Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

સિવિલ હોસ્પિટલમાં વોર્ડ નં. ૧૦ પાસે ગમે તે ગમે ત્યારે કરી જાય છે 'મુત્ર વિસર્જન': ગંદકીનું તલાવડુ ભરાયું!

ભૂગર્ભની લાઇન ચોકઅપ હોવાથી વોર્ડના સંડાસ-બાથરૂમનું પાણી પણ ઉભરાઇને બહાર આવે છેઃ પોસ્ટ મોર્ટમ રૂમ તરફ જવાના રસ્તે ભોજનાલય અને મંદિરની સામેના ભાગે જ મર્યાદા નેવે મુકી લોકો ગંદકી ફેલાવે છે!

રાજકોટઃ પંડિત દિનદયાલ ઉપાધ્યાય સિવિલ હોસ્પિટલમાં ચોખ્ખાઇ મામલે ખુદ આરોગ્ય કમિશનરે કામગીરીના વખાણ કર્યા હતાં. પરંતુ વોર્ડ નં. ૧૦ પાસે લાંબા સમયથી ગંદકીના તલાવડના ઉભરાઇ રહ્યા છે. આ વોર્ડના સંડાસ-બાથરૂમની ભૂગર્ભની લાઇન ચોકઅપ થઇ ગઇ હોવાથી અંદરથી ગંધારૂ-ગોબરૂ પાણી ઉભરાઇને બહાર આવે છે. આ કારણે મચ્છરોનું બેફામ ઉત્પાદન થઇ રહ્યું છે. વોર્ડમાં દાખલ દર્દીઓ પણ ગંદકી-દૂર્ગંધની પરેશાન થઇ જાય છે. વોર્ડ નં. ૧૦ની પાછળની દિવાલ કે જે રસ્તો પોસ્ટ મોર્ટમ રૂમ તરફ જાય છે એ ખુણામાં ગમે ત્યારે ગમે તે વ્યકિત સરાજાહેર મુત્ર વિસર્જન કરવા ઉભા રહી જાય છે...આ કારણે આવતા-જતાં મહિલાઓ, નર્સિંગ સ્ટાફની મર્યાદા પણ લોપાય છે. આ ખુણાની બરાબર સામે જ  મંદિર છે તેમજ ગરીબ દર્દીઓ માટેનું ભોજનાલય ચાલે છે. અનેક વખત પીઆઇયુમાં સંબંધીતોએ રજૂઆત કરી છે. પરંતુ ગંદકીનો આ પ્રશ્ન ઉકેલવા કોઇએ ગંભીરતા દાખવી નથી. આજે તો ગંદા પાણી ઉભરાઇને છેક સામેના ભોજનાલયના ગેઇટ સુધી પહોંચી ગયા હતાં. તસ્વીરમાં ઉભરાયેલી ગંદકી અને એક મહાશય નિરાંતે 'હળવા' થતાં જોઇ શકાય છે. આવા દ્રશ્યો રોજબરોજ ગમે ત્યારે સર્જાય છે. હોસ્પિટલમાં બર્ન્સ વોર્ડ પાસે મુતરડી અને જાહેર શોૈચાલયની વ્યવસ્થા છે. પરંતુ કે. ટી. ચિલ્ડ્રન વોર્ડ, દસ નંબરના વોર્ડ કે પછી પોસ્ટ મોર્ટમ રૂમ તરફ આવતાં જતાં લોકો ત્યાં સુધી જવાને બદલે વોર્ડ નં. ૧૦ની પાછળના ખુણાનો જ શોૈચાલય તરીકે ઉપયોગ કરી રહ્યા છે. હોસ્પિટલ તંત્રની સાથે લોકો પણ જાગૃત બની આ રીતે ગંદકી ન ફેલાવે તે જરૂરી છે. (ફોટોઃ અશોક બગથરીયા)

(3:35 pm IST)