Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

લક્ષ્મીનગર નાલાએ અન્ડરબ્રીજઃ કોર્પોરેશન ર૯ લાખ ચુકવશે

રેલ્વે દ્વારા અન્ડરબ્રીજના ટેન્ડરોની કાર્યવાહીઃ એગ્રીમેન્ટ અને લીઝીંગ ચાર્જ ભરવા સ્ટેન્ડીંગ કમીટીમાં દરખાસ્તઃ કોલાસાવાડી, સોરઠીયાવાડી, એસ. એન. કે, વીરાણી ચોક સહીતના ટ્રાફીક સર્કલો જન ભાગીદારીથી ડેવલોપ થશેઃ બુધવારે મળનાર સ્ટેન્ડીંગ કમીટીમાં ૩૬ દરખાસ્તોના નિર્ણયો લેવાશે

રાજકોટ, તા. ૧૬ :. શહેરના મધ્યેથી પસાર થતી રેલ્વે લાઈનની નીચે આવેલ લક્ષ્મીનગર નાલામાં વર્ષોથી પાણી ભરાવાની અને ટ્રાફીકજામની સમસ્યા સર્જાય રહી છે જેનો ઉકેલ લાવવા આ નાલાના સ્થળે મોટો અંડરબ્રીજ બનાવવા મ્યુ. કોર્પોરેશન દ્વારા નિર્ણય લેવાયો છે અને હવે આ દિશામાં નક્કર કાર્યવાહી કરવા આગામી દિવસોમાં રેલ્વે મારફત લક્ષ્મીનગર નાલાના સ્થળે અંડરબ્રીજ બનાવવા માટે ટેન્ડરો પ્રસિદ્ધ કરવા તરફ કાર્યવાહી શરૂ થઈ છે. જે અંતર્ગત સૌ પ્રથમ મ્યુ. કોર્પોરેશન અને રેલ્વે વચ્ચે કરારો કરી અને લીઝીંગ ચાર્જ ભરવા માટેની દરખાસ્ત આગામી બુધવારે મળનાર સ્ટેન્ડીંગ કમિટિમાં કરાઈ છે.

આ અંગે સ્ટેન્ડીંગ કમિટિના એજન્ડામાં દર્શાવેલ દરખાસ્તમાં જણાવાયા મુજબ વોર્ડ નં. ૮માં લક્ષ્મીનગર નાલાના સ્થળે રેલ્વે મારફત અંડરબ્રીજ બનાવવાના કામ માટે એગ્રીમેન્ટ-લીઝીંગ ચાર્જના કુલ રૂ. ૨૯ લાખની ચુકવણી કરવાનું મંજુર કરાશે. આમ હવે લક્ષ્મીનગર નાલાના સ્થળે અંડરબ્રીજ બનાવવા માટે નક્કર કાર્યવાહી શરૂ થનાર છે.

આ ઉપરાંત આગામી બુધવારે મળનાર સ્ટેન્ડીંગ કમિટિમાં શહેરમાં વિવિધ ટ્રાફીક સર્કલોને જનભાગીદારીથી ડેવલપ કરવા અંગેની દરખાસ્તને પણ લીલી ઝંડી આપવામાં આવશે. જેમાં કોલસાવાળી ચોકમાં રોટરી કલબ દ્વારા, સોરઠીયાવાડી સર્કલમાં, દિવ્યમ કલબ દ્વારા, વિરાણી ચોકમાં સીટી ડેન્ટલ કલીનીક દ્વારા અને એસ.એન.કે. ચોકમાં એસ.એન.કે. સ્કૂલ દ્વારા તથા આલાપ એવન્યુ પાસે શકિત એજ્યુકેશન દ્વારા ટ્રાફીક સર્કલોનું બ્યુટીફીકેશન કરાવી દેવામાં આવશે.

નોંધનીય છે કે, પુનીતનગર તથા એસ.એન.કે. ચોક સહિત કુલ ૩ ટ્રાફીક સર્કલો અગાઉ અન્ય સંસ્થાઓને ડેવલપ માટે અપાયેલ હતા પરંતુ તેઓએ કોઈ કાર્યવાહી નહી કરતા તેઓની ફાળવણી રદ કરી હવે નવી સંસ્થાઓને આ જવાબદારી સુપ્રત કરાયેલ છે.

આ ઉપરાંત આ સ્ટેન્ડીંગ કમિટિમાં શહેરમાં ૩૫ સ્થળોએ ૩ વર્ષ માટે વિવિધ એડવર્ટાઈઝીંગ એજન્સીઓને હોર્ડીંગ્સ બોર્ડ ભાડે આપવાની દરખાસ્ત છે. જેમાં ગત વર્ષ કરતા ૨૪ ટકાથી વધારે આવક નોંધાઈ છે. આ વખતથી ૧.૩૭ કરોડ ઉપરોકત હોર્ડિંગ્સ બોર્ડની આવક થનાર છે.

મેરેથોન દોડમાં અઢી કરોડની અને હોર્ડીંગ્સ બોર્ડમાં દોઢ કરોડની આવક

આ હોર્ડીંગ્સ બોર્ડ રાકેશ એડ., ગ્લોબલ પબ્લિસીટી, ભવ્ય, મેગા એડ સહિતની એજન્સીઓને આપવામા આવ્યા છે. તેમજ મેરેથોન સ્પર્ધા માટે કુલ ૯૯ લાખનો ખર્ચ થયો અને તેની સામે અઢી કરોડની આવક થયાના હિસાબને લીલી ઝંડી આપવા, પ્રદ્યુમન પાર્ક, સીટી બસ વગેરેની ટીકીટો છાપવા માટેનો ૧.૩૩ લાખનો ખર્ચ મંજુર કરવા સહિત કુલ ૩૬ દરખાસ્તો અંગે આગામી સ્ટેન્ડીંગ કમિટિમા નિર્ણય કર્યો છે.

(3:41 pm IST)