Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

રૈયા સ્માર્ટ સીટીના અટલ સરોવર સહિત ત્રણેય તળાવો છલોછલ : નહાવા પર પ્રતિબંધ

અનિચ્છનીય બનાવ ન બને તે માટે તળાવોમાં નહાવા નહીં જવાની ચેતવણી આપતા હોર્ડીંગ બોર્ડ લગાવવા મેયર બીનાબેન આચાર્યની સુચના

રાજકોટ, તા. ૧૭ : શહેરમાં આધુનિક ટેકનોલોજી સાથે કદમ મિલાવતું રૈયા સ્માર્ટ સીટી ડેવલપ થઇ રહ્યું છે. આ સ્માર્ટ સીટીમાં કુદરતી ત્રણ તળાવો આવેલા છે જે ત્રણે'ય તળાવો મેઘકૃપાથી છલોછલ થઇ ગયા હોઇ કુદરતી સૌંદર્ય ખીલી ઉઠયું છે. ત્યારે તેનાથી આકર્ષીત થઇ અને લોકો તળાવમાં નહાવા પડે તે સ્વાભાવિક છે, પરંતુ આ જીવનુ જોખમ હોઇ આ ત્રણે'ય તળાવોમાં નહાવા ઉપર પ્રતિબંધ ફરમાવતા હોર્ડીંગ્સ બોર્ડ મૂકવા મેયર બીનાબેન આચાર્યએ અધિકારીઓને સુચનાઓ આપી હતી.

આ અંગે મેયર બીનાબેન આચાર્યની યાદીમાં જણાવાયું છે કે 'રૈયા સ્માર્ટ સીટીમાં નવનિર્મિત અટલ સરોવરમાં મેઘકૃપાથી ૧૬ ફુટ પાણી ભરાઇ ગયું છે જે ૪૦ એમ.એલ.ડી. જેટલો છે. તેવી જ રીતે પરશુરામ મંદિર પાસેના બે કુદરતી તળાવો પણ ૧૭ ફુટે છલોછલ થઇ ગયા છે. જેમાં ૩૦ એમ.એલ.ડી. જેટલો જળજથ્થો સંગ્રહીત  થયો છે.'

આમ ઉપરોકત ત્રણેય તળાવો ઉંડા છે અને પાણીથી છલોછલ છે ત્યારે તેમાં નહાવા જવું તે જોખમકારક છે માટે આ ત્રણેય તળાવોના કાંઠે નહાવા ઉપર પ્રતિબંધ ફરમાવતી ચેતવણીના હોર્ડીંગ્સ બોર્ડ મૂકવા સીટી ઇજનેર ભાવેશ જોષીને સુચનાઓ આપી દેવાય છે જેથી આગામી જન્માષ્ટમીના તહેવારો દરમિયાન આ તળાવોનું કુદરતી સૌંદર્ય માણવા જનારા મુલાકાતીઓ સુરક્ષિત રહે અને કોઇ અનિચ્છનીય બનાવ બને નહીં.

(3:48 pm IST)