Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

યુનિવર્સિટી રોડ પર ઋષીકેશ સોસાયટીમાં વકિલ અને પડોશી વચ્ચે મારામારી-ધમકી

ગાળ બોલવા મામલે અને જુની ફરિયાદમાં સમાધાન કરવા બાબતે ડખ્ખોઃ સામ-સામી ફરિયાદ

રાજકોટ તા. ૧૭: યુનિવર્સિટી રોડ પર આયુર્વેદિક હોસ્પિટલની સામે પટેલ પાન સામે ઋષીકેશ સોસાયટીમાં રહેતાં બે પડોશીઓ વચ્ચે જુના મનદુઃખને લીધે ગાળાગાળી અને મારામારી થતાં તેમજ ધમકી અપાતાં  સામ-સામી ફરિયાદ થઇ છે.

બનાવ અંગે પોલીસે ઋષીકેશ સોસાયટી-૨ બ્લોક નં. ૩૨માં રહેતાં એડવોકેટ સચીનભાઇ ભરતભાઇ સગપરીયા (ઉ.૨૯)ની ફરિયાદ પરથી અતુલભાઇ રાવલ સામે ગુનો નોંધ્યો છે. સચીનભાઇના કહેવા મુજબ પોતે ઘર પાસે હતાં ત્યારે અતુલભાઇએ ગાળો દેતાં તેને ગાળ શું કામ આપી? તેમ પુછવા જતાં તેણે ટેમ્પોમાંથી લોખંડનો પાઇપ કાઢી પગમાં માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

સામા પક્ષે ઋષીકેશ-૨ બ્લોક નં. ૭૧માં રહેતાં  અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં અતુલભાઇ પોપટભાઇ રાવલ (ઉ.૫૬)ની ફરિયાદ પરથી સચીનભાઇ સગપરીયા સામે ગુનો નોંધાયો છે. અતુલભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે અગાઉ તેણે સચીનભાઇ વિરૂધધ ફરિયાદ કરી હોઇ તેમાં સમાધાન કરી લેવાનું કહેવાતાં ના પાડતાં ગાળો દઇ ઝાપટ મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. પીઆઇ એ. એલ. આચાર્યની રાહબરીમાં હેડકોન્સ. જયંતિભાઇ સોંદરવાએ વધુ તપાસ હાથ ધરી છે.

(3:55 pm IST)