Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

ઇતિહાસની અટારીએથી...

સૌરાષ્ટ્રને પેશ્વા-ગાયકવાડ 'કાઠેવાડ' કહેતા તેથી 'કાઠીયાવાડ' કહેવાયું

સૌરાષ્ટ્ર-કાઠીયાવાડ પ્રાચીન કાળથી એક સુંદર, સમૃધ્ધ, શિષ્ટ પ્રદેશ તરીકે દેશમાં સ્થાન પામેલું છેઃ પ્રાચીન પ્રદેશનો ભવ્ય અને જાજરમાન ભુતકાળ વર્ણવે છે જન જાગૃતી મંચના તખુભા રાઠોડ

જાનજાગૃતિ અભિયાન મંચના પ્રમુખ શ્રી તખુભા રાઠોડ વાંચકોને પ્રાચીન સૌરાષ્ટ્રના પ્રદેશ પરિચય આપતા જણાવે છે કે પ્રાચની કાળથી સૌરાષ્ટ્ર એક સુંદર, સમૃદ્ધ, સભ્ય અને શિષ્ટ પ્રદેશ તરીકે જાણીતો છે. આ પ્રદેશનું મહત્વ અનેક પ્રાચીન ગ્રંથોમાં સ્વીકારવામાં આવેલ છે. ભારતના અનેક પ્રદેશોમાં સૌંદર્ય છે પરંતુ સૌંદર્યની સાથે સંસ્કાર, સરસ્વતી અને સૌષ્ઠવનું સંમિલન માત્ર સૌરાષ્ટ્રમાં થયું છે. જેથી આપણો પ્રદેશ સમગ્ર દેશમાં સંત,શુરા, દાતા અને મહાપુરુષોની ભુમિ તરીકે પ્રસિદ્ધ છે. આ ભુમિ ઉપર દેશ અને દુનિયામાં અમરખ્યાતિ પ્રાપ્ત કરનાર અનેક સંતો, શુરવીરો, કવિ, લેખકો, સાહિત્યકારો, રમતવીરો, મહાપુરૂષોએ જન્મ લઇ તેમના વિચારોના કાર્યોથી આ પ્રદેશને જગપ્રસિદ્ધ કરાવેલ છે. જુનાગઢમાં આવેલ ત્રિવંશીય શિલાલેખમાં ''સોેરાષ્ટ્ર''નો ઉલ્લેખ છે ને સોલંકીકાળમાં પણ આ શબ્દ પ્રચલિત હતો. મુસ્લિમ યુગમાં સૌરાષ્ટ્રનું અપભ્રંશ નામ સોરઠ થયેલ. 'અકબરનામ આઇન-એ-અકબરી અને તવારીખે' માં એ સોરઠમાં સોરઠ નામનો ઉલ્લેખ છે.

*સૌરાષ્ટ્ર ઇતિહાસના પાને બે અન્ય નામે ઓળખાય છે. સૌરાષ્ટ્રને પેશવા અને ગાયકવાડ ''કાઠેવાડ'' (કાઠીયાવાડ) કહેલ જેથી આ આખા દ્વિપકલ્પનું નામ ''કાઠિવાડ'' પડેલ. મુસ્લિમ યુગમાં ''સોરઠ'' આઝાદી બાદ અતિ પુરાણું નામ પાછુ ''સૌરાષ્ટ્ર'' સ્વીકારવારવામાં આવેલ.

* સૌરાષ્ટ્રનો દ્રિપકલ્પ ભારતના પશ્ચિમ કાંઠે ૨૦ં-૪૦ં થી ૨૩ં-૨૫ં ઉત્તર અક્ષાંશ અને ૬૯ં-૫ થી ૭૨ં-૨૦ પુર્વ રખાંશની વચ્ચે આવેલ છે. તેનું ક્ષેત્રફળ લગભગ ૬૧ હજાર ચો.મી. છે. તેની ઉત્તર-દક્ષિણ લંબાઇ ૨૫૭ કિ.મી. અને પુર્વ-પશ્ચિમ પહોળાઇ ૩૪૬ કિ.મી. છે. તેનો સમુદ્ર કિનારો કુલ ૧૨૦૦ કિ.મી. છે.

* સૌરાષ્ટ્ર સૌંદર્ય સાથોસાથ દેશમાં સંતો, શુરાઓ, દાતાઓ અને મહાપુરૂષો, કવિઓ, લેખકોના પ્રદેશ તરીકે જાણીતો છે.

* સૌરાષ્ટ્રમાં કુલ નાની મોટી અંદાજે ૫૩ નદીઓ છે. આ તમામ નદીઓની નોંધપાત્ર બાબત એ છે કે મધ્યમાં આવેલ બે ગિરિમાળામાંથી જ નિકળે છે.

