Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

ભોમેશ્વરના દિપેન અગ્રાવતનું પડધરીમાં મોબાઇલ શોપમાં બેભાન થઇ જતાં મોત

મુળ ધ્રાંગધ્રાના વતની યુવાન કંપનીના કામે ગયા'તાઃ પરિવારમાં શોક : મોબાઇલ કંપનીમાં સ્ટોર મેનેજર તરીકે નોકરી કરતાં હતાં

રાજકોટ તા. ૧૭: જિંદગીની સફરનો અંત કયારે અને કેવી રીતે આવી જાય તેની ખબર પડતી નથી. રાજકોટથી પડધરી કંપનીના કામે ગયેલા યુવાન મોબાઇલની દૂકાનમાં એકાએક બેભાન થઇ જતાં મૃત્યુ નિપજ્યું હતું.
જાણવા મળ્યા મુજબ મુળ ધ્રાંગધ્રાનો વતની અને હાલ ભોમેશ્વરમાં હનુમાનજીના મંદિર પાસે રહેતો દિપેનભાઇ રતિલાલ અગ્રાવત (ઉ.વ.૩૩) ગઇકાલે પડધરીના મોવૈયા સર્કલ પાસે આવેલી ઓમ મોબાઇલ શોપ નામની દૂકાનમાં હતો ત્યારે એકાએક છાતીમાં દુઃખવા માંડતા બેભાન થઇ જતાં ત્યાંની હોસ્પિટલમાં અને ત્યાંથી રાજકોટ સિવિલમાં ખસેડાયેલ. પરંતુ અહિ મૃત્યુ નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
હોસ્પિટલ ચોકીના સ્ટાફે પડધરી પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર દિપેનભાઇ જીયો મોબાઇલ કંપનીમાં સ્ટોર મેનેજર તરીકે નોકરી કરતો હોઇ કંપનીના કામે પડધરી ગયેલ. ત્યાં ત્રણ ચાર દુકાનમાં કામ પતાવ્યા બાદ ઓમ મોબાઇલમાં પહોંચ્યા બાદ છાતીમાં દુઃખાવો શરૂ થયો હતો. તેના મૃત્યુથી માસુમ પુત્રીએ પિતાનું છત્ર ગુમાવતાં ગમગીની છવાઇ ગઇ છે. દિપેનભાઇ બે ભાઇ અને બે બહેનમાં ત્રીજો હતો. પોલીસે વિશેષ તપાસ યથાવત રાખી છે.

 

(11:49 am IST)