Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

ધોધમાર વરસાદ સામે સફળતાપૂર્વક બાથ ભીડતુ રાજકોટ વીજતંત્ર : માત્ર ૧૩૦ ફરીયાદો : ધડાધડ નીકાલ

શહેરના કુલ ૨૨૫માંથી માત્ર ૪ ફીડર જ બંધ થયા.. એ પણ કલાકમાં ચાલુ કરી દેવાયા :ચીફ ઇજનેર કોઠારી - તમામ ઇજનેરો અને સ્ટાફની મોડી રાત સુધી કાબીલેદાદ કામગીરી :લોકોએ સામેથી ફોન કરી સ્ટાફને બીરદાવ્યો અભિનંદન પાઠવ્યા

રાજકોટ તા. ૧૭ : રાજકોટમાં ભારે વરસાદ તૂટી પડયો, ચારેબાજુ પાણી ભરાયા પરંતુ લોકોના ઘરોમાં - દુકાનો - શોરૂમમાં લાઇટો ઝગમગતી રહી, ધોધમાર વરસાદ સામે રાજકોટના વીજતંત્રે સફળતાપૂર્વક બાથભીડી, ધડાધડ ફરીયાદોનો નીકાલ કરી સતત વીજળી ચાલુ રાખી હતી.

પીજીવીસીએલના પ્રોજેકટ ઓફિસર અને ચીફ ઇજનેર શ્રી કોઠારીના માર્ગદર્શન હેઠળ શહેરના ત્રણે એકઝીકયુટીવ ઇજનેરો, ડે.ઇજનેરો, જુનીયર ઇજનેરો અને લાઇન સ્ટાફે સતત દોડતા રહી મોડી રાત સુધી વરસતા વરસાદમાં પણ કાબીલેદાદ કામગીરી કરી હતી. સૂત્રોના ઉમેર્યા પ્રમાણે મેજર કોઇ ઘટના બની નથી, અંગત માત્ર ૧૩૦ ફરિયાદો આવી તેનો પણ ધડાધડ નીકાલ કરી દેવાયો છે, એટલું જ નહી શહેરના કુલ ૨૨૦માંથી માત્ર ૪ ફીડર બંધ થયા, તે પણ કલાકથી દોઢ કલાકમાં ચાલુ કરી દઇ લોકોના ઘરોમાં ધોધમાર વરસાદમાં લાઇટો સતત ચાલુ રાખી દેવાઇ હતી.

જે ફીડરો બંધ થયા તેમાં શ્રી કોલોની, સોનીબજાર, માધાપર ચોકડીનો આરએમસી ફીડર અને યુનિ. રોડ પરનો ફીડર બંધ થયો હતો તે કલાકમાં પૂર્વવત કરી દેવાયા હતા, મોડીરાત બાદ આજ સવારથી પણ ટીમોને રવાના કરી બાકી રહેતી ફરીયાદોનો તાકિદે નીકાલ કરવા આદેશો કરાયા છે.

રાજકોટમાં વીજતંત્રની એટલી સફળ કામગીરી રહી, લાઇટો ગૂલ ન થઇ તો પ્રજા ખુશખુશાલ બની ગઇ હતી, અનરાધાર ૮ ઇંચ વરસાદ વરસ્યો પણ લાઇટો ચાલુ રહી તે સંદર્ભે લોકોએ જે તે સબ-ડીવીઝનના ઇજનેરો - સ્ટાફને સામેથી ફોન કરી આભાર માન્યો હતો, બીરદાવ્યા હતા, અભિનંદન પાઠવ્યા હતા. મોડી રાત્રે ૧ વાગ્યા સુધી વીજતંત્રનો સ્ટાફ હાઇએલર્ટ રહ્યો હતો, અને આજ સવારથી પણ ફરિયાદોના નિકાલ માટે વ્યવસ્થા કરી હતી, વીજતંત્રનું પોતાનું વોટ્સએપ ગ્રુપ છે, અને તેનાથી ઇજનેરો - સ્ટાફને જબરો ફાયદો થાય છે તે પણ હકીકત છે.(૨૧.૨૮)

(4:27 pm IST)