પ્રદેશ પરિચય : પ્રાચીનકાળથી સૌરાષ્ટ્ર એક સુંદર, સમૃદ્ધ અને વિશિષ્ટ પ્રદેશ તરીકે જાણીતો છે. તેનું મહત્વ અનેક પ્રાચીન ગ્રંથોમાં સ્વીકારવામાં આવ્યું છે.

જાણીતા ઇતિહાસ લેખક ડો.એસ.વી. જાનીએ આ અંગે ખુબ જ ઉંડાણપુર્વક અભ્યાસ કરી લખેલ છે કે, આ પ્રદેશનું નામ સૌરાષ્ટ્ર કેવી રીતે પડયું તે અંગે જુદા-જુદા વિદ્વાનોએ જુદા-જુદા અનુમાનો કર્યા છે. કોઇએ સુરાષ્ટ્ર-સારો દેશ) કોઇએ સુર રાષ્ટ્ર (દેવાનો દેશ) કહયો છે. અંગ્રેજ ગ્રંથકારોએ તેને સૌર રાષ્ટ્ર (સુર્યપુજક લોકોનો દેશ) કહયો છે. આપણા પ્રાચીન ગ્રંથોમાં ''સૌરાષ્ટ્ર'' અને ''સુરાષ્ટ્ર''નો ઉલ્લેખ વારંવાર જોવા મળે  છે. રામાયણના બાલકાંડ અને ક્રિષ્કિંધાકાંડમાં ક્રમશઃ ''સુરાષ્ટ્ર'' અને ''સૌરાષ્ટ્ર''ના ઉલ્લેખ છે. ગુજરાતના સૌથી પ્રાચીન ઐતિહાસીક એવા જુનાગઢમાં આવેલા ત્રિવંશીય શિલાલેખમાં પણ ''સૌરાષ્ટ્ર''નો ઉલ્લેખ છે. મુસ્લિમ સમયમાં સૌરાષ્ટ્રનું અપભ્રંશ નામ 'સોરઠ' થયું. અકબરનામા, આઇન-એ-અકબરી અને તવારીખ-એ-સોરઠમાં 'સોરઠ' નામનો ઉલ્લેખ છે. ગુજરાતના સુલતાનીની સત્તા સૌરાષ્ટ્ર ઉપર સ્થપાયા પછી સૌરાષ્ટ્રના વિભાગો પાડવામાં આવ્યા હતા. તેમાંથી હાલાર, ગોહિલવાડ, ઝાલાવાડ વિભાગો અલગ પડતા દક્ષિણ સૌરાષ્ટ્ર 'સોરઠ' ના નામે ઓળખાયો. મુસ્લિમ વિજેતાઓએ સૌરાષ્ટ્રનું પ્રાકૃત નામ 'સોરઠ' સ્વીકારી લીધું હતું. તેથી પછીથી જુનાગઢના બાબીવંશના નવાબો 'સોરઠ સરકાર' તરીકે ઓળખાતા.

કાઠિયો ૧૧મીથી ૧૪મી સદી દરમ્યાન સૌરાષ્ટ્રમાં આવ્યા હોવાના મંતવ્યો પ્રવર્તે છે તેનો સમય નક્કી કરવા માટે સંશોધન કરવું જરૂરી છે. તેઓ સિંધ માંથી કચ્છમાં થઇ સૌરાષ્ટ્રમાં આવ્યા અને સૌ પ્રથમ થાનમાં વસ્યા. પછીથી સૌરાષ્ટ્રનો એક મોટો વિસ્તાર તેમણે કબ્જે કરી લીધો હતો. પેશવા અને ગાયકવાડના લશ્કરો સૌરાષ્ટ્રમાં મુલુકગીરી ઉઘરાવવા માટે આવતાં થયા, ત્યારે તેઓને સૌ પ્રથમ કાઠીઓનો જબરદસ્ત મુકાબલો કરવો પડયો હતો. તેથી મરાઠાઓએ સૌરાષ્ટ્રના મધ્ય અને દક્ષિણ ભાગને 'કાઠેવાડ' (કાઠીવાડ) કહયો. તેના ઉપરથી સમય જતાં આખા દ્રિપકલ્પનું નામ 'કાઠિયાવાડ' પડયું. પછીથી અંગ્રેજોએ પણ સૌરાષ્ટ્રના પ્રદેશને (કાઠીવાડ) કહયો અને તે નામ ૧૯૪૭માં આઝાદી મળી ત્યાં સુધી ચાલુ રહયું હતું. આમ પ્રાચીનકાળમાં આ પ્રદેશનું નામ 'સૌરાષ્ટ્ર', મધ્ય અથવા મુસ્લિમ યુગમાં 'સોરઠ', બ્રિટીશ યુગમાં તેનું નામ 'કાઠિયાવાડ' રહયું. ૧૯૪૭માં આઝાદી પછી દેશી રાજયોનું વિલીનીકરણ થયું અને ફરીથી તેનું પુરાણપ્રસિદ્ધ પ્રાચીન નામ 'સૌરાષ્ટ્ર' સ્વીકારવામાં આવ્યું છે.

