Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

ટ્રેન મારફત જંકશન સ્ટેશને ઉતર્યો ૫૪૦ બોટલ દારૂ!: છોટાહાથીમાં ભરીને નીકળ્યા ત્યાં બે શખ્સ ઝડપાયા

એસીપી ક્રાઇમની ટીમે જંકશનથી મોચીબજાર તરફ જતાં રોડ પરથી મુસ્તાક અને દાનીસને દબોચ્યા : બામણબોર પાસે રિક્ષામાં ૫૪ બોટલ સાથે ખિરસરાનો દિનેશ અને કોઠીનો કિરણ પકડાયા

રાજકોટ તા. ૧૬: દારૂના દરોડામાં જંકશન રોડ સેસન્સ કોર્ટ પાસેથી ૫૪૦ બોટલ દારૂ ભરેલા છોટા હાથી સાથે બે શખ્સને અને બામણબોર ચોકડીએ ૫૪ બોટલ સાથેની રિક્ષા સાથે બે શખ્સને પકડી લેવાયા હતાં. જામનગર રોડ કૃષ્ણનગરમાંથી પાંચ બોટલ સાથે એક પકડાયો હતો. જેમાં એસીપી ક્રાઇમની ટીમે પકડેલો મોટો જથ્થો ટ્રેન મારફત આવ્યાનું ખુલતાં ચકચાર જાગી છે.

એસીપી ક્રાઇમની ટીમે ચોક્કસ બાતમીને આધારે જંકશન રેલ્વે સ્ટેશનથી મોચી બજાર ખટારા સ્ટેન્ડ  તરફ જવાના રસ્તા પર સેસન્સ કોર્ટ નજીકથી રૂ. ૧,૬૨,૦૦૦નો ૫૪૦ બોટલ દારૂ ભરેલા છોટાહાથી સાથે ગોૈતમનગર અને હાથીખાનાના બે શખ્સને ઝડપી લઇ કુલ રૂ. ૪,૭૦,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

એસઓજીના કોન્સ. જીતુભા ઝાલા અને ફિરોઝભાઇ રાઠોડને ચોક્કસ બાતમી મળી હતી કે જંકશન રેલ્વે સ્ટેશને ટ્રેન મારફત અમુક પાર્સલ બહારગામથી આવ્યા છે અને તેમાં વિદેશી દારૂની બોટલો છે. આ જથ્થો જંકશનથી જીજે૦૩બીટી-૩૪૨૧ નંબરના છોટાહાથીમાં ભરીને બે શખ્સો નીકળ્યા છે અને જંકશનથી મોચી બજાર જુના ખટારા સ્ટેન્ડ તરફ આવવાના છે.

આ બાતમી પરથી વોચ રાખવામાં આવતાં છોટાહાથી આવતાં તેને જંકશન રોડ સેસન્સ  પાસે અટકાવી તલાશી લેતાં અંદરથી ફાઇવસ્ટાર ગોલ્ડ બ્રાન્ડની દારૂની ૫૪૦ બોટલો મળી આવી હતી. જેની કિંમત રૂ. ૧,૬૨,૦૦૦ થતી હતી.

પોલીસે છોટાહાથીમાં બેઠેલા મુસ્તાક ઇસ્માઇલભાઇ ભાલેજાવાલા (ઉ.૩૮-રહે. ગોૈતમનગર-૩, અક્ષર માર્ગ લક્ષ્મીનગર પાસે સદ્દગુરૂ પાર્ક સામે) તથા દાનીસ જુબેરભાઇ દસાડીયા (ઉ.૨૧-રહે. હાથીખાના-૭)ની ધરપકડ કરી ૮૦૦૦ના બે ફોન, ૩ લાખનું વાહન અને દારૂ મળી કુલ રૂ. ૪,૭૦,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

