Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

જાહેર માર્ગો ઉપર મૂકેલા માહિતીદર્શક ચિન્હોને દરેક વાહનચાલકોએ અનુસરવુ જરૂરી

આર.ટી.ઓ. ટ્રેનર ચિરાગભાઈ ત્રિવેદીનો વાર્તાલાપ

રાજકોટ, તા. ૧૭ : આરટીઓ દ્વારા રાજયના મહાનગરો સહિત ૧૧ જીલ્લાઓમાં ''રોડ સેફટી'' જાગૃતિ અભિયાન શરૂ કર્યુ છે, તેના ભાગરૂપે રૈયા રોડ રેલ્વે ફાટક પાસે આવેલ આદિત્ય સ્કુલમાં બાળકોને માર્ગ સુરક્ષાનું પ્રાથમિક જ્ઞાન અને સમજ આપવા રાજકોટ આરટીઓ કચેરી દ્વારા માર્ગદર્શક વાર્તાલાપ યોજાઈ ગયો.

રાજકોટના આરટીઓ ટ્રેનર ચિરાગભાઈ ત્રિવેદીએ કહ્યું કે આજકાલ વસ્તી અને વાહનોમાં થયેલ વધારાને કારણે માર્ગો અસલામત બન્યા છે. તેજ ગતિથી બેફામ ચાલતા વાહનોને કારણે રાહદારીઓ પણ અસલામતી અનુભવે છે ત્યારે રાજયના જાગૃત આરટીઓ તંત્ર દ્વારા જાહેર માર્ગો ઉપર મૂકેલા માહિતીદર્શક ચિન્હો, ચેતવણી ચિન્હો, દિશા સૂચન નિશાનીઓ અને આદેશાત્મક ચિન્હોને દરેક વાહન ચાલકો રાહદારીઓએ અનુસરવુ જરૂરી છે.

મોટર વ્હીકલ કાયદાની કલમો ૧૧, ૧૩૮, ૧૧૯, ૧૧૨, ૧૯૦ તથા ૧૮૪-૮૫ની વિસ્તૃત વિગતો વર્ણવતા કહ્યું કે, રાહદારીઓએ રસ્તા પર કઈ બાજુ ચાલવુ, રસ્તો ઓળંગવા ઝીબ્રા ક્રોસીંગની નિશાનીવાળા માર્ગનો ઉપયોગ કરવો, વાહનમાં મુસાફરી કરતી વખતે સીટબેલ્ટ  અકસ્માતમાં ૮૦ ટકા રાહત આપે છે. રોડ ઉપરની સંજ્ઞાઓ અકસ્માત અટકાવવામાં મદદરૂપ થાય છે. રહેણાંક વિસ્તારોમાં વાહનોની ઝડપ પ્રતિકલાક ૨૦ થી ૩૦ કિ.મી. રાખવી જોઈએ, વાહન ચલાવતી વખતે કયારેય મોબાઈલનો ઉપયોગ ન કરો, તેને લીધે ધ્યાનભંગ થતાં અકસ્માત થઈ શકે છે. માથાની સુરક્ષા માટે દરેક વાહનચાલકે હેલ્મેટ પહેરવુ હિતાવહ છે. વિદ્યાર્થીઓને આરટીઓ દ્વારા ખાસ કેપ ગીફટ આપીને બિરદાવ્યા હતા.

આરટીઓ, રાજકોટના પ્રોજેકટ એકિઝકયુટીવ મહેશભાઈ ચાવડાની ઉપસ્થિતિમાં યોજાયેલ આ જનહિતના કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષિકા બહેનો સુરેખાબેન ગણાત્રા, હેતલબેન, ભાવિશાબેન, ફરીદાબેન, ખ્યાતિબેન, રીમાબેન, પ્રવિણાબા, નેહાબેન, ચાર્મીબેન, રીનામેડમ વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(4:03 pm IST)