ભોૈગોલિક સ્થાન અને સીમાઓઃ

સૌરાષ્ટ્રનો ઇતિહાસ સરળતાથી સમજવા માટે તેના ભોૈગોલિક સ્થાન અને સીમાઓની માહિતી જાણવી જરૂરી છે. સૌરાષ્ટ્રનો દ્વિપકલ્પ ભારતના પશ્ચિમ કાંઠે ૨૦ં-૪૦ થી ૨૩ં-૨૫ં ઉત્તર અક્ષાંશ અને ૬૯ં-૫ થી ૭૨ં-૨૦ પુર્વ રેખાંશની વચ્ચે આવેલો છે. તેનું ક્ષ્ેત્રફળ લગભગ ૬૧ હજાર ચોરસ કિ.મી. (૨૩૫૦૦ ચો.મા.) હતું. હાલમાં તે ૬૪ હજાર ચો.કિ.મી. છે. તેની ઉત્તર-દક્ષિણ લંબાઈ ૨૫૭ કિ.મી. અને પૂર્વ પશ્ચિમ પહોળાઈ ૩૪૬ કિ.મી. છે. આમ સૌરાષ્ટ્રના ગુજરાતની તળભૂમિ સાથે જોડાયેલા પ્રદેશને બાદ કરતા તેની સીમાએ સમુદ્ર આવેલો છે. તેનો સમુદ્ર કિનારો કુલ ૧૨૦૦ કિ.મી. છે. આમ સૌરાષ્ટ્ર એક દ્વિપકલ્પનો પ્રદેશ છે, પરંતુ અતિ પ્રાચીનકાળમાં તે ચારેબાજુએ પાણી ધરાવતો ટાપુ પ્રદેશ હતો. 'પેરિપ્લિસ ઓફફ ઈરિથ્રિઅન સી' નામના ગ્રંથમાં દર્શાવાયુ છે.

(૪) પર્વતોઃ સૌરાષ્ટ્રમાં ટેકરીઓ અને પર્વતો ઘણે ઠેકાણે ફેલાયેલ છે, પરંતુ જેને પર્વતો કહી શકાય તેવી હારમાળા બે છે. આ પર્વતમાળા એકબીજાને લગભગ સમાંતર અને સૌરાષ્ટ્રના મધ્યભાગમાં આવેલી છે. તેમાંથી ઉત્તર તરફની ગિરિમાળા નૈઋત્યથી ઈશાન દિશા તરફ જાય છે અને બીજી દક્ષિણ તરફની પૂર્વથી પશ્ચિમ તરફ જાય છે. પહેલી ઉર્ફે ઉત્તર તરફની ગિરીમાળા ૨૪૦ કિ.મી. લાંબી છે અને તે પોરબંદરથી ૨૮.૮ કિ.મી. દૂર બરડાની ગિરીમાળા રૂપે ૪૯ કિ.મી.ના પરિઘમાં ફેલાયેલી છે. બીજી પર્વતમાળા ૧૬૦ કિ.મી. લાંબી છે. ઉત્તર તરફની ગિરીમાળા, આ ગિરીમાળાનો મધ્યભાગ ૩૦૫ મીટર ઉંચો છે. અહીંથી તેના બે ફાંટા પડે છે. ઉત્તર તરફનો ફાંટો માંડવ ડુંગર તરીકે અને દક્ષિણ તરફનો ફાંટો ઠાંગાનો ડુંગર તરીકે ઓળખાય છે. જે ચોટીલા પાસેથી થઈને જાય છે. ચોટીલાનો ડુંગર શંકુ આકારનો અને ૩૫૭ મીટર ઉંચો છે. તેનો ઘેરાવો ૩૨ કિ.મી.નો છે.

ગીરનાર પર્વત તરીકે ઓળખાય છે તે ઉજ્જવંત કે રેવતગિરી તરીકે જાણીતો હતો. તે સૌરાષ્ટ્રનો જ નહિ પરંતુ સંપૂર્ણ ગુજરાતનો સૌથી ઉંચો પર્વત છે. તેની ઉંચાઈ ૧૧૧૬ મીટર છે. તે ૨૪ કિ.મી. લાંબો અને ૬.૫ કિ.મી. પહોળો છે. ગિરનાર પર્વત ઉપર જૈનોના પ્રસિદ્ધ આરસના મંદિરો આવેલા છે તે ગિરનારની અંદર ઉત્તરની તળેટીમાં ભરતવન અને શેષાવન આવેલા છે. ગિરનારની ખીણમાં પ્રાચીનકાળમાં ગિરીનગરવસેલુ હતું તે હાલ તેની નજીકમાં જૂનાગઢ વસેલું છે. ગિરનારની તળેટીમાં જ ઉપરકોટનો કિલ્લો અને અશોકવન વગેરેના શિલાલેખ આવેલા છે તો ગિરનું જંગલ એશિયામાં સિંહોના એકમાત્ર નિવાસસ્થાન તરીકે જાણીતું છે.

