Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

'લાઈફ'ના તેજસ્વી વરદાયી શ્રીગણેશ

રેસકોર્ષ રીંગ રોડ ઉપર જમણી બાજુ સૂંઢ ધરાવતી અલૌકિક પ્રતિમા : ૨૪*૭ ગુંજતી ગણપતિની સ્તુતિ : રસ્તેથી પસાર થતા હજારો લોકો માટે આસ્થાનું કેન્દ્ર

રાજકોટ : શહેરના રેસકોર્ષ રીંગ રોડ પરથી જેઓ પસાર થાય છે તે સૌ ભગવાન ગણેશની પૂર્ણ કદની, ભુરાશ પડતા કાળા વર્ણની, નૃત્યમુદ્રામાં સ્થિત અખંડ મૂર્તિ, જે પ્રોજેકટ 'લાઈફ'ના મુખ્ય કાર્યાલયના પ્રાંગણમાં સ્થિત છે.

ભગવાન ગણેશની આ પ્રતિમાના કેટલાક રસપ્રદ પાસા

૪૫,૦૦૦ સ્કવેર ફૂટનો કાર્યવિસ્તાર ધરાવતા અને સાત માળના વિસ્તરેલા 'લાઈફ'ના ભવનને કમ્પાઉન્ડ વોલ નથી, છતાં એ સર્વાંગસંપૂર્ણ લાગે છે. દરવાજાને બદલે અહિં નૃત્યમુદ્રા - સ્થિત ભગવાન ગણેશની પૂર્ણ કદની પ્રતિમાના જે કોઈ ભાવથી દર્શન કરે છે તેને સુભાશિષ આપે છે. ગણેશજીની પ્રતિમાના પ્રભાવલયનું મહાત્મ્ય અને તેમાંથી પ્રગટતા સ્પંદનોનું શબ્દોમાં વર્ણન કરવુ઼ અશકય છે, પરંતુ તેની જાતે જ અનુભૂતિ કરવી પડે.

પ્રોજેકટ ''લાઈફ''ના એકિઝકયુટીવ ટ્રસ્ટી શ્રી ચંદ્રકાંત કોટીચા ''લાઈફ''ના ભવનને દરવાજા નથી તે અંગે જણાવે છે કે પ્રોજેકટ ''લાઈફ'' સંસ્થા ૪૦ વર્ષની યુવાવસ્થામાં છે. તે એક બિનસરકારી સેવાસંસ્થા છે, જયાં જીવનના તમામ ક્ષેત્રોના લોકો આ સંસ્થાની માનવતાલક્ષી પ્રવૃતિઓને વધુ ને વધુ પ્રબળ બનાવવા માટે અમારી સાથે હાથ મિલાવે છે. હું અંગત રીતે માનુ છું કે શ્રી ગણેશજીની પ્રતિમાની ઉપસ્થિતિ વિના ''લાઈફ'' જાણે કે નિર્જીવ બની રહે. જેઓ રોગ સામે ઝઝુમતા હોય તેમને માટે અમે લોહી આપીએ છીએ. અમારી એકમાત્ર મહેચ્છા એ છે કે અમે અલ્પસાધન લોકોના આંસુ લૂંછવામાં સહભાગી થઈએ અને પ્રોજેકટ ''લાઈફ'' સંસ્થાના દ્વાર કોઈ જૂથ, ધર્મ, સંપ્રદાય કે જાતિ માટે કદી બંધ ન થાય. સંસ્થાના ભવનને દિવાલો નથી તેનાથી પરમ તત્વની અનહદ - અસીમ કૃપાનો નિર્દેશ થાય છે. આ ''સેવાના મંદિર''માં સૌનું ખુલ્લા હૃદય, મન અને આત્માથી સ્વાગત છે. હું દૃઢપણે માનુ છું કે આપણે સૌ સાથે મળીને જરૂર પરિવર્તન લાવીશું.

