Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

બેંકોમાં વયસ્ક લોકો માટે બચતના વ્યાજ દર વધારોઃ ગ્રાહક સુરક્ષા મંડળ

રાજકોટ તા. ૧૭: રાજકોટ જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનાં ઉપક્રમે આ શનિવારે ભારત સેવક સમાજ રેસકોર્ષ રાજકોટ ખાતે મળેલ સિનિયર સીટીજન્સની એક બેઠકમાં કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેન્કને અનુરોધ કરી વયસ્ક લોકો અને સામાન્ય જનતા જે વ્યાજની આવકમાંતથી ઘર ચલાવતા હોય છે તે પોતાનો જીવન નિર્વાહ સહેલાઇથી થઇ શકે તે માટે થઇને રાષ્ટ્રીયકૃત બેન્કો અને સરકારી બેન્કોમાં મુકેલ થાપણોનાં વ્યાજનાં દર વધારવા અને હાલ તે ૧૦% લઇ જવા પોતાનો નિર્ણાયક અવાજ વ્યકત કરેલ.

મંડળનાં પ્રમુખ યશવંતભાઇ જનાણીનાં પ્રમુખ સ્થાને અને મંડળની સલાહકાર સમિતિનાં ચેરમેન મહેશભાઇ મહેતાની ઉપસ્થ્િતિમાં મળેલ આ બેઠકમાં આ પ્રશ્ન માટે જીલ્લા કલેકટરશ્રી રાજકોટ મારફત કેન્દ્રીય નાણામંત્રી અને રિઝર્વ બેંકનાં ગવર્નરને એક આવેદન પત્ર મોકલવાનો નિર્ણય લેવામાં આવેલ.

મંડળનાં મુખ્ય સંયોજક હિંમતભાઇ લાબડિયાએ સૌનું સ્વાગત કરી જણાવેલ કે વ્યાજની આવક ઉપર જીવતા વયસ્ક લોકોનો આ પ્રશ્ન અમે ધ્યાન ઉપર લીધો છે઼. જેઓ બેંકમાં થાપણ મુકે છે તેઓ ગ્રાહક તરીકે ગ્રાહક મંડળોને ફરીયાદ કરવા હકકદાર છે. આ વાત દિલ્હી અને ગાંધીનગર સુધી પહોંચાડશું અને આખા ગુજરાતમાં વયસ્કોનો નિર્ણાયક અવાજ બને તે માટે પ્રયત્ન કરીશું. બેઠકનું સંચાલન મંડળનાં મંત્રી રસિકભાઇ સોલંકીએ અને વ્યવસ્થાપન ધર્મેન્દ્રભાઇ ગઢવીએ સંભાળેલ. આ બેઠકમાં ભારત સેવક સમાજનાં મંત્રી જનાર્દનભાઇ પંડયા ખાસ ઉપસ્થિત રહેલ.

(5:05 pm IST)