ઇન્ચાર્જ પોલીસ કમિશનર સંદિપસિંહ, જેસીપી અજયકુમાર ચોૈધરી, ડીસીપી રવિમોહન સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજાએ બુટલેગરો પર દરોડા પાડી પ્રોહીબીશનના કેસકરવા સુચના આપી હોઇ એસીપી ક્રાઇમ જયદિપસિંહ એચ. સરવૈયાની ટીમના પીએસઆઇ એમ.એસ. અંસારી, એએસઆઇ જગદીશભાઇ કિહોર, ચંદ્રસિંહ જાડેજા, કોન્સ. જીતુભા ઝાલા, ફિરોજભાઇ રાઠોડ, પ્રતાપસિંહ મોયા, સુધીરસિંહ જાડેજા, હરશ્યામસિંહ ઝાલા, મહાવીરસિંહ ચુડાસમા સહિતે આ કામગીરી કરી હતી. એએસઆઇ જગદિશભાઇ કિહોરે વિશેષ તપાસ હાથ ધરી છે. મોટા મોટા થર્મોકોલના બોકસમાં ૬૦-૬૦ દારૂની બોટલો ગોઠવવામાં આવી હતી અને ઉપર કવર ચડાવી પ્લાસ્ટીકની મજબૂત પટ્ટીથી પેકીંગ કરી દારૂના બોકસ ટ્રેન મારફત મંગાવાયા હતાં. માલ કોણે કયાંથી મંગાવ્યો? તે અંગે ઝડપાયેલા બંનેની વિશેષ પુછતાછ હવે પછી થશે.

કુવાડવા પોલીસે ૨૧ હજારનો દારૂ ભરેલી રિક્ષા પકડી

ઉચ્ચ અધિકારીઓ અને એસીપી ઉત્તર એસ.આર. ટંડેલની સુચના હેઠળ કુવાડવા પી.આઇ. એમ.આર. પરમાર, પીએસઆઇ એમ. કે. ઝાલા, એએસઆઇ ભરતસિંહ જાડેજા, હેડકોન્સ. બી.ટી. ભરવાડ, કોન્સ. દિલીપભાઇ બોરીચા, મનિષભાઇ ચાવડા, અજીતભાઇ લોખીલ, દેવેન્દ્રસિંહ જાડેજા, રઘુવીરભા ઇશરાણી સહિતની ટીમે પેટ્રોલીંગમાં હતી ત્યારે અજીતભાઇ, દિલીપભાઇ અને દેવેન્દ્રસિંહની બાતમી પરથી જીજે૧૦ટીડબલ્યુ-૨૯૨૪ નંબરની સીએનજી રિક્ષા અમદાવાદ હાઇવે બામણબોર ચોકડીએથી પકડી લઇ તપાસ કરતાં અંદરથી રૂ. ૨૧૬૦૦નો ૫૪ બોટલ દારૂ મળતાં તે તથા રિક્ષા, ત્રણ ફોન મળી કુલ રૂ. ૧,૦૧,૧૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. રિક્ષા ચાલક દિનેશ મેરૂભાઇ ચોૈહાણ (ઉ.૨૯-ખીરસરા, તા. લોધીકા) તથા કિરણ ભીખાભાઇ રાઠોડ (ઉ.૨૧-રહે. કોઠી તા. વાંકાનેર)ની ધરપકડ કરી હતી. પીએસઆઇ ઝાલા વધુ તપાસ કરે છે.

કૃષ્ણનગરમાંથી સદામ  ૫ બોટલ સાથે પકડાયો

ગાંધીગ્રામના પીઆઇ વી. વી. ઓડેદરાની રાહબરીમાં હેડકોન્સ. સંતોષભાઇ મોરી, રાહુલભાઇ વ્યાસ, કોન્સ. ગોપાલભાઇ પાટીલ સહિતે જામનગર રોડ વ્હોરા સોસાયટી પાછળ કૃષ્ણનગર ઝેબા હાઉસ પાસેથી સદામ મુસ્તાકભાઇ શેખ (ઉ.૨૪)ને  રૂ. ૨૦૦૦ના પાંચ બોટલ દારૂ સાથે પકડી લીધો હતો.

(12:17 pm IST)