Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

ઓમ ગં ગણપતયે નમો નમઃ શ્રી સિદ્ધિ વિનાયક નમો નમઃ....

ગણપતિબાપા મોરીયા.... મંગલમૂર્તિનું નિરૂપણ કાર્ય શરૂ

આમ તો ગણપતિ મહોત્સવને હજુ ઘણો સમય બાકી છે, પણ બંગાળના કારીગરોના રાજકોટમાં ધામા : ૬ ઈંચથી ૨૦ ફૂટ સુધીની ઈકોફ્રેન્ડલી મૂર્તિઓનું નિર્માણ : હાલ તો બજાર ઠંડી પણ છેલ્લા દિવસોમાં બજારમાં તેજીનો ચળકાટ જોવા મળશે

રાજકોટ, તા. ૧૭ :. સુખકર્તા અને દુઃખહર્તા દેવ ગણપતિ મહારાજના ભવ્યદિવ્ય ગણેશ મહોત્સવના આગમનના એંધાણ વર્તાઈ રહ્યા છે. ગણપતિ મહોત્સવને હજુ તો ઘણી વાર છે પણ મૂર્તિ બનાવનાર કારીગરો બંગાળથી આવી ચૂકયા છે. ગણેશ મહોત્સવ હવે માત્ર મહારાષ્ટ્ર પુરતો જ સીમીત નથી રહ્યો. ગુજરાતમાં પણ ગણેશ મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવે છે. સુરત, વડોદરા, અમદાવાદ ઉપરાંત રાજકોટ શહેર અને સમગ્ર સૌરાષ્ટ્રમાં ગણેશ મહોત્સવની ભાવપૂર્વક ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે.

ગણપતિ મહોત્સવમાં ગણપતિબાપા મોરીયા...ના જયઘોષ સાથે અનેકવિધ આયોજનો કરતા હોય છે. જેમાં મંગલમૂર્તિ ગણપતિ ગજાનંદ મહારાજની મૂર્તિનુ સ્થાપન કરી ભાવિકો તેમની યથાશકિત અનુસાર પૂજન-અર્ચન કરતા હોય છે.

છેલ્લા પાંચ વર્ષથી રાજકોટમાં પણ ગણેશ મહોત્સવની ભવ્ય ઉજવણીમાં મુંબઈ, પૂનાની ઝાંખી રંગીલા રાજકોટમાં થાય છે. ભાવિકો દ્વારા ગણેશ મહોત્સવમાં તન, મન, ધન અને દિવ્યતાથી ઉજવણી કરતા હોય છે. સોસાયટી મંડળો ઉપરાંત ઘરે ગણપતિ મહારાજની મૂર્તિનું સ્થાપન કરતા હોય છે. દરરોજ સવાર-સાંજ આરતી, પાઠ અને સામાજિક કાર્યક્રમો પણ યોજવામાં આવતા હોય છે.

આમ તો દુંદાળાદેવનુ નામ જ મંગલમૂર્તિ છે. સુખકર્તા દેવ ગણપતિ મહારાજના તમામ સ્વરૂપો મનમોહક હોય છે. જેના સ્મરણ માત્રથી જ મનોકામના પૂર્ણ થાય છે. હાલ પ્રથમ પૂજનીય ગણપતિદાદાની મૂર્તિનું સ્થાપના પ્રથમ હોય છે, ત્યારે હાલ સોસાયટી મંડળો દ્વારા દુંદાળા દેવની મૂર્તિ પસંદગી કાર્યનો શુભારંભ થયો છે.

હવે મંગલમૂર્તિની પાવનકારી મૂર્તિ પણ હવે પ્રકૃતિને અનુરૂપ માટીના ઈકો ફ્રેન્ડલી સ્થાપના કરવાનું ચલણ ખૂબ વધ્યુ છે, ત્યારે મૂળ બંગાળના વતની અને કલાકારીગરીમાં ખૂબ નિપુણ દિપકભાઈ બંગાળી દ્વારા તેના કાર્યકુશળ બંગાળી કારીગરો દ્વારા માટીના ઈકો ફ્રેન્ડલી ગજાનંદ મહારાજની અનેક મૂર્તિઓનું ભવ્યદિવ્ય સિંહાસન સાથે આબેહુબ સાક્ષાત્કાર કરાવતી પ્રતિમાઓ બનાવી રહ્યા છે.

