Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

સંગઠન પર્વ અંતર્ગત ભાજપ દ્વારા આજથી દરેક વોર્ડમાં કાર્યશાળાઃ કમલેશ મિરાણી

વિધાનસભા ૬૯, ૭૦, ૭૧ના વિસ્તારોમાં આજે અને ૬૮ના વિસ્તારોમાં કાલે કાર્યશાળા

રાજકોટ, તા. ૧૭ :. શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, સંગઠન પર્વના રાજકોટ મહાનગરના ઈન્ચાર્જ વિરેન્દ્રસિંહ ઝાલા, સહઈન્ચાર્જ પુષ્કર પટેલ, ડો. દર્શીતાબેન શાહની સંયુકત યાદીમાં જણાવાયુ છે કે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણીના નેતૃત્વમાં સમગ્ર ગુજરાતભરમાં સંગઠન પર્વ ૨૦૧૯નો તા. ૬ જુલાઈના રોજ એટલે કે ડો. શ્યામાપ્રસાદ મુખર્જીના જન્મ દિવસથી ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા વૃદ્ધિ અભિયાનનો પ્રારંભ થયેલ છે.

ભાજપનું આ સંગઠન પર્વ સૌના માટે સર્વસ્પર્શી અને સર્વવ્યાપી બની રહે અને જન-જન સુધી ભાજપાની રાષ્ટ્રવાદની વિચારધારા પહોંચે તે માટે ભાજપનું આ સંગઠન પર્વ સર્વસ્પર્શી અને સર્વવ્યાપી બની રહે અને જન-જન સુધી ભાજપની રાષ્ટ્રવાદની વિચારધારા પહોંચે તે માટે આજે વિધાનસભા-૬૯ના સમાવિષ્ટ વોર્ડ ૧, ૨, ૩, ૮, ૯, ૧૦ની કાર્યશાળા રાત્રે ૮.૩૦ કલાકે હરીહર હોલ, કાલાવડ રોડ ખાતે તેમજ વિધાનસભા-૭૦, ૭૧માં સમાવિષ્ટ વોર્ડ ૭, ૧૧, ૧૨, ૧૩, ૧૪, ૧૭, ૧૮ની કાર્યશાળા સાંજે ૬.૩૦ કલાકે રણછોડદાસજી કોમ્યુનીટી હોલ, આનંદનગર પાસે, પારડી રોડ ખાતે યોજાશે.

આવતીકાલે તા. ૧૮ના ગુરૂવારે સાંજે ૭.૦૦ કલાકે વિધાનસભા-૬૮માં સમાવિષ્ટ વોર્ડ ૪, ૫, ૬, ૧૫, ૧૬ની કાર્યશાળા ભોજલરામ કોમ્યુનીટી હોલ, સંત કબીર રોડ ખાતે યોજાશે.

આ કાર્યશાળામાં ભારતીય જનતા પાર્ટીની પંચનિષ્ઠા જેવી કે રાષ્ટ્રીયતા અને રાષ્ટ્રીય એકતા, લોકતંત્ર, સામાજિક-આર્થિક સમસ્યાઓ પ્રતિ ગાંધીવાદી દ્રષ્ટિકોણના આધાર પર, સમતાયુકત અને શોષણમુકત સમાજની રચના, સકારાત્મક બિનસાંપ્રદાયિકતા-સર્વ ધર્મ સમભાવ અને મૂલ્ય આધારિત રાજનિતીથી છેવાડાનો માનવી માહિતગાર થાય અને રાષ્ટ્રભાવનાથી પ્રેરિત થાય તે માટે તેને ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રવાદની વિચારધારામાં જોડવા માટે માર્ગદર્શન પુરૂ પાડવામાં આવશે એમ અંતમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, સંગઠન પર્વના રાજકોટ મહાનગરના ઈન્ચાર્જ વિરેન્દ્રસિંહ ઝાલા, સહઈન્ચાર્જ પુષ્કર પટેલ, ડો. દર્શીતાબેન શાહે જણાવ્યુ છે.

આ કાર્યશાળામાં બુથના વિસ્તારકો તેમજ શકિત કેન્દ્રના ઈન્ચાર્જ અને અપેક્ષિત શ્રેણીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે. શહેરભરમાં આગામી તા. ૨૧-૭થી શહેર ભાજપ દ્વારા સંગઠન પર્વ અંતર્ગત વિસ્તારક યોજનાનો પ્રારંભ થશે તેમ એક યાદીમાં જણાવાયુ છે.

(3:35 pm IST)