આ પ્રતિમાની પરિકલ્પના નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાઈન : અમદાવાદના પૂર્વ - ડિરેકટર પ્રો. આઈ. એસ.માથુરે કરી હતી. આ પ્રતિમાનું નિર્માણ જે. જે. સ્કુલ ઓફ આર્ટ : મુંબઈના ડીરેકટર શ્રી નિલકંઠ ખાનવિલકરની સક્ષમ ટીમે કર્યુ હતું. આ અદ્દભૂત પ્રતિમા સાકાર થઈ તે પહેલા તેને માટેના સ્તોત્રરૂપ ગણેશના અનુરૂપ ચિત્રની શોધ માટે સઘન પ્રયત્નો કરવામાં આવ્યા હતા. ગણેશજીનું ચિત્ર પ્રો. માથુરને સિંગદાણા વેચતા ફેરીયાએ આપેલ પસ્તીના ટુકડામાંથી મળ્યુ હતું.

આ પ્રતિમાનું નિર્માણકાર્ય પૂર્ણ થયુ ત્યારે આ પ્રતિમાનો '૯' અંક સાથે અનુબંધ હોય તેમ ચમત્કારક રીતે જોવા મળ્યુ છે.

એમ કહેવાય છે કે અંક '૯' સંપૂર્ણપણે પૂર્ણાંક છે અને તેનું પુષ્કળ ધાર્મિક અને અંકશાસ્ત્રીય મહત્વ છે. દાખલા તરીકે કમળના ફુલ પર ઉભેલી નૃત્યની મુદ્રા ધરાવતી ગણેશજીની પ્રતિમાની ઉંચાઈ ૭ ફીટ, ૬ ઈંચ છે (૯૦ ઈંચ), જેનું વજન ૨૭૦ કિ.ગ્રા છે. (૨+૭=૯). આ પ્રતિમાનું નિર્માણ ત્રણ કલાકારોએ ૨૧૬ દિવસમાં પૂર્ણ કર્યુ હતું (૨+૧+૬=૯) અને તેમ કરતા ૭૬૫ (૭+૬+૫=૧૮.૧+=૯) માનવ - કલાક લાગ્યા હતા. આ ત્રણ કલાકારોના સહાયક તરીકે બીજા ૬ કલાકારો હતા (૩+૬=૯), જેમને આ પ્રતિમાનું નિર્માણકાર્ય પૂરૂ કરતા કુલ ૧૦૮૦ (૧+૮=૯) માનવ - કલાકો લાગ્યા હતા. આવી ગણેશજીની આ મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા ડિસેમ્બર ૪, ૨૦૦૧ના શુભદિને થઈ હતી (૧૨-૪-૨૦૦૧=૧+૨+૪+૨=૯) અને તેના અંકનો સરવાળો થાય છે.

અહિં એ યાદ કરીએ કે પ્રોજેકટ ''લાઈફ''નો પ્રાર્દુભાવ ઈ.સ.૧૯૭૮માં મુખ્યત્વે અલ્પસાધન અને નિઃસહાય લોકોને આધાર આપી તેમનું જીવન સમૃદ્ધ કરવાના પ્રયાસરૂપે થયો હતો, જે આજ લાઈફ બ્લડ સેન્ટરના માધ્યમથી રકતદાન - પ્રવૃતિ, લાઈફ ગ્રીનફિલ્ડ સેન્ટર દ્વારા પર્યાવરણસુરક્ષા, થેલેસેમીયાનું નિવારણ અને નિયંત્રણ, શિક્ષણનો ઉત્કર્ષ, આરોગ્ય અને સુખાકારી યોગ, મહિલા સશકિતકરણ અને બિનનિવાસી ગુજરાતીઓને વતન સાથે જોડતી પ્રવૃતિ કરતુ કેન્દ્ર વગેરેનો સમાવેશ થાય છે.

સ્થળ : લાઈફ, રેસકોર્ષ રીંગ રોડ, રાજકોટ.

(3:39 pm IST)