Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

શકિત ઉર્ફે ટબુડી અને સુરેશ ઉર્ફે સુનીલ ચેઈનની ચિલઝડપ કરી મુકેશને વેંચવા આપતા'તા

ભકિતનગર પોલીસે ૩ ચિલઝડપ અને બાઈક ચોરીનો ભેદ ઉકેલ્‍યોઃ બે પકડાયા : ીએસઆઈ ધાખડા, હેડ કોન્‍સ. પ્રકાશભાઈ વાંક અને વાલજીભાઈ જાડાની બાતમી

રાજકોટઃ. ભકિતનગર સર્કલ ગીતા મંદિર પાસે ભકિતનગર સોસાયટી અને મીલપરામાં થયેલી ચેઈનની ચીલઝડપ અને રૂડાનગર-૨ વિસ્‍તારમાંથી બાઈક ચોરીનો ભકિતનગર પોલીસે ભેદ ઉકેલી બે શખ્‍સોને પકડી લીધા હતા. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઈન્‍ટ કમિશનર સિદ્ધાર્થ ખત્રીની સૂચનાથી ભકિતનગર પોલીસ મથકના પીઆઈ વી.કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી.એમ. ધાખડા, હેડ કોન્‍સ. મહેન્‍દ્રસિંહ ડોડીયા, પ્રકાશભાઈ વાંક, વિક્રમભાઈ ગમારા, દેવાભાઈ ધરજીયા, વાલજીભાઈ જાડા, ભાવેશભાઈ મકવાણા, દિવ્‍યરાજસિંહ ઝાલા, સલીમભાઈ તથા હિતેશભાઈ અગ્રાવત સહિત પેટ્રોલીંગમાં હતા ત્‍યારે પીએસઆઈ ધાખડા, હેડ કોન્‍સ. પ્રકાશભાઈ વાંક અને વાલજીભાઈ જાડાને મળેલી બાતમીના આધારે સોરઠીયાવાડી સર્કલ પાસેથી મનહરપરા મેઈન રોડ શેરી નં. ૭/૮માં રહેતો સુરેશ ઉર્ફે સુનીલ ચોટો હરીભાઈ બાબરીયા (ઉ.વ.૨૮) અને ભાવનગર રોડ રાજમોતી મીલ પાસે અંબીકા સોસાયટી શેરી નં. ૩નો મુકેશ વજુભાઈ પરમાર (ઉ.વ.૨૦)ને ચોરાઉ સ્‍પ્‍લેન્‍ડર મોટર સાયકલ સાથે પકડી લીધા હતા. પોલીસે બન્નેની પૂછપરછ કરતા સુરેશ ઉર્ફે સુનીલ ઉર્ફે ચોટો અને નામચીન શકિત ઉર્ફે ટબુડી વિનુભાઈ સોલંકી બન્નેએ છેલ્લા દોઢ માસમાં ભકિતનગર સર્કલ પાસે, ભકિતનગર સોસાયટી-૧માં અને મીલપરા શેરી નં. ૭માં ચેઈનની ચિલઝડપ કર્યાની અને બાઈક યુનિવર્સિટી રોડ રૂડાનગર-૨ પાસેથી ચોર્યાની કબુલાત આપતા પોલીસે બન્નેની ધરપકડ કરી નામચીન શકિત ઉર્ફે ટબુડી વીનુભાઈ સોલંકીની શોધખોળ આદરી છે. સુરેશ અગાઉ હત્‍યાની કોશિષ, મારામારી, લૂંટ, ચોરી અને ચીલઝડપના ગુનામાં પકડાઈ ચૂકયો છે. સુરેશ અને શકિત ઉર્ફે ટબુડી ચીલઝડપ કરી ચેઈન મુકેશ પરમારને વેચવા માટે આપતા હતા. પોલીસે સુરેશ અને મુકેશ પાસેથી સોનાનો ઢાળીયો અને બાઈક મળી રૂા. ૧ લાખનો મુદ્દામાલ કબ્‍જે કરી બન્નેને રીમાન્‍ડની માંગણી સાથે બપોર બાદ કોર્ટમાં રજુ કરવામાં આવશે.

(4:05 pm IST)