Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

છ ગુનામાં નામ ખુલ્યા પછી ફરાર સુરેશ ઉર્ફ ચોટાએ વધુ પાંચ ચિલઝડપ કરીઃ અંતે ઝડપાયો

અગાઉ વાહન ચોરી અને ચિલઝડપના ૨૫ ગુનાઓમાં પકડાયો'તો...છતાં સુધર્યો નહિ : ક્રાઇમ બ્રાંચના અનિલભાઇ સોનારા, મહેશભાઇ મંઢ અને નિશાંતભાઇ પરમારની બાતમી પરથી પકડાયો

રાજકોટ તા. ૧૭: રીઢા ચિલઝડપકાર ભાવનગર રોડ પર ફાયર બ્રિગેડ પાછળ મનહરપરામાં રહેતાં સુરેશ ઉર્ફ ચોટો હરિભાઇ બાપડીયા (ઉ.૩૫)ને ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધો છે. આ શખ્સ અગાઉ ચિલઝડપકાર પકડાયો તેની પુછતાછમાં છ ગુનામાં નામ ખુલતાં ફરાર હતો. ફરાર રહ્યો એ પછી તેણે બીજા પાંચ ચિલઝડપના ગુના આચર્યાનું ખુલ્યું છે.

અગાઉ યુનિવર્સિટી પોલીસના ચાર ચિલઝડપના ગુના અને તાલુકા પોલીસના બે ગુનામાં સાગર ઉર્ફ ચોટાનું નામ ખુલતાં તે ફરાર થઇ ગયો હતો. દરમિયાન તે તેના ઘરે આવી રહ્યાની બાતમી ક્રાઇમ બ્રાંચના હેડકોન્સ. અનિલભાઇ સોનારા, કોન્સ. મહેશભાઇ મંઢ તથા નિશાંતભાઇ પરમારને મળતાં તેને દબોચી લેવાયો હતો.

પુછતાછમાં તેણે ફરાર રહ્યો એ દરમિયાન દોઢ મહિના પહેલા શાસ્ત્રીનગર પાસે એક મહિલાના ગળામૉથી ચેઇનની ચિલઝડપ, જીવરાજ પાર્કના ગેઇટ સામેથી, નાના મવા રોડ ગોવિંદ રત્ન પાર્ક પાસેથી, કાલાવડ રોડ રાણી ટાવર પાસેથી તથા જીવરાજ પાર્ક અંબિકા ટાઉનશીપ પાસે એક મહિલાના ગળામાંથી ચેઇન ખેંચી લીધાની કબુલાત આપી છે.

સુરેશ ઉર્ફ ચોટો અગાઉ પણ વાહનચોરી અને ચિલઝડપના ૨૫ ગુનાઓમાં પકડાઇ ચુકયો છે. આમ છતાં તે સુધરવાનું નામ લેતો નથી અને ફરીથી વધુ ૧૧ ચિલઝડપના ગુનામાં તે પકડાયો છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી અજયકુમાર ચોૈધરી, ડીસીપી રવિમોહન સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયાની રાહબરી અને પી.આઇ. એચ. એમ. ગઢવીની સુચના હેઠળ પીએસઆઇ એ. એસ. સોનારા,  હેડકોન્સ. સમીરભાઇ શેખ, અનિલભાઇ સોનારા, નિલેષભાઇ ડામોર, કોન્સ. નિશાંત પરમાર, મહેશ મંઢ, અજીતસિંહ પરમાર, હરદેવસિંહ રાણા સહિતની ટીમે આ શખ્સને ઝડપી લીધો હતો. તેની વિશેષ પુછતાછ થઇ રહી છે.

(3:31 pm IST)