Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

અટલજીની ચિરવિદાયથી વિરાટ વ્યકિતત્વની ખોટ

વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ સંભારણા વાગોળ્યા : પ્રભાવિ માનવને ઠેરઠેરથી હ્ય્દયાંજલી અર્પણ

રાજકોટ તા. ૧૭ : ભારત રત્ન એવા પ્રભાવી અને કવિ હ્ય્દય ધરાવતા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઇજીના નિધનથી ઘેરા શોકની લાગણી પ્રસરી છે. વિવિધ ક્ષેત્રના આગેવાનોએ સંભારળા વાગોળી શ્રધ્ધા સુમન અર્પણ કરેલ છે. જેની સંકલિત યાદીઓ અહીં પ્રસ્તુત છે.

મોહનભાઇ કુંડારીયા

રાજનીતિના નોખા અનોખા અટલીજી વચન, પ્રવચન, આચરણના આકદમ પુરૂષ હતા. તેમ જણાવી રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયાએ શોકાંજલી વ્યકત કરી છે. તેઓએ જણાવ્યુ છે કે બિનવિવાદાસ્પદ વ્યકિતત્વ ધરાવતા અટલજી વિચારવાન પુરૂષ હતા. તેમના નિધનથી દેશને મોટી ખોટ પડી છે.

ગોવિંદભાઇ પટેલ

ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે અટલજીની અણધારી વિદાય અંગે ઉંડા દુઃખની લાગણી વ્યકત કરી જણાવ્યુ છે કે  ભારતને અવિભાજય બનાવી રાખવા યુવાનીમાં જ તેઓ શ્યામાપ્રસાદજી સાથે પ્રવૃત્ત થયા હતા. કાશ્મીર સરહદે ધરપકડ વહોરી ચુકયા છે. અટલજીએ સમગ્ર જીવન દેશને સમિર્પિત કરી દીધેલ. તેઓ દેહથી ભલે વિદાય લઇ ગયા પરંતુ વિચાર અને વ્યવહારથી દરેક કાર્યકર્તાના હ્ય્દયમાં ધબકતા રહેશે.

ભંડેરી-ભારદ્વાજ

ગુજરાત મ્યુ.ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી અને પ્રદેશ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજે અટલ બિહારજીને શ્રધ્ધાંજલી અર્પતા જણાવ્યુ છે કે તેઓ નિતિ નિરધારક અને પ્રખર વકતા હતા. ૧૯૬૮ થી ૧૯૭૩ સુધી ભારતીય જનસંઘના અધ્યક્ષપદે રહ્યા. ૧૯૮૦ થી ભાજપની રચના થઇ અને પ્રથમ અધ્યક્ષ  બનવાનું શ્રેય તેમને મળ્યુ હતુ. સાલસતા, મકમતા, શાલીનતા, માયાળુ સ્વભાવના કારણે કાર્યકરોમાં હંમેશા પ્રિયપાત્ર બની રહ્યા.

નરેન્દ્રભાઇ સોલંકી

ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમના અધ્યક્ષ નરેન્દ્રભાઇ સોલંકી (નરેન્દ્રબાપુ) એ અટલજીને શોકાંજલી અર્પણ કરતા જણાવ્યુ છે કે તેમનામાં વકતૃત્વની કળા નાનપણથી જ ખીલી ઉઠી હતી. શાળા કોલેજોની વકૃત્વ સ્પર્ધાઓમાં હંમેશા મોખરે રહેનાર અટલજીએ ૧૯૫૭ માં લોકસભામાં ચુંટાઇ આવીને પ્રથમ સંબોધનમાં જ પ્રભાવી અસર દર્શાવવા માંડી હતી. સંસદમાં જયારે તેમનું પ્રવચન હોય ત્યારે સાંસદો દોડી દોડીને તેમનું પ્રવચન સાંભળવા બેસી જતા હતા. આ તેમનો એક સ્પષ્ટવકતાનો ગુણ હતો. તેમની વિદાયથી દેશને મોટી ખોટ પડી હોવાનું નરેન્દ્રભાઇ સોલંકીએ જણાવેલ છે.

કમલેશ મિરાણી

શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારીએ દેશના પૂર્વ વડાપ્રધાન અટલજીના દુઃખદ અવસાન બદલ શ્રધ્ધાંજલી અર્પણ કરતા જણાવેલ છે કે દેશે પ્રખર વિચારક ગુમાવ્યા છે. કાર્યકર્તાના ઘડતર અને સિંચનમાં તેમનો મોટો ફાળો હતો. એક માર્ગદર્શક તરીકેની તેઓ ભુમિકા સંભાળતા હતા. આ મહામાનવની ખોટ કાયમ સાલસે તેમ જણાવેલ છે.

નિતીન ભૂત

ભાજપ સૌરાષ્ટ્ર ઝોનના મિડીયા કન્વીનર નીતિન ભૂતે અટલ બિહારી બાજપાઇને યાદ કરતા જણાવ્યુ છે કે તેઓ રાજનીતી શાસ્ત્રમાં એમ.એ. સુધી અભ્યાસ કરી ચુકયા હતા. કાયદાના સારા અભ્યાસુ હતા. ભારત છોડો ચળવળ સમયે તેઓેએ સગીરાવસ્થામાં જ ૨૪ દિવસની જેલ યાત્રા કરી હતી. શિસ્ત અને રાષ્ટ્રપ્રેમના ગુણોને આત્મસાત કરી ૧૯૫૭ માં બલરામપુર (યુ.પી.) બેઠક પરથી પ્રથમવાર વિજયી બન્યા હતા. રાજકારણ સાથે સારા લેખક કવિ તરીકેનું પણ કૌશલ્ય ધરાવતા હતા.

મણીનગર સ્વામિનારાયણ મંદિર

મણીનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા આચાર્ય શ્રી પુરૂષોતમપ્રિયદાસજી સ્વામી મહારાજની આજ્ઞાથી અટલ બિહારીજીની સ્મૃતિમાં દેશ વિદેશના મંદિરોમાં ધૂન-ધ્યાન અને પ્રાર્થનાઓ રાખવામાં આવી હતી.

(11:39 am IST)