(પ) નદીઓઃ સૌરાષ્ટ્રમાં નદીઓ અંદાજે પ૩ છે. સૌરાષ્ટ્રમાં નદીઓ ઘણી નાની નાની છે. તે વિપુલ જળભડાર ધરાવતી નથી, બારે માસ વહેલી નથી કે ઉંડી પણ નથી. સૌરાષ્ટ્રની બધી નદીઓ સૌરાષ્ટ્રની મધ્યમમાં આવેલ બે ગિરમાળામાંથી જ નીકળે છે એ નોંધપાત્ર છે કે અહીંની કોઇ નદી સૌરાષ્ટ્ર બહારના પ્રદેશમાંથી નીકળતી નથી. આ નદીઓનું વેહણ ઉતાવળુ છે. સૌરાષ્ટ્રમાં મુખ્ય નદીઓ નવ છે-ભાદર, શેત્રુંજી, મચ્છુ, આજી, ભોગાવો, સુખભાદર, કેરી, ઘેલો અને કાળુભાર. આ ઉપરાંત બીજી ૪૪ નાની નાની નદીઓ છે.

૧. ભાદર : ભાદર એ સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી છે તે નદી જસદણ પાસેના આણંદપરથી નીકળે છે અને પોરબંદરની દક્ષિણે કનવી બંદર પાસે અરબી સમુદ્રને મળે છે. તેની લંબાઇ ૧૯૩ કિ.મી. છે. નદીનું સ્ત્રાવક્ષેત્ર ૭૧પ૮ ચો.કીમી.નું છે.

ર. શેત્રુંજી : આ નદી સૌરાષ્ટ્રની બીજા નંબરની મોટી નદી છે. તેની લંબાઇ ૧૭૩ કિ.મી. છે.

૩. મચ્છુ : આ નદી ચોટીલા તાલુકાના આણંદપર ભાડલા ગામ પાસેથી નીકળી માળીયા મિયાણા પાસે કચ્છના અખાત પાસે નાના રણમાં સમાઇ જાય છે. તેની લંબાઇ ૧૧ર કિ.મી. છે. આ નદી ઉપર મોરબી અને વાંકાનેર જેવા બે મહત્વના શહેરો વસેલા છે.

૪. આજીઃ આ નદી રાજકોટ પાસેના સરધારના પર્વતમાંથી નીકળી બાલંભા ગામ પાસે કચ્છના અખાતને મળે છે. તેની લંબાઇ ૯૭ કિ.મી. છે.

પ. ભોગાવો : આ નામની બે નદીઓ છે-વઢવાણ ભોગાવો અને લીંબડી ભોગાવો. તે બંને ચોટીલાની પર્વતમાળામાંથી એકબીજાની નજીકથી નીકળી ખંભાતના અખાત પાસે આવેલા નળ સરોવરને મળે છે. વઢવાણ ભોગાવાની લંબાઇ ૧૦૦.૮ કિ.મી. અને લીંબડી ભોગાવાની લંબાઇ ૧૧ર.૬પ કી. મી. છે.

૬. સુખભાદર : આ નદી ચોટીલા પાસેના પર્વતમાંથી નીકળી ધંધુકા તાલુકાના રાણપુર પાસે થઇને ખંભાતમાં અખાતને મળે છે. તેની લંબાઇ ૧૧ર.૬પ કી.મી. છે.

૭. ઘેલો :- આ નદી ઘેલા સોમનાથ પાસેના પ્રદેશમાંથી નીકળી ખંભાતનાં અખાતને મળે છે. તેના ઉપર ઘેલો સોમનાથ, ગઢડા, અડતાળા, નવાગામ, લાખણકા, વલ્લભીપુર આવેલા છે. તેની લંબાઇ ૯૦.૧ર કિ. મી. છે.

૮. કાળુભાર : આ નદી કોટડા પીઠા પાસેના ડુંગરમાંથી નીકળી પૂર્વ તરફ વહી ખંભાતના અખાતને મળે છે. તેની લંબાઇ ૯૦.૧૬ કી.મી. છે.

૯. કેરી : આ નદી જસદણ પાસેના મોઢુકા, ગામની પૂર્વ આવેલ ટેકરીમાંથી નીકળી ખંભાતના અખાતને મળે છે. તેની લંબાઇ ૭૩ કી. મી. છે.

