Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

બે બહેનો વચ્ચે ઝઘડો થયો, સેજલે ફાંસો ખાઇ જીવ દીધો...કાજલે બાલ્કનીમાંથી ઠેકડો માર્યો

મોટી બહેન કાજલનું મોતઃ નાની બહેનનો ઇજા સાથે બચાવઃ રેલનગર પાસેના સંતોષીનગર અવધ રેસિડેન્સીની ઘટનાઃ વાલ્મિકી પરિવારમાં શોક

રાજકોટ તા. ૧૭: શહેરના રેલનગર પાસેના સંતોષીનગરમાં અવધ રેસિડેન્સીમાં વાલ્મિકી પરિવારની બે બહેનો વચ્ચે ઘરકામ સહિતની નાની-નાની વાતે ઝઘડો-ચડભડ થતાં મોટી બહેનને માઠુ લાગી જતાં તેણે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં નાની બહેને પહેલા માળની બાલ્કનીમાંથી પડતું મુકી દીધું હતું. જો કે તેનો ઇજા સાથે બચાવ થયો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ સંતોષીનગર અવધ રેસિડેન્સી શેરી નં. ૪ બ્લોક નં. ૧૩૧માં રહેતી સેજલ હકાભાઇ નૈયા (ઉ.૨૯) નામની વાલ્મિકી યુવતિએ સાંજે ઘરમાં પંખાના પાઇપમાં દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ લેતાં નાની બહેન કાજલ (ઉ.૨૨) જોઇ જતાં તેણીએ બાલ્કનીમાંથી છલાંગ મારી દેતાં ઇજા થઇ હતી. બનાવની જાણ લક્ષમણભાઇ કેશુભાઇ ઝાલાએ ૧૦૮ને કરતાં ઇએમટી અલ્પાબેન ઝાલાએ પહોંચી તપાસ કરતાં સેજલનું મૃત્યુ થયાનું જણાતાં પોલીસને જાણ કરતાં કન્ટ્રોલ ઇન્ચાર્જ નિરંજનભાઇ જાનીએ પ્ર.નગરમાં જાણ કરી હતી. એએસઆઇ હરેશભાઇ રત્નોતર અને રામજીભાઇ પટેલે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.

પોલીસ તપાસમાં મૃતકના સ્વજનોએ જણાવ્યું હતું કે તેણી બે બહેન અને બે ભાઇમાં મોટી અને અપરિણીત હતી. તેના પિતા રેલ કર્મચારી હતાં. જે હાલ હયાત નથી. ભાઇ રેલ્વેમાં નોકરી કરે છે. સેજલને નાની બહેન કાજલ સાથે ઘરકામ બાબતે ઝઘડો થતાં સેજલને માઠુ લાગી ગયું હતું અને તેણે 'હું જાવ છું ફાંસો ખાવા...' તેમ કહ્યા બાદ રૂમમાં જઇ પગલુ ભરી લીધું હતું. કાજલને પહેલા તો મજાક લાગી હતી. પણ તેણે થોડીવાર બાદ રૂમમાં જઇ જોતાં મોટી બહેન લટકતી જોવા મળતાં તે ગભરાઇ ગઇ હતી અને તેણે બાલ્કનીમાંથી ઠેંકડો મારી લેતાં તેને પગમાં ઇજા થઇ હતી.    યુવાન દિકરીના આપઘાતથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો. (૧૪.૫)

(12:01 pm IST)