Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

હત્યારા અને લૂંટારા સોની પિતા-પુત્રએ છ જેટલા લેણદારોને આપેલુ સોનુ રિકવર કરવા કાર્યવાહી

આજીડેમ પોલીસ દ્વારા ભરત લાઠીગ્રા અને પુત્ર સુમિત લાઠીગ્રાની ઘનિષ્ઠ પુછતાછઃ આવતી કાલે રિમાન્ડ પુરા થશેઃ

રાજકોટ તા. ૧૭: પેલેસ રોડ પર રાજશ્રૃંગી કોમ્પલેક્ષમાં આવેલા આદિત્ય એલિગન્સ નામના શો રૂમમાં સેલ્સમેન તરીકે કામ કરતાં અને ઘંટેશ્વર સામે આવેલા વિતરાગ એપાર્ટમેન્ટમાં રહેતાં વસંતભાઇ ભોગીલાલ ઝીંઝુવાડીયા (ઉ.૫૩) નામના સોની પ્રોૈઢનું અપહરણ કરી, હત્યા નિપજાવી ૧ કરોડના સોનાની લૂંટ કરવાના ગુનામાં ઝડપાયેલા શ્રી જ્વેલર્સવાળા સોની પિતા-પુત્ર ભરત હસમુખલાલ લાઠીગ્રા (ઉ.૫૨) તથા તેના પુત્ર સુમિત (ઉ.૨૯) (રહે. શ્રમજીવી સોસાયટી-૨/૯, ઢેબર રોડ સાઉથ) રિમાન્ડ પર હોઇ આજીડેમ પોલીસ દ્વારા ઘનિષ્ઠ પુછતાછ થઇ રહી છે. હત્યા બાદ લૂંટેલા સોનામાંથી અડધોઅડધ સોનુ આ બંનેએ લેણદાર એવા છ-સાત વેપારીઓને આપી દીધું હતું. આ સોનુ રિકવર કરવા આજે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

તપાસનીશ પી.આઇ. પી.એન. વાઘેલાના જણાવ્યા મુજબ આરોપી પિતા-પુત્રના આવતીકાલે રિમાન્ડ પુરા થવાના છે. એક કરોડનું દેણું ઉતારવા સેલ્સમેન વસંતભાઇનું અપહરણ કરી હત્યા કરી સોનાની લૂંટ કર્યાની કબૂલાત આપનાર ભરત લાઠીગ્રાએ દેણુ ઉતારવા લૂંટેલા પૈકીના અડધો અડધ સોનાની લેણદારોમાં વહેંચણી કરી દીધી હતી. બાકીનું સોનુ તેણે ઘરે જ આવેલી ભઠ્ઠીમાં ઓગાળી નાંખી ચાર ઢાળીયા બનાવી લીધા હતાં. જે ક્રાઇમ બ્રાંચે બંનેને પકડ્યા ત્યારે કબ્જે લેવાયા હતાં. બાકીનું સોનુ રિકવર કરવાની કાર્યવાહી આજે હાથ ધરાશે.

પોલીસે બંનેને પકડ્યા ત્યારે પ્રારંભે તો સાવ અજાણ જ હોવાનું રટણ કરનારા ભરત અને તેના પુત્ર સુમિતે બાદમાં પોલીસ સમક્ષ પોપટ બની જઇ ચોંકાવનારી કબુલાત આપી દીધી હતી. ભરતે તો એવું રટણ પણ કર્યુ હતું કે પોતાના ગ્રહ ખરાબ હોવાથી આવું થઇ ગયું છે!! કાલે બંનેના રિમાન્ડ પુરા થયે કોર્ટ હવાલે કરવામાં આવશે. પી.આઇ. પી.એન. વાઘેલા, ભકિતરામભાઇ નિમાવત, વિરેન્દ્રસિંહ ઝાલા, સ્મીતભાઇ, કનકસિંહ સોલંકી, મહિપાલસિંહ, જયદિપસિંહ અને ટીમ વિશેષ તપાસ કરે છે.

(12:25 pm IST)