Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

વાહન ચાલકોની દંડથી બચવા મથામણ,કોઇ છટકી ન જાય તે જોવા પોલીસનો ચોકે-ચોકે ઘેરાવઃ અનેક દંડાયા...

બીજા દિવસે ટ્રાફિક પોલીસ દ્વારા નવા નિયમો હેઠળ વાહન ચાલકોને દંડ ફટકારવાની કાર્યવાહી વધુ વેગીલી બની : શહેરમાંથી હેલ્મેટના કાયદાને હાંકી કાઢવાની માંગણી : ભારેખમ દંડ ન ભરવો પડે એ માટે ભયના માહોલ વચ્ચે એંસી ટકા લોકો મને-કમને હેલ્મેટ પહેરતા થઇ ગયાઃ અમુક હજુ ચોકને બદલે શેરીઓ ગલીઓમાંથી બચીને ભાગમભાગ કરી રહ્યા છેઃ આગામી દિવસોમાં ઝુંબેશ વધુ આકરી થશે કે હેલ્મેટમાંથી મુકિત મળશે?...એ તરફ તમામ ટુવ્હીલર ચાલકોની મીટ

રાજકોટઃ કેન્દ્ર સરકારના વાહન ચાલકો માટેના નવા કાયદાનો ગુજરાત રાજ્યમાં ગઇકાલથી અમલ શરૂ થતાં જ ઠેર-ઠેર વાહન ચાલકોમાં ભારે ભયના માહોલ સાથે રોષ ફેલાઇ ગયો છે. વાહન ચાલકોની સુરક્ષા માટેનો આ કાયદો હોવાનો સરકાર દાવો કરે છે. પરંતુ રાજકોટમાં વાહન ચાલકો મને કમને અને મસમોટા દંડથી બચવા માટે હેલ્મેટ પહેરીને નીકળતાં હોવા છતાં એવું સ્પષ્ટ કહી રહ્યા છે કે શહેરી વિસ્તારમાંથી હેલ્મેટના કાયદાને હાંકી કાઢવો જોઇએ. લોકોએ હાલ તો ગમે તેમ કરીને દંડથી બચવા માટે આઇએસઆઇ માર્કા વગરની હેલ્મેટ ખરીદી લીધી છે અને માથે રાખીને રોજીંદા કામ-ધંધે જવાનું શરૂ કરી દીધું છે. પરંતુ અંદરથી આ તમામ વાહન ચાલકો ફરજીયાત હેલ્મેટના કાયદાથી ખુબ નારાજ હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. ગઇકાલે પ્રથમ દિવસે જ રાજકોટ પોલીસે ૩૬૦૦ વાહન ચાલકોને દંડ ફટકાર્યો હતો. અન્ય દિવસો કરતાં ગઇકાલે ડબલ કે ત્રણ ગણા કેસ કરવામં આવ્યા હતાં. હજુ મોટા ભાગના વાહન ચાલકો સારી હેલ્મેટ ખરીદી શકયા નથી. અથવા તો અમુક પાસે માંડ પેટ્રોલ પુરાવવાના પૈસા હોય ત્યાં હેલ્મેટ કઇ રીતે ખરીદવી તેવી મુંજવણને કારણે હેલ્મેટની વ્યવસ્થા થઇ શકી નથી. તો અમુક વાહન ચાલકોને હેલ્મેટ પહેરવાથી માથાનો દુઃખાવો, ચક્કર આવવા, અવાજ ન સંભાળવવો, આજુ બાજુમાં દેખાવું નહિ...તેવા અનેક કારણોસર હેલ્મેટ પહેરવાથી અળગા રહ્યા છે. આવા વાહન ચાલકો મુખ્ય ચોકમાં કે જ્યાં ચેકીંગ ચાલુ હોઇ ત્યાંથી નીકળવાને બદલે ગમે તેમ કરીને શેરીઓ ગલીઓમાંથી નીકળવા માંડ્યા છે. શહેર ટ્રાફિક પોલીસે આજે બીજા દિવસે પણ મુખ્ય ચોક કેકેવી ચોક, કોટેચા ચોક, કિસાન પરા ચોક સહિતના પોઇન્ટ પર ચારેય રસ્તાઓ પર ટીમો ઉતારી દઇ હેલ્મેટ વગર નીકળતાં વાહન ચાલકોને ૫૦૦-૫૦૦ના દંડ ફટકાર્યા હતાં. જેના ખિસ્સામાં રોકડા નહોતાં તેના વાહનના ફોટા પાડી ઇ-મેમોની સુવિધા પણ પોલીસે આપી હતી. આજે પણ અનેક વાહનો દંડાયા હતાં. ભારેખમ દંડને કારણે વાહન ચાલકોમાં જબરો રોષ ફેલાયો છે. આગામી દિવસોમાં હેલ્મેટની ઝુંબેશ હળવી પડશે કે વધુ આકરી રીતે પોલીસ આ કાયદાનું પાલન કરાવવા આગળ વધશે? એ તરફ સોૈની મીટી છે. મોટા ભાગના વાહન ચાલકો કે જે હેલ્મેટ પહેરીને નીકળી રહ્યા છે એ પણ ઇચ્છે છે કે હેલ્મેટનો કાયદો શહેરમાં લાગુ કરવાની જરૂર જ નથી. સરકાર આ વિશે વિચારે તે જરૂરી છે. હેલ્મેટ પહેરી હોવાથી બરાબર દેખાતુ ન હોઇ અકસ્માતના બનાવ ગઇકાલે જ બન્યા હતાં. આજે પણ અમુક ચોકમાં આવા બનાવ બન્યા હતાં. તસ્વીરોમાં અલગ-અલગ ચોકમાં દંડ ઉઘરાવવા ઉભેલી પોલીસ અને હેલ્મેટ પહેરેલા વાહન ચાલકો જોઇ શકાય છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

આજે બપોર સુધીમાં ૯૪ કેસઃ ૧૫૬ને ઇ-મેમો

. ટ્રાફિક બ્રાંચમાંથી મળેલી માહિતી મુજબ આજે બપોર સુધીમાં ૯૪ કેસ કરી ૪૬ હજારનો દંડ વસુલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ઇ-મેમો થકી ૧૫૬ વાહન ચાલકોને દંડ કરવામાં આવ્યો છે.

(3:30 pm IST)