અહિંના બાલભવનના નં. પના ગેઈટમાં (શુલભ શૌચાલયની સામે, બાલભવનની જમણી તરફ, ભારતસેવક સમાજની અંદર, દિપક આર્ટ) વિશાળ જગ્યામાં દિપકભાઈ બંગાળી છેલ્લા ૨૫ વર્ષથી ગણેશ મહોત્સવ પૂર્વે ૨ માસ રાજકોટ આવી ગણેશ મૂર્તિ, શ્રી વિશ્વકર્મા દેવની મૂર્તિ તેમજ નવદુર્ગા માતાજીની માટીની મૂર્તિ ઈકો ફ્રેન્ડલી બનાવતા હોય છે. દર વર્ષે ૬૦૦થી વધુ ઈકો ફ્રેન્ડલી ગણપતિ દાદાની મૂર્તિઓ દિપકભાઈ બંગાળી અને તેમના કારીગરો દ્વારા બનાવવામાં આવે છે. સેંકડો લોકો ભાવથી આ ગણપતિ મૂર્તિનું પૂજન-અર્ચન કરીને ગણેશ મહોત્સવ ઉજવતા હોય છે.

દિપક આર્ટના દિપકભાઈ બંગાળીએ જણાવ્યુ છે કે હું ૧૯૯૪થી રાજકોટમાં પહેલા અને હવે બાલભવનના ૫ નંબરના ગેઈટમાં કેનાલ રોડ પર ભાડેથી જગ્યા રાખી માટીના ગણપતિ મહારાજ, શ્રી વિશ્વકર્મા દેવ તેમજ નવદુર્ગા માતાજીની મૂર્તિનું નિરૂપણ કરી રહ્યા છીએ. અમે સંપૂર્ણપણે માટીની જ મૂર્તિઓ બનાવીએ છીએ. અમે મૂર્તિ માટે નદી, તળાવની માટી ઉપરાંત આદિત્યાણા પાસેની નદીની માટી અને કલકત્તાની માટીનો મહત્તમ ઉપયોગ કરીને મૂર્તિઓ બનાવીએ છીએ. ભાવિકોની પસંદગી અને માપસાઈઝ મુજબ કલાત્મક રીતે મૂર્તિઓ બનાવી આપીએ છીએ.

દિપકભાઈ બંગાળીએ વધુમાં જણાવ્યુ કે અમે ગણપતિ મહારાજની મૂર્તિ ઉપરાંત વિશ્વકર્મા દેવ, માતાજીની મૂર્તિ માટીની બનાવીએ છીએ. અમે બંગાળના ચુનંદા કારીગરો દ્વારા પ્રથમ મૂર્તિ માટે સ્ટેજ તૈયાર કરીએ છીએ. બાદમાં ઘાસ, માટી, વાંસ અને ફીનીશીંગ તેમજ કલર તેવી રીતે અલગ અલગ સ્ટેજ ઉપર અલગ નિષ્ણાંત કારીગરો દ્વારા કામગીરી થતી હોય છે. અમારા ટીમ વર્કને કારણે અમારા કામથી અલગ ઓળખ ઉભી કરી છે.

દિપકભાઈ જાના મુળ કોલકતાના પૂર્વ મેદનીપુર ગામના રહેવાસી છે અને છેલ્લા અઢી દાયકાથી રાજકોટમાં ગણપતિજી, વિશ્વકર્માદાદા, નવદુર્ગા માતાજી, મહાકાળી માતાજીની મૂર્તિઓ બનાવે છે. દર વર્ષે ૧૦ કારીગરોની ટીમ સાથે ઈકોફ્રેન્ડલી (લાકડુ, ઘાસ, સુતર, માટી) મૂર્તિઓ ૬ થી ૨૦ ફૂટ સુધી બનાવે છે. બાલભવન ખાતેની જગ્યા મેળવવા માટે ભારત સેવક સમાજના શ્રી જે.ડી. પંડ્યાનો સહયોગ મળેલ હોવાનું તેઓએ જણાવેલ.

તસ્વીરમાં ગણપતિ દાદાની વિવિધ મૂર્તિઓ બની રહી છે. જયારે મૂર્તિઓ બનાવનાર શ્રી દિપકભાઈ બંગાળી ઈન્સેટ તસ્વીરમાં દર્શાય છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)(૩૭.૫)

સ્થળ : દિપક આર્ટ, બાલભવનના નં.૫નો ગેઈટ, સુલભ શૌચાલયની સામે, ભારત સેવક સમાજની અંદર, રાજકોટ

મૂર્તિ બનાવનાર

શ્રી દિપકભાઈ બંગાળી

મો. ૯૫૧૦૯ ૧૯૬૪૩

(3:37 pm IST)