Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

લોન કન્‍સ્‍લટન્‍ટ કોઠારીના પોતાના નાણા ફસાયા'તા ને સામે લેણદારો ઉઘરાણી માટે દબાણ કરતા'તા

રાજુ ઉર્ફ ચેતન ઉર્ફ આર. કે. પટેલ પાસેથી પાંચ વર્ષ પહેલા ૩૩ લાખ ૩ ટકે લીધા'તા તેના દર મહિને રૂા. ૯૮ હજાર ચુકવતા હતાં: તેણે ઓગષ્‍ટમાં ઉઘરાણી માટે સુધીરભાઇને ગાડીમાં બેસાડી માર મારી ધમકી આપી'તીઃ દૂકાનનો દસ્‍તાવેજ કરી આપવા પણ ધમકી આપતાં ગામ છોડવું પડયું હતું : આરડીસી બેંકના મહેશ ચાવડા પાસેથી ૪ લાખ લીધા'તા તેની સામે ૩.૬૦ લાખ ચુકવ્‍યા છતાં દૂકાનનો દસ્‍તાવેજ કરી દેવા ધમકી અપાતી હતી : કોટેચા ચોકના કૈરવી પાનવાળા કમલેશ લાલવાણીને ૧૪ લાખ આપ્‍યા'તા તે પૈસા પાછા નહોતો આપતોઃ સુધીરભાઇ ઉઘરાણી કરે તો સામી ધમકી આપતો'તો : અક્ષરવાડીના કિરણ છનીયારાને ૮ લાખ આપ્‍યા'તા તે પણ પૈસા ખાઇ ગયો હતોઃ તેણે સુધીરભાઇના દિકરાના નામની કાર લઇ આપી પરંતુ તેની લોન ન ભરી

રાજકોટ તા. ૧૭: રૈયા રોડ હનુમાન મઢી પાસે તિરૂપતીનગર-૨માં સવન રેસિડેન્‍સી બી-૧૦૪ ખાતે રહેતાં લોન કન્‍સલ્‍ટન્‍ટ સુધીરભાઇ દુર્લભજીભાઇ કોઠારી (ઉ.૫૫)એ તા. ૧૪ના રાત્રીના સમયે ઝેર પી આપઘાત કરી લીધાના બનાવમાં ગાંધીગ્રામ પોલીસે પાંચ શખ્‍સો સામે આઇપીસી ૩૦૬,  ગુજરાત નાણા ધીરધાર અધિનીયમની કલમો હેઠળ ગુનો નોંધ્‍યો છે. ફરિયાદની વિગતો જોતાં એવું સ્‍પષ્‍ટ થયું છે કે સુધીરભાઇના પોતાના લાખો રૂપિયા ફસાઇ ગયા હતાં અને સામે લેણદારો વ્‍યાજની ઉઘરાણી માટે સતત ધાકધમકી આપતાં હોઇ તે મરી જવા મજબૂર થયા હતાં. પોલીસે આરોપીઓને શોધી કાઢવા દોડધામ શરૂ કરી છે.

બનાવ અંગે આપઘાત કરનારના પત્‍નિ હીનાબેન સુધીરભાઇ કોઠારી (ઉ.૫૪)ની ફરિયાદ પરથી સાધુ વાસવાણી રોડ ગાર્ડન સીટી ફલેટમાં રહેતાં રાજુ ઉર્ફ ચેતન ઉર્ફ આર. કે. કેશવલાલ પટેલ, અમદાવાદના કમલેશ જગદીશભાઇ લાલવાણી, અક્ષરવાડી માર્ગ જય અંબે મકાનમાં રહેતાં કિરણ ડી. છનીયારા, આરડીસી બેંકના રિકવરી ઓફિસર મહેશ ચાવડા તેમજ બિપીન સામે ગુનો દાખલ કરવામાં આવ્‍યો છે.

હીનાબેને ફરિયાદમાં જણાવ્‍યું છે કે પોતાને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પુત્ર સિધ્‍ધાર્થ પોતાની સાથે જ રહે છે અને તેના લગ્ન થઇ ગયા છે. જ્‍યારે પુત્રી મુંબઇ સાસરે છે. પોતે ઘર બેઠા ઓનલાઇન છોકરાઓના ડાયપરનો વેપાર કરે છે. પતિ સુધીરભાઇ યુનિવર્સિટી રોડ પટેલ કન્‍યા છાત્રાલય પાસે સુખશાંતિ એપાર્ટમેન્‍ટમાં શ્રી મા ફાયનાન્‍સ નામે ઓફિસ ધરાવતાં હતાં અને દસ વર્ષથી નાણા ધીરધાર તરીકેનું તેમજ લોનનું કામકાજ કરતાં હતાં. પુત્ર સિધ્‍ધાર્થ પણ તેમની સાથે બેસતો હતો. પોતે દિકરી ઇશિતા મુંબઇ ખાતે સગર્ભાવસ્‍થામાં હોઇ તેની સારસંભાળ રાખવા છેલ્લા કેટલાક સમયથી ત્‍યાં ગયા હતાં. ત્‍યારે ૧૪/૯ના રોજ જમાઇએ ફોન કરી જણાવેલ કે પપ્‍પા સુધીરભાઇની તબિયત સારી નથી, તાત્‍કાલીક ફલાઇટ મારફત રાજકોટ જવું પડશે.