આબોહવાઃ કોઇપણ પ્રદેશની આબોહવાની અસર જે તે પ્રદેશમાં વસતા લોકોના ખોરાક, પોશાક, રહેઠાણ, ધંધા, વેપાર, રોજગાર, સંદેશવ્યવહાર, આવાગમન જેવી બાબતો ઉપર થતી હોય છે. તેથી આબોહવા જે તે પ્રદેશના ઇતિહાસની સામાજિક આર્થિક અને સાંસ્કૃતિક બાબતો ઉપર વ્યાપક પ્રભાવ પાડનારૃં તત્વ ગણાય છે. માટે તેનો અભ્યાસ આવશ્યક ગણાય. સૌરાષ્ટ્રની ત્રણે બાજુએ સમુદ્ર છે અને તેવું ભુપૃષ્ઠ મધ્ય ભાગમાં ઉચ્ચ ભૂમિવાળું ડુંગરાળ અને દક્ષિણમાં મેદાની છે. સૌરાષ્ટ્રની આબોહવા એકંદરે સમશીતોષ્ણ પ્રકારની છે. આમ સંપૂર્ણ સૌરાષ્ટ્રમાં આબોહવા એકંદરે નીરોગી અને આનંદદાયક હોય છે. જામનગર અને ભાવનગર જીલ્લાના પશ્ચિમ ભાગમાં તે વિશેષ ખુશનુમા હોય છે. ટૂક઼માં એમ કહી શકાય કે સૌરાષ્ટ્રનો ઉત્તર ભાગ દક્ષિણ ભાગ કરતા ગરમ હોય છે. અને આંતિરક પ્રદેશ કરતા દરિયા કાંઠાનો પ્રદેશ ઠંડો હોય છ.ે

ખાડીઓઃ સૌરાષ્ટ્રમાં ખારા પાણીની ખાડીઓ ઘણી છે. તેમાંથી પાંચ મુખ્ય છે-હંસ્થળ, ભાવનગર, સોનરાઇ, બાવળિયાની અને ઘોેલરાની હંસ્થળ ખાડી કચ્છના અખાતના મથાળે આવેલી છે. ભાવનગર પાસેના સાંકડા ભાગને ભાવનગરની ખાડી કહેવામાં આવે છે.  ત્યાંના કિનારાથી ૧૬ કી.મી.દુર ઘોલેરા બંદર સુધી પહોંચતી ઘોલેરાની ખાડી આવેલી છે. સોનરાઇની ખાડી ભાલમાં ભાવનગરથી ૧ર.૮ કી.મી. .ત્તરે છે. તેના મુખથી બંદર ઘણુ દુર છે. સોનરાઇથી ૩.ર કી.મી. ઉત્તરે બાવળિયાની ખાડી છે. તે ૧ર.૮ કી.મી. લાંબી છે. આ ઉપરાંત મહુવાની ખાડી (કતપુર પાસે), ચાંચની ખાડી (ચાંચ ટાપુ પાસે), માંડવીની ખાડી (દીવ પાસે) સોમારની ખાડી (મુળ દ્વારકા પાસે), વસ્તુની ખાડી (મિયાણી પાસ), સલાયાની ખાડી, બેડીની ખાડી (ામનગર પાસે) , જોડિયાની ખાડી તથા વવાણિયાની ખાડી છે.

બેટ અને બંદરોઃ સૌરાષ્ટ્રમાં છ મોટા બેટ (ટાપુ) આવેલા છે. તે છે પીરમ (ખંભાતના અખાતમાં ઘોઘા પાસે), ચાં, (મહુવા પાસે), શિખાળ (ચાંપ પાસે), દીવ (અરબી સમુદ્રમાં દક્ષિણે), બેટ (ઓખા પાસે) અને આંખા (કચ્છના અખાતમાં),સૌરાષ્ટ્રનો ઉત્તર તરફનો દરિયા કિનારો કચ્છના અખાતના મથાળાથી મુખ સુધીનો રપ૬ કી.મી. છે.તેના ઉપર નવલખી, જોડિયા, બેડી, સિકકા, સલાયા, પીંડારા, બેઠ, ઓખા, આરંભડા વગેર ેબંદરો આવેલા છે જોડિયા અને પછીથી  બેડી સૌરાષ્ટરના બંદરી વેપારના મુખ્ય મથક હતા સલાયા બંદર જુના સમયમાં વહાણવટા માટે જાણીતું હતું. ઓખા પાસેનો શંખોદ્વાર બેઠ સામાન્ય રીતે 'બેટ' તરીકે ઓળખાય છે. દ્વારકાથી દીવ સુધીની અરબી સમુદ્રની લંબાઇ રપ૬ કી.મી.છે. દીવથી ગોપનાથ સુધીનો દરિયાકિનારો ૧ર૮ કી.મી.લાંબો છે. આ કિનારા ઉપર નવાબંદર, જાફરાબાદ અને મહુવાના બંદરો નોંધપાત્ર છે. ગોપનાથની ભુશિરથી ખંભાતનો અખાત શરૂ થાય છે. તેની લંબાઇ ૧૧ર કી.મી. છે. આ અખાતમાં શેત્રુંજી, કાળુભાર, ઉતાવળી, સુખભાદર, ભોગાવો વગેરે નદીઓ મળે છે. આ દરિયાકાંઠા ઉપર તળાજા, ઘોઘા, ભાવનગર, ઘોેલેરો વગેરે મુખ્ય બંદરો છે.

