Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

તમારું એટીએમ બંધ થઇ જશે... તેમ જણાવી વધુ એક વખત છેતરપીંડી

બેંકના અધિકારીઓ કદી આ રીતે ફોન કરતાં જ નથી...લોકો જાગૃત બને : કુવાડવાના ખેડુત મુળજીભાઇના એટીએમમાંથી ૪ હજાર ઉપડી ગયા

રાજકોટ તા. ૧૭: એટીએમ કાર્ડ ધારકોને અવાર-નવાર કોઇને કોઇ બેંક અધિકારીના નામે ફોન કરીને એટીએમના પાસવર્ડ મેળવી લઇ ઠગાઇ કરવામાં આવે છે. અગાઉ પણ આવા બનાવ બની ચુકયા છે. ત્યાં વધુ એક કિસ્સામાંકુવાડવામાં રહેતાં ખેડુત મુળજીભાઇ જેરામભાઇ પટેલ સાથે આ રીતે હિન્દીભાષી ગઠીયાએ વાત કરી તેના બેંક એકાઉન્ટમાંથી રૂ. ૪ હજાર ઉપાડી લીધા છે.

મુળજીભાઇએ આ બાબતે કુવાડવા રોડ પોલીસને જાણ કરતાં પીએસઆઇ આર. પી. મેઘવાળે અરજી લઇ તપાસ શરૂ કરી છે અને સાઇબર સેલની મદદ લીધી છે. મુળજીભાઇ ૧૬મીએ સાંજે ઘરે હતાં ત્યારે તેને હિન્દીભાષીએ ફોન કરી પોતે બેંક ઓફિસર બોલે છે, એટીએમ બંધ થઇ જશે તેમ કહી એટીએમ પાછળ લખેલા નંબરો મેળવી લીધા બાદ એસએમએસ આવે ત ઓટીપી મેળવી લઇ તેના આધારે આ ખેડૂતના રાજકોટ ડિસ્ટ્રીકટ બેંકની કુવાડવા શાખાના એકાઉન્ટમાંથી રૂ. ચાર હજાર ઉપાડી લીધા છે. લોકોએ આ ગઠીયાઓ સામે સાવચેત થઇ જવું જરૂરી છે. કદી પણ કોઇપણ બેંક ઓફિસર આ રીતે ફોન કરીને વાત કરતાં નથી. કોઇપણ વ્યકિત ફોન કરીને એટીએમના નંબરો માંગે તો આપવા નહિ. પોલીસ તો જાગૃત છે જ, લોકોએ પણ જાગૃત રહેવું જરૂરી છે.

(3:47 pm IST)