Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

શહેરી વિસ્તારમાંથી હેલ્મેટની મુકિત નહિ અપાય તો વકીલો જેલ ભરો આંદોલન કરશે

મુંબઈ હાઈકોર્ટનો ચુકાદો ટાંકીને મુખ્યમંત્રી, ગૃહમંત્રી, પોલીસ તંત્રને પત્ર પાઠવતા બાર એસો.ના સેક્રેટરી જીજ્ઞેશભાઈ જોષીઃ સીસીટીવી આતંકવાદીઓ ઉપર નજર રાખવા માટે છે પ્રજા માટે નહિઃ મેટ્રોપોલીટન સીટીમાં જ આઈ-વે પ્રોજેકટના આધારે મેમો મોકલી શકાયઃ રાજકોટમાં હેલ્મેટ મુકિત માટે હવે વકીલોની માંગણી

રાજકોટ, તા. ૧૭ :. રાજકોટ બાર એસો.ના સેક્રેટરી તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ લીગલ એન્ડ હ્યુમનરાઈટ ડીપાર્ટમેન્ટના કન્વીનર અને એડવોકેટ ડો. જીજ્ઞેશ એમ. જોષીએ મુખ્યમંત્રી, ગૃહમંત્રી, રાજકોટ પોલીસ કમિશનર અને ડી.જી.પી. ગાંધીનગરને એક પત્ર પાઠવીને શહેરી વિસ્તારમાંથી હેલ્મેટ પહેરવારમાંથી મુકિત આપવા અને ભારેખમ દંડ અંગે ફેરવિચારણા કરવા જણાવ્યુ છે. જો આમ નહિ કરવામાં આવે તો રાજકોટના વકીલો સવિનય કાનૂન ભંગ કરીને જેલભરો આંદોલન કરતા ખચકાશે નહિ તેવી ચિમકી ઉચ્ચારી છે.

હાલમાં રાજ્ય સરકાર દ્વારા ટ્રાફીક નિયમોમાં જે ફેરફાર કરવામાં આવેલ છે જે જોતા સ્પષ્ટ જણાઈ આવે છે કે રાજ્ય સરકાર આર્થિકભીંસ અનુભવી રહી છે અને આ આર્થીકભીંસમાંથી મુકિત મેળવવા માટે સામાન્ય પ્રજાજનો ઉપર ટ્રાફીક નિયમોના નામે દંડના અસહ્ય વધારો કરે છે અને તે પ્રમાણેની વસુલાત કરવાની નીતિ જાહેર કરીને ગૃહખાતા દ્વારા રાજ્યના ટ્રાફીક શાખાઓને ફરમાન પાડેલ છે જે ખોટુ જેથી તાકીદે ટ્રાફીક નિયમોમાં જાહેર કરેલ દંડની રકમનો અસહ્ય વધારો પરત ખેંચવા આપ શ્રીમાનોને વિનંતી કરે છે અને તે બાબતે ફરીથી વિચારણા કરી સામાન્ય પ્રજાના લાભાર્થે નિર્ણય લેવા વિનંતી છે.

મુંબઈ હાઈકોર્ટે મહાનગરપાલિકા વિસ્તારમાં હેલ્મેટમાંથી મુકિત આપવાનો હુકમ કરેલ છે જેને ધ્યાને લઈને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ટ્રાફીકના નિયમોમાં મહાનગરપાલિકા વિસ્તારમાંથી હેલ્મેટને મુકિત આપવા માટે અમો રાજકોટ બાર એસોસીએશન દ્વારા આપશ્રીને વિનંતી છે.

જો મહાનગરપાલિકાઓમાં ટુ વ્હીલરનો ઉપયોગ કરનાર પ્રજાજનોને હેલ્મેટ પહેરવામાંથી મુકિત નહી આપવામાં આવે તો નાછૂટકે વકીલો સવિનય કાનૂન ભંગ કરી હેલ્મેટના નિયમોનો અનાદર કરશે અને જેલભરો આંદોલન કરતા ખચકાશે નહી જેથી આ પત્રને ધ્યાને લઈ અને પ્રજાના હીતમાં અને વકીલોના હીતમાં મહાનગરપાલિકાઓમાં ટુ વ્હીલર ઉપર સવારી કરનાર ચાલકને હેલ્મેટમાંથી મુકિત આપવાનો ઠરાવ વિધાનસભામાં પસાર કરી તાકીદે અમલ કરાવવા નમ્ર અરજ છે.

આ ઉપરાંત તમામ શહેરોમાં આપશ્રીની સરકાર દ્વારા આરોપીઓ, ગુનેગારો અને આતંકવાદીઓ ઉપર બાઝનગર રાખવા માટે સીસીટીવી કેમેરાઓ પ્રજાના પૈસે નાખવામાં આવેલ છે. જે સીસીટીવી કેમેરાના આધારે આઈ-વે પ્રોજેકટના આધારે શહેરીજનોને દંડના મેમાઓ મોકલવામાં આવે છે. આપશ્રીનું ધ્યાન દોરવાનું કે જે શહેરો મેટ્રોપોલીટન સીટીની વ્યાખ્યામાં આવતા હોય માત્રને માત્ર તેવા જ શહેરોમાં આઈ-વે પ્રોજેકટના આધારે મેમો મોકલી શકાય છે. હાલમાં રાજકોટ સીટી એ મેટ્રોપોલીટન શહેરની વ્યાખ્યામાં ન આવતુ હોવા છતા પણ મેમો ગેરકાયદેસર રીતે શહેરીજનોને મોકલવામાં આવે છે તે સંપૂર્ણ વ્યવસ્થા ગેરકાયદેસર છે જે આપની જાણ માટે આથી આ સીસ્ટમ પણ તાત્કાલીક ધોરણે બંધ કરવા અમારી માગણી છે તેમ બાર એસો.ના સેક્રેટરી અને ગુ.પ્ર. કોંગ્રેસ લીગલ સેલના કન્વીનર એડવોકેટ ડો. જીજ્ઞેશભાઈ જોષીએ જણાવેલ છે.

(3:29 pm IST)