ખનિજોઃ સૌરાષ્ટ્ર ખનિજ સંપતિમાં પથ્થરોની ખા બાબતમાં સૌથી સમૃદ્ર છે. સૌરાષ્ટ્રના ઇશાન ભાગમાં લેટેરાઇટ પ્રકારના અને સુરેન્દ્રનગર જિલ્લામાં તે ઉપરાંત સફેદ -રેતી-પથ્થર અને ચૂના-પથ્થર મળે છ ે. દક્ષિણમાં ચૂના-પથ્થર મળે છે. આ પથ્થર મકાન બાંધકામમાં વપરાય છે. પશ્ચિમ સૌરાષ્ટ્રની 'પોરબંદર પથ્થર' બાંધકામ માટે સર્વોત્તમ ગણાય છે. પોરબંદર તેના રાણા (રાજવી), પાણા (પથ્થર) અને ભાણા (ઘીના  જથ્થાબંધ પ્રસિધ્ધ વેપારી ભાણજી લવજીની પેઢી) માટે પ્રસિદ્ધ છે.

પશુ-પક્ષીઃ સૌરાષ્ટ્રમાં વિવિધ પ્રકારના પશુઓ અને પક્ષીઓ છે. પાળેલા પશુઓમાં મુખ્યત્વ ગાય, ભેંસ, બળદ, ઘોડા, કુતરાં, બકરા, ઘેટા, ઉંટ અને ગધેડાનો સમાવેશ થાય છે. સૌરાષ્ટ્રમાં ચાર પ્રકારની ગાયો છે. દેશાળ, તળ સૌરાષ્ટ્રની , વઢિઆરી અને માળવી, (માળવાની) દેશાણ ગાય ઘણું દુધ આપે છે. વઢિઆરી ઝાઝી દુઝતી નથી, પરંતુ બહુ દેખાવડી છે. માળવી ગાય હલકા પ્રકારની ગણાય છે. ગિરની ગાય ખૂબ મશહુર છે. ગાયનું દુધ ભંસના દુધ કરતા ઓછા ફેટનું  અને પચવામાં સરળ હોય છે. ભેંસ પણ ચાર જાતની  થાય છે.-દેશાળ, તળ સૌરાષ્ટ્રની, સિંધાણ (સિંઘની) અને ગજર (ગુજરાતની) તેમાં ગિર કે બરડાની ભેંસ ઉતમ ગણાય છે.તે એકટંકે ૧પ લીટર જેટલું દુધ આપે છે. જાફરાબાદી ભેંસ એ તેની વધુ દુધ આપવાની ક્ષમતા અને આકાર માટે પ્રસિધ્ધ છે. કઠિયાવડી ઘોડામાં અરબી ઘોડાનો અંશ હોવાનું  મનાય છે.પાંચાળ પ્રદેશમાં ઉત્તમ પ્રકારના અશ્વોનો ઉછેર થતો હતો અને થાય છે. કાઠી ઘોડીની કેટલીક જાતોના નામ આ પ્રમાણે છે-માણકી, ચમરઢાળ, માલ, ચાગી, વાગલી, હરણ, તાજણ, રેડી, ભુતડી,જબાલ, કેસર, મોરણ, બેરી, બાદલી, ફુલમાળ, રેશમ, વાંદરી, લાખી, લાશ, ઢેલ, હિરાળ, રામપાશ, લાલ, મણિ, પર, લખમી વગેરે, ભાવગનર, જુનાગઢ, જામનગર, પાલિતાણા, ગોંડલ, રાજકોટ જેવા રાજયોએ અશ્વ ઉછેર કેન્દ્ર ખોલ્યા હતા અને સારી અશ્વશાળા પણ રાખતા હતા.