જેથી પોતે રાજકોટ આવતાં ઘરે પતિની લાશ જોવા મળી હતી. આ બાબતે પુત્ર સિધ્‍ધાર્થે જણાવ્‍યું હતું કે પોતે અને પત્‍નિ શ્વેતા ૧૩મીએ રાત્રે પોતાના રૂમમાં સુઇ ગયા હતાં. સવારે સિધ્‍ધાર્થ ઉઠીને પિતા સુધીરભાઇના રૂમમાં ગયો ત્‍યારે તે સેટી પર નહિ પણ નીચે બેભાન જોવા મળ્‍યા હતાં. ૧૦૮ને બોલાવી તપાસ કરાવતાં તેઓ મૃત જણાયા હતાં. પછી પોલીસ પણ આવી હતી. પતિ સુધીરભાઇએ ઝેરી દવા પીધાનું જણાયું હતું. જંતુનાશક દવાની એક ડબ્‍બી પણ મળી હતી. તેમજ એક સ્‍યુસાઇડ નોટ પણ મળી હતી.

હીનાબેને ફરિયાદમાં આગળ જણાવ્‍યું છે કે મારા પતિને કોણ કોણ ત્રાસ આપતું હતું તેની મને ખબર છે. પતિએ રાજકોટના રાજુ ઉર્ફ ચેતનભાઇ ઉર્ફ આર. કે. પટેલ પાસેથી રૂા. ૩૩ લાખ બે કટકે પાંચ વર્ષ પહેલા લીધા હતાં. જેનું દર મહિને ૯૮ હજાર વ્‍યાજ ચુકવતાં હતાં. તા.૩૧/૮ના રોજ પૈસાની કડક ઉઘરાણી કરી પોતાની ગાડીમાં બેસાડી માર માર્યો હતો અને ધમકી આપી હતી. ૭/૯ સુધીમાં દૂકાન પોતાના નામે કરી દેવાની ધમકી આપી હતી. આ વાત મારા પતિએ મને કરી હતી. તેમજ મારા દિકરાના ખાતાના કોરા ચેક માંગી ખુબ પ્રેશર કરતાં હતાં. જેથી કંટાળીને મારા પતિ ગામ મુકીને જતાં રહ્યા હતાં.

કોટેચા ચોકના કૈરવી પાનવાળા કમલેશ લાલવાણી જે અમદાવાદનો છે તેને મારા પતિએ ઘણા વર્ષો પહેલા રૂા. ૧૪ લાખ આપ્‍યા હતાં. કમલેશ આ પૈસા પાછા જ આપતો નહોતો. મારા પતિ ફોન કરે કે રૂબરૂ મળે તો સામી ધમકી આપી પૈસા નહિ મળે તેમ કહી દેતો હતો. અક્ષરવાડીના કિરણભાઇ છનીયારાને બે વર્ષ પહેલા મારા પતિએ ૮ લાખ રોકડા આપ્‍યા હતાં. તે પણ આજ સુધી પૈસા આપતો નહોતો.     તેણે મારા દિકરા સિધ્‍ધાર્થના નામે સવીફટ ગાડી લઇ દીધી હતી અને તેની લોન તેને ભરવાની હતી. પણ લોન ન ભરતાં એ લોન પણ મારા પતિને ભરવી પડી હતી. આરડીસી બેંકના મહેશ ચાવડા પાસેથી મારા પતિએ ૨૦૧૫માં અઢી ટેક ૪ લાખ લીધા હતાં. તેની સામે રૂા. ૩,૬૦,૦૦૦ ચુકવી દીધા હતાં. છતાં તે મારા પતિ અને દિકરા પાસે દૂકાનનો દસ્‍તાવેજ કરી આપવાનું કહી હેરાન કરતાં હતાં. સ્‍યુસાઇડ નોટમાં ચંદ્રેશભાઇ ચંદારાણાના નામનો ઉલ્લેખ છે, પરંતુ તેની પાસેથી લેણી રકમ અમોને મળી ગઇ છે. જેથી તેની સાને કોઇ મનદુઃખ નથી.

ઉપરોક્‍ત ફરિયાદને આધારે ડીસીપી મનોહરસિંહ જાડેજા અને પી.આઇ. વી. વી. ઓડેદરાની રાહબરીમાં પીએસઆઇ આર. જે. જાડેજા તથા રશ્‍મીનભાઇ પટેલ સહિતે તપાસ હાથ ધરી છે.

(4:04 pm IST)