Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

બિનખેતીની જમીન કરાવવાના કેસમાં સૌથી મોટા દંડનો દાવો : વડોદરામાં જમીન NA માટે બિલ્‍ડરને રૂા. ૧.૯૧ કરોડનો દંડ

રાજકોટ તા. ૧૭ : વડોદરાના કપુરાઇ વિસ્‍તારમાં મઘુવન કો.ઓ.હા.સો.ના બાંધકામ મુદ્દે એનએના નિયમોનો ભંગ કરવા અંગે બિલ્‍ડર જયંતિ પંચાલને જિલ્લા કલેક્‍ટરે રૂા.૧.૯૧ કરોડનો દંડ ફટકાર્યો છે. એનએ માટે આટલી મોટી રકમનો દંડ ફટકારાયો હોય તેવી આ પ્રથમ ઘટના વડોદરામાં હોવાનું મહેસુલખાતા સાથે સંકળાયેલા કર્મચારીઓનું કહેવું છે.

ઉલ્લેખનીય છે કે બિલ્‍ડર જયંતિ દલસુખભાઇ પંચાલ દ્વારા ૬૨૦૬૮ ચો.મી. કપુરાઇની બ્‍લોક નંબર ૧૬૨ વાળી જમીન બિનખેતીના રહેણાંક હેતુᅠ માટે તબદીલ કરવા બે વર્ષ પહેલા કલેક્‍ટર કચેરીમાં અરજી કરવામાં આવી હતી. આ અરજી બાદ વિવિધ વિભાગોના અભિપ્રાયો મંગાવાતા એવી વિગત બહાર આવી હતી કે ૧૯૬૫માં બાંધકામ કરવાની પૂર્વ તૈયારીરુપે બાંધકામને લગતો સામાન નાંખી એનએનો ખુલ્લો ઉપયોગ કરવાની મંજૂરી જમીનના ખાતેદાર મુરલીધર મોટવાણીના નામે આપી હતી.

તા.૨૮ સપ્‍ટેમ્‍બર ૧૯૭૩ના હુકમથી મઘુવન કો.ઓ.હા.સો.ને બિનખેતીના ઘરો બાંધવાનો ઉપયોગ કરવા ગણોતધારા કલમ-૬૩ હેઠળ સોસાયટીને થયેલ વેચાણ નિયમબધ્‍ધ કરાયા હતાં. જો કે ત્‍યારબાદ પણ આ હુકમોમાં સરકારનું હીત સમાયેલું હોવાનુ જણાતા જિલ્લા કલેક્‍ટર દ્વારા બિલ્‍ડર જયંતિ પંચાલને રૂા.૧.૯૧ કરોડનો દંડ જમા કરવાનો હુકમ કર્યો હતો મહત્‍વની બાબત એ છે કે બિલ્‍ડર દ્વારા આ દંડની રકમ સરકારી તિજોરીમાં ભરપાઇ કરી હતી અને બાદમાં તેનું ચલણ રજૂ કરી એનએનો ઓર્ડર પણ મેળવી લીધો છે

(12:49 pm IST)