જંગલમાં પશુઓમાં સિંહ, દીપડો, ચિત્તો, જરખ, નાળ, શિયાળ, લોંકડી, ઘોરખોદિયો, કીડીખાઉ, જંગલી બિલાડી, નોળીયા, ભૂંડ, વાંદરા, સસલાં, શાહૂડી સાબર, ચિતલ, નીલગાય, કાળીયાર, છીંંકરા, ખરગધ, સાપ છે. ગીર એ એશિયાઇ સિંહોનું એકમાત્ર રહેઠાણ છે. સિંહોનું અભયારણ્ય બનાવાયું છે. મોટામાં મોટો પુખ્ત સિંહ તેની લંબાઇમાં ર૯૦ સે.મી. હોય છે. સિંહણ લંબાઇમાં તેના કરતા રપ સે.મી. હોય છે. ઓછી હોય છે. સૌરાષ્ટ્રમાં અગાઉ દીપડા પણ હતાં. તેની બે જાત હોય છે. કુત્તા દીપડો (નાનો) અને સિંહ દીપડો (મોટો). જંગલી પ્રાણીઓમાં તે ખૂબ સાહસી પ્રાણી ગણાય છે. જખમી થાય તો તે ભયંકર બને છે. શિકાર પકડવામાં તે નીડર હોય છે. ચિત્તો સૌરાષ્ટ્રમાં હવે લુપ્તપ્રાય થઇ ગયા છે.

સૌરાષ્ટ્રમાં બે પ્રકારના પક્ષીઓ છે સ્થાનીક (કાયમી અને રહેવાસી) અને યાયાવર (સ્થળાંતર કરીને આવેલા). મોટાભાગના સ્થળાંતર પક્ષીઓ ઉચ્ચતર અક્ષાંશ વસાહતોની ઠંડીને ટાળવા અહી આવે છે. મુળ વતનમાં ઠંડી ઓછી થતાં પૂર્વસ્થાને તે ચાલ્યા જાય છે. સૌરાષ્ટ્રના સ્થાનીક અને કાયમી રહેવાસી પક્ષીઓ આ પ્રમાણે ગણાવી શકાય. ચકલી, કાગડો, કાબર, કોયલ, કબૂતર, હોલો, મોર, ઢેલ, મેના, પોપટ, કૂકડો, બગલો, તેતર, જળકાગડો, સુરખાબ, સારસ, ભગતડો, ટીટોડી, બુલબુલ, સૂડો, નીલકંઠ વગેરે. ભારત સરકારે મોરને રાષ્ટ્રીય પક્ષી જાહેર કરી તેના શિકાર ઉપર પ્રતિબંધ મૂકયો છે. સ્થળાંતર કરીને જે પક્ષીઓ સૌરાષ્ટ્રમાં આવે છે તેમાંથી મુખ્ય - પેલિકન, નાનો જમાદાર, વામનદેહી સુરબ, ચક્રવાક, કરકશ, લાંબી ડોક, પગ અને ચાંચ ધરાવતાં કુજ, સંતાકૂકડી, જલ મરઘી, ઘોમડો વગેરે છે. સ્થળાંતર કરનાર પક્ષીઓની ઊડીને પ્રવાસ કરવાની ગજબની હોય છે. કેટલાંક તો છેક રશિયાના સાઇબિરીયા પ્રદેશમાંથી આવે છે. તે મોટે  ભાગે  શિયાળામાં સ્થળાંતર કરે છે.

કૃષિ, વેપાર અને ઉદ્યોગ

સૌરાષ્ટ્રના મુખ્ય કૃષિ પાકો છે - બાજરી, જૂવાર, ઘઉં, જવ, ડાંગર, મકાઇ, ચણા, મગ, અડદ, વાલ,  ચોળા, તલ, એરંડી, મગફળી, રાઇ, કપાસ વગેરે. સૌરાષ્ટ્રમાં ધાન્ય પાકોનું વાવેતર ૭૪ ટકા ક્ષેત્રફળમાં કરવામાં આવે છે. બાકીની ર૬ ટકા જમીનમાં તેલીબીયા કપાસ અને શેરડીનું વાવેતર થાય છે.

ભાષા, ધર્મ અને શિક્ષણ

સૌરાષ્ટ્રની મોટાભાગની વસતી સામાન્યતઃ ગુજરાતી ભાષા બોલે છે. કચ્છના અખાતને અડીને આવેલા વિસ્તારમાં કચ્છી કે સિંધી ભાષા બોલાય છે. ઓગણીસમી સદીના પ્રારંભે રાજકાર્યમાં ફારસી ભાષાનો ઉપયોગ થતો હતો. ૧૮ર૦ માં રાજકોટમાં બ્રીટીશ એજન્સીની સ્થાપના પછી અંગ્રેજી  ભાષા ભણેલા અને બોલનારાની જરૂરીયાત ઉભી થતાં અમુક લોકો બ્રિટીશ સરકારમાં અને પછીથી રાજયોમાં હોદા મેળવવા અંગ્રેજી ભાષામાં શિક્ષણ લેતા થાય. રાજવીઓ પણ રાજકોટની રાજકુમાર કોલેજમાં તથા ઇંગ્લેન્ડની શિક્ષણ સંસ્થાઓમાં અંગ્રેજી ભાષામાં શિક્ષણ લેવા લાગ્યા હતાં.

