Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

છોટુનગર ઝૂપડપટ્ટીના બકાલી નરેશને જલારામ સોસાયટીમાં પેટ પર છરી ટેકવી ૧૨ હજારની લૂંટ

ત્રણ શખ્સો બાઇક પર આવ્યા અને રોકડ, ફોન, ચાંદીનુ કડુ લૂંટી ગયા

રાજકોટ તા. ૧૭:હનુમાન મઢી પાછળ છોટુનગર ઝૂપડપટ્ટીમાં રહેતાં અને શાકભાજીનો ધંધો કરતાં નરેશ મણીભાઇ વારૈયા (ઉ.૨૫) નામના દેવીપૂજક યુવાનને જલારામ સોસાયટી-૧માં રામેશ્વર ફલટ સામે હતો ત્યારે બાઇક પર આવેલા ત્રણ શખ્સોએ આવી તેના પેટ પર છરી રાખી દઇ ધમકાવી તેમજ ઢીકા-પાટુનો માર મારી રોકડા રૃા. ૨૦૦૦, ૫ હજારનો મોબાઇલ ફોન તથા હાથમાં પહેરેલુ ચાંદીનું કડુ મળી રૃા. ૧૨ હજારની મત્તા લૂંટી જતાં ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધ્યો છે.

નરેશે જણાવ્યું હતું કે પોતે તા. ૪ના સવારે અગિયારેક વાગ્યે રેંકડી લઇને સુભાષનગર અને અમરનગરમાં થઇ જલારામ સોસાયટીમાં શાકભાજીની ફેરી કરવા ગયો હતો. નિર્મલા રોડથી જલારામ સોસાયટી તરફ જતાં રામેશ્વર ફલેટ પાસે રેંકડી લઇને ઉભો હતો ત્યારે ત્રણ શખ્સો બાઇક પર આવ્યા હતાં. જેમાંથી એક શખ્સે પપૈયાના ભાવ પુછયા હતાં. બાદમાં બે શખ્સ નજીક આવ્યા હતાં. જેમાંથી એક શખ્સે છરી કાઢી પેટ પર મુકી દીધી હતી અને જે હોય તે આપી દેવા કહી છરી મારી દેવાની ધમકી આપી હતી. પૈસા આપવાની ના પાડતાં ત્રણેયે ઢીકા-પાટુનો માર માર્યો હતો.

એ પછી વેપારના પૈસા રૃા. ૨૦૦૦ કાઢી લઇ મોબાઇલ ફોન તથા જમણા હાથમાં પહેરેલુ ચાંદીનું કડુ પણ ખેંચી કાઢી ત્રણેય ભાગી ગયા હતાં. બનાવ બાદ એક વ્યકિતનો ફોન લઇ ઘરે જાણ કરી હતી. બનાવ વખતે ફરિયાદ કરી નહોતી. એ પછી ખબર પડી હતી કે ફ્રુટનો ધંધો કરતાં ચમનભાઇને પણ લુંટવાની કોશિષ થઇ છે. આથી હવે ફરિયાદ નોંધાવી છે. ગાંધીગ્રામના પીએસઆઇ આર. એસ. પટેલે ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે.

(5:09 pm IST)