Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

૨૪મીએ ફરી કારોબારી યોજવા હિલચાલ, ડી.ડી.ઓ.ને ચંદુભાઇનો ફરી વિરોધપત્ર

રાજકોટ જિલ્લા પંચાયતમાં વાતાવરણ વધુ ડહોળાતુ જાય છે :વહીવટી તંત્ર સામે કાયદેસર કાર્યવાહી કરવાની સભ્યની ચીમકી

રાજકોટ તા.૧૭:જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના બે જુથો વચ્ચેની લડાઇના કારણે રાજકીય વાતાવરણ વધુ ડહોળાતું જાય છે. ૨૧ જુલાઇની કારોબારીનો વિવાદ હાઇકોર્ટમાં છે. તેની સુનાવણી માટે કાલે ૧૮ સપ્ટેમ્બરની મુદ્દત છે. કારોબારી અને બાંધકામ સમિતિની સતા પાછી ખેંચવાનો મુદ્દો પણ હાઇકોર્ટમાં છે બાગી જુથે તા. ૨૪મીએ ખાસ કારોબારી બોલાવવા પ્રયાસ કર્યા છે. ૨૪મીએ ખાસ કારોબારી બેઠક બોલાવવા માટે આજે સાંજ સુધીમાં એજન્ડા પ્રસિદ્ધ થઇ જવો જરૃરી છે. કારોબારીની કામગીરી સામે સમિતિના સભ્ય ચંદુભાઇ શીંગાળાએ આજે ડી.ડી.ઓ.ને વિરોધપત્ર આપ્યો છે.

ચંદુભાઇએ પત્રમાં આક્ષેપ કર્યો છે કે, અમો જિલ્લા પંચાયતના સભ્ય અને કારોબારી સમિતિના સભ્ય છીએ, અમોએ આ વિગતે આપને અગાઉ પત્રો લખેલા છેે. તથા ઇ-મેઇલ દ્વારા પણ જરૃરી માહિતીઓ માંગેલ છે. છતાં પણ આ અંગે આપની તરફથી આગળ ઉપરની કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. આપ પંચાયત અધિનિયમ અને કાર્યરીતિનાં નિયમો પ્રમાણે વહીવટી કામગીરી કરતા નથી અને સભ્યોની અવગણના કરો છો. જેથી આપનું ગંભીરતાપુર્વક ધ્યાન દોરવાનું કે નિમયોનુસાર મળેલા અધિકારોને ધ્યાને રાખી, વાદગ્રસ્ત બાબતો અને હાઇકોર્ટમાં ન્યાયાધીન કામગીરી નોંધ પ્રમાણે કામગીરી કરવાના બદલે આપ જુદી રીતે કામગીરી કરો છો. પંચાયત અધિનિયમ અને કાર્યરીતિના નિયમોનો ભંગ કરો છો. તે રાજકીય પ્રેરીત અને સરકારશ્રીના ઉચ્ચ અધિકારીઓના દબાણવશ થઇ નિયમભંગ કરીને આપ કાર્યવાહી કરો છો, જે ગંભીર બાબત હોય અમો આ અંગે આગળ ઉપર કાયદેસરની કાર્યવાહી કરીશું.

(5:08 pm IST)