સૌરાષ્ટ્રમાં મોટાભાગની વસ્તી હિંદુ ધર્મ પાળે છે. હિંદુ ધર્મમાં શૈવ સંપ્રદાય, વૈષ્ણવ સંપ્રદાય, સ્વામિનારાયણ સંપ્રદાય પાળનારાઓની સંખ્યા વિશેષ હતી. મુસલમાનો ઇસ્લામ ધર્મ પાળતા હતા. જૈન ધર્મ પાલન કરનારા હતા. અંગ્રેજ અમલદારો, સૈનિકો કે કારકુનો ખ્રિસ્તી ધર્મ પાળતા હતા. ૧૮૭૫માં સ્વામી દયાનંદ સરસ્વતી, રાજકોટમાં આવી ગયા પછી નહી આર્યસમાજની સ્થાપના થઇ હતી. આમ સૌરાષ્ટ્રમાં હિંદુ,ઇસ્લામ,જૈન,હાલના નવા બૌદ્ધ,જરથુસ્ત ઇસાઇ ધર્મ પાળનારા લોકો વસે છે.

સૌરાષ્ટ્રમાં શિક્ષણનો વિકાસ ઓગણીસમી સદીથી થયો હતો. સૌપ્રથમ ગુજરાતી શાળા રાજકોટમાં ૧૮૩૭માં સ્થપાઇ હતી. પછીથી સૌરાષ્ટ્રમાં આધુનિક શિક્ષણપ્રથાનો પાયો સૌરાષ્ટ્રના પોલિટિકલ એજન્ટ કર્નલ માલેટે ૧૮૪૬માં નાખ્યો હતો. તો ૧૮૫૫માં પોતાના ખર્ચે રાજકોટમાં ગર્લ્સ સ્કૂલ ખોલી કર્નલ લેંગે સૌરાષ્ટ્રમાં કન્યા કેળવણીનો પાયો નાખ્યો હતો. ૧૯ મી સદીના અંતે સૌરાષ્ટ્રમાં બધા પ્રકારની મળીને કુલ ૯૦૦ શાળાઓ હતી. ૧૮૬૭ માં રાજકોટમાં પુરૂષો માટે હંટર ટ્રેનિંગ કોલેજ, ૧૮૭૦માં રાજકુમારોના શિક્ષણ માટે રાજકુમાર   કોલેજ અને ૧૮૮૫માં સ્ત્રીઓ માટે બાર્ટન ટ્રેનિંગ કોલેજ સ્થપાતા સૌરાષ્ટ્રના શિક્ષણના વિકાસને વેગ મળ્યો. ૧૮૮૫માં જ સૌરાષ્ટ્રમાં ભાવનગરમાં શામળદાસ કોલેજ શરૂ કરાઇ હતી. પછીથી ૧૮૯૭ માં જૂનાગઢમાં બહાઉદ્દીન કોલેજ અને ૧૯૩૭માં રાજકોટમાં ધર્મેન્દ્રસિંહજી કોલેજ સ્થપાઇ હતી. સૌરાષ્ટ્રમાં ઉચ્ચ શિક્ષણનો વિકાસ કરી તેને વેગ આપવામાં આ ત્રણે કોલેજોનું યોગદાન પ્રશંસનીય રહ્યું છે. આ તમામ વિગતો ડો.એસ.વી.જાનીસાહેબના સહયોગથી આલેખેલ છે.

ભૌગોલિક પરિસ્થિતિની માનવજીવન ઉપર અસરઃ આમ અહીના ભૌગોલિક લક્ષણોએ સૌરાષ્ટ્રની પ્રજામાં સાહસિકતા વિકસાવી છે. અહીંનો ખેડૂત ખૂબ જ પરિશ્રમી અને મજૂર ખડતલ છે. વેપાર વાણિજયના વિકાસને કારણે પ્રજામાં દાનની ભાવના પણ ખીલી. સમૃદ્ધિ આવતા સાહિત્ય, કલા અને હુન્નરની પણ અભિવૃદ્ધિ થઇ. સૌરાષ્ટ્રમાં અનેક નાના મોટા રજવાડાઓની લડાયક વૃતિને કારણે મૃત્સદ્દીગીરી અને કાવાદાવાની વૃતિ પણ ખીલી હતી. ભૌગોલિક પરિબળો પ્રજાના સાંસ્કૃતિક વિકાસમાં પણ નિર્ણાયક તત્વ તરીકેની ભૂમિકા ભજવતાં હોય છે.

સંકલન :-

તખ્તસિંહ (તખુભા) રાઠોડ

મો. ૯૮ર૪ર ૧૬૧૩૦

(3:55 pm IST)