણા કહે છે કે અમે વધુને વધુ સારું કામ થાય તેવો પ્રયત્ન કરીએ છીએ, રાજય સરકાર દ્વાર પણ કર્મયોગીઓને સંક્ર્મણ ન થાય તે માટે પૂરતી તકેદારી, સંસાધનો પુરા પાડવામાં આવે છે. આમ રાજકોટમાં દિવ્યાંગ કર્મચારીઓનો આ સેવા યજ્ઞ પ્રેરણાદાયી છે.

(1:25 pm IST)