Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

આર.ટી.ઓ.ના બોગસ લાયસન્સ પ્રકરણમાં કર્મચારીની ધરપકડ સામે મનાઈ હુકમ ફરમાવતી ગુજરાત હાઈકોર્ટ

રાજકોટ, તા. ૧૬ :. રાજકોટમાં આર.ટી.ઓ. કચેરીમાં બોગસ લાયસન્સનું કૌભાંડ ખુલેલ અને જે કામમાં એસ.ઓ.જી. પોલીસે કુલ ૧૯ આરોપીઓની ધરપકડ કરેલ અને તપાસ કરતા આર.ટી.ઓ.માં નોકરી કરતા મેઘાબેન રાજેન્દ્રભાઈ સોલંકીની સંડોવણી ખુલતા તેઓએ પોતાની ધરપકડ સામે આગોતરા જામીન અરજી કરતા ગુજરાત હાઈકોર્ટ દ્વારા ધરપકડ સામે મનાઈ હુકમ ફરમાવેલ છે.

આ કેસની હકીકત એવી છે કે આર.ટી.ઓ. કચેરીમાં એજન્ટ તરીકે કામ કરતા આરોપીઓએ લાયકાત ન હોવા છતા તેવા આરોપીઓના નામના બોગસ આધાર કાર્ડ, રેશનીંગ કુપન તેમજ સ્કૂલના દાખલા બનાવી જથ્થાબંધ લાયસન્સ કાઢી આપેલ. જે હકીકતની બાતમી મળતા એસ.ઓ.જી. દ્વારા તપાસ કરતા મોટા પ્રમાણમાં બોગસ દસ્તાવેજો મળી આવેલા જેથી પોલીસ સબ ઈન્સ્પેકટર એચ.એમ. રાણા ફરીયાદી બનીને ફરીયાદ કરેલને ગુનો દાખલ કરેલ.

આ ગુનાની તપાસ દરમિયાન આર.ટી.ઓ. કચેરીમાં નોકરી કરતા મેઘાબેન રાજેન્દ્રભાઈ સોલંકીનું નામ ખુલતા તેઓએ આગોતરા જામીન અરજી કરેલ જે રદ થતા ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી કરેલ જે અરજીની સુનવણી ઉપર આવતા ના. ગુજરાત હાઈકોર્ટ દ્વારા આરોપીની ધરપકડ સામે મનાઈ હુકમ ફરમાવેલ છે.

આ કામમાં આરોપી મેઘાબેન રાજેન્દ્રભાઈ સોલંકી વતી અમદાવાદના એડવોકેટ આશિષભાઈ ડગલી તેમજ રાજકોટના એડવોકેટ પિયુષ એમ. શાહ, અશ્વિન ગોસાઈ, નીવીદ પારેખ, નિતેષ કથીરીયા, હર્ષીલ શાહ, વિજય પટગીર, જીતેન્દ્ર ધુળકોટીયા, વિજય વ્યાસ, રાજેન્દ્ર જોષી રોકાયેલા હતા.

(3:44 pm IST)