Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

શિલ્પન ઓનીક્ષમાં સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ભવ્ય ઉજવણી

નિવૃત શિક્ષક મોહનભાઇ મણવરના હસ્તે ધ્વજવંદનઃ દેશની સંસ્કૃતિને ઉજાગર કરતો રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયોઃ પ્રમુખ વિનેશભાઇ માકડીયાના નેેતૃત્વમાં યાદગાર ઉજવણી સંપન્ન

રાજકોટઃ ૭રમાં સ્વાતંત્ર્ય મહાપર્વની સમગ્ર દેશમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી. ત્યારે રાજકોટમાં યુનિવર્સિટી રોડ ઉપર આવેલ શિલ્પન ઓનીક્ષમાં પણ ૧પ મી ઓગષ્ટની શાનદાર ઉજવણી કરી રહેવાસીઓએ શાનથી તિરંગાને સલામી આપી હતી. થ્રી બેડના લકઝરીયસ ફલેટની સાત વીંગમાં રહેતા લોકોએ સાતેય બીલ્ડીંગને લાઇટીંગથી પ્રકાશીત કરી હતી. સવારે ૮ના ટકોરે ૪૦૦ થી વધુ રહેવાસીઓની ઉપસ્થિતિમાં નિવૃત શિક્ષક અને હજારો વિદ્યાર્થીઓને જીવન કલ્યાણ અને રોજગારીનો રાહ ચિંધનાર મોહનભાઇ મણવરના હસ્તે ધ્વજવંદન થયું હતું. ધ્વજવંદન બાદ મોહનભાઇ મણવરે ઉપસ્થિત રહેવાસીઓને દેશદાઝને ખરા અર્થમાં ઉજાગર કરવા અને લોકશાહીમાં આપવામાં આવેલી મૂળભુત ફરજોનું પાલન કરી દેશની સેવા કરવા અનુરોધ કર્યો હતો. દેશને સુરક્ષીત રાખનાર લશ્કરી જવાનોની કામગીરીને સુપેરે બિરદાવી લશ્કરમાં યુવાનોને ભરતી થવા પર ભાર મુકયો હતો. સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં લોકસંસ્કૃતીને ઉજાગર કરતા કાર્યક્રમો યોજાયા હતા. નાના ભુલકાઓથી માંડી યુવાનોએ પણ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે કોર્પોરેટર કમલેશ મીરાણી, પુષ્કર પટેલ, શિલ્પાબેન જાવીયા, રૂપાબેન શીલુ અને ભાજપ અગ્રણી વિક્રમ પુજારા, યુવાન બિલ્ડર વિજયભાઇ દઢાણીયા ઉપસ્થિત રહયા હતા. આ પ્રસંગે કમલેશ મીરાણીએ લતાવાસીઓને સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવા બદલ અભિનંદન પાઠવ્યા અને વિજયભાઇ રૂપાણીના નેતૃત્વવાળી સરકાર લોકોની સુખાકારી માટે સદૈવ ઉત્સુક હોય છે. સોસાયટીના પ્રશ્નો પ્રત્યે હંમેશા ઉપયોગી થવાનો કોલ કોર્પોરેેટરોએ આપ્યો હતો. સ્વાતંત્ર્ય મહાપર્વ પ્રસંગે પ્રીતી ભોજન અને રાસ-ગરબાનો કાર્યક્રમ યોજાયો હતો. શિલ્પન ઓનીક્ષ ફલેટ હોલ્ડર એશોસીએશનના પ્રમુખ વિનેશભાઇ માકડીયાના નેતૃત્વમાં રહેવાસીઓએ શાનદાર રીતે ઉજવણી કરી યાદગાર સંભારણું અંકીત કર્યુ હતું.

(3:38 pm IST)