Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

લવજેહાદમાં કડક કાર્યવાહી થશેઃ પોલીસ કમિશનર અગ્રવાલ

ક્રાઇમ કોન્ફરન્સ યોજી લવ જેહાદના નવા કાયદાની સમજ અને અમલવારી માટે વર્કશોપ યોજવામાં આવ્યોઃ નવા કાયદાનું પ્રેઝન્ટેશન થયું : જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, બંને ડીસીપી પ્રવિણકુમાર મીણા, મનોહરસિંહ જાડેજા, તમામ એસીપી, તમામ પોલીસ ઇન્સ્પેકટર્સની કોન્ફરન્સમાં હાજરી : માર્ચ એપ્રીલ-મે મહિનામાં બેસ્ટ કામગીરી પોલીસ કર્મચારીઓને 'કોપ ઓફ ધ મંથ' ના પ્રશંસાપત્ર અને જુદી જુદી એપ્લીકેશનમાં સારું કામ કરનારા કર્મચારીઓનું પણ સન્માન કરતાં મનોજ અગ્રવાલ : લવ જેહાદમાં ધર્મપરીવર્તન કરાવનાર ધર્મગુરૂઓ કે કોઇ પણ શખ્સોે સંડોવાયેલા હશે તો કાર્યવાહી થશે : આ વર્ષે ગુનાઓનું પ્રમાણ ઘટ્યું: ડિટેકશનની ટકાવારી વધીઃ ક્રાઇમ રેટ પણ ઘટ્યાનો દાવો : યુનિવર્સિટી પોલીસ સ્ટેશન, તાલુકા પોલીસ સ્ટેશનને 'પોલીસ સ્ટેશન ઓફ ધ મંથ'નો એવોર્ડ

તસ્વીરમાં ક્રાઇમ કોન્ફરન્સમાં સંબોધન કરી રહેલા પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ તથા અધિકારીઓ અને એવોર્ડ મેળવનારા  કર્મચારીઓ પ્રશંસાપત્ર સાથે જોવા મળે છે.

રાજકોટ તા. ૧૭:  શહેર પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલના અધ્યક્ષ સ્થાને ક્રાઇમ કોન્ફરન્સનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, તમામ એસીપી, તમામ પોલીસ સ્ટેશનો તથા તમામ બ્રાંચના પોલીસ ઇન્સપેકટર્સ હાજર રહ્યા હતાં. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ લવ જેહાદનો નવો કાયદો  વિધાનસભામાં બીલ મંજુર કરી અમલમાં મુકયો હોઇ  ક્રાઇમ કોન્ફરન્સમાં હાજર  તમામ અધિકારીઓને આ કાયદાની સમજ આપવામાં આવી હતી અને કાયદાની અમલવારી કરવા માટે વર્કશોપ રાખવામાં આવ્યો હતો. અને લવ જેહાદના નવા કાયદાનુ પ્રેઝન્ટેશન  પણ કરવામાં આવ્યું હતું.  તેમજ કાયદો અને વ્યવસ્થા અનુસંધાને તથા હાલની કોરાના વાયરસની મહામારી અને ક્રાઇમ સબંધી માર્ગદર્શન અને સુચનાઓ આપવામાં આવ્યા હતાં.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે-લવ જેહાદમાં ધર્મપરીવર્તન કરાવનાર ધર્મ ગુરૂઓ કે કોઇ પણ શખ્સોે સંડોવાયેલ હશે તો તેઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમજ આ લવ જેહાદના કાયદા બાબતે ધર્મ ગુરૂઓ સાથે મીટીંગ પણ કરવામાં આવશે. ભુતકાળમાં પણ ઘણી દીકરીઓ જેમને ધર્માંતરણના બદઇરાદે ભગાડી જવામાં આવી હોઇ તેમાં રાજકોટ શહેર પોલીસ દ્વારા દીકરીઓને પરત લાવી અને માતા પિતા સાથે મુલાકાત કરાવી અપાઇ હતી.

આ ઉપરાંત કોન્ફરન્સમાં પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે હાલની કોરાના વાયરસની મહામારીમાં રાજકોટ શહેરમાં લારી ગલ્લા ચલાવતા તેમજ શાકભાજી વેંચનારા લોકોને વેકસીન લેવા માટે સમજણ આપી તેમની સાથે રહી તેમને તાત્કાલીક ધોરણે વેકશીનેશન થઇ જાય તે માટે વ્યવસ્થા કરાવવા માટે તમામ પોલીસ સ્ટેશનના અધિકારીશ્રીઓને સુચના આપી હતી.

રાજકોટ શહેરમાં ચાલુ વર્ષે સમાંતર માસની સરખમાણીએ ગુન્હાઓનુ પ્રમાણ ઘટવા પામેલ છે અને ડીટેકશનનુ પ્રમાણ વધેલ છે. આમ ક્રાઇમ રેટમાં ઘટાડો થયેલ છે જે ક્રાઇમ રેટ ઘટાડવા માટે સમગ્ર પોલીસ અધિકારીઓ અને તેમની ટીમોએ ખાનગી બાતમીદારો, અટકાયતી પગલાઓ વિગેરેની સાથે સાથે આધુનિક જમાનામા ટેકનોલોજીનો પણ ઉપયોગ કરી ગુન્હાઓ શોધી કાઢયા છે.

રાજકોટ સુરક્ષા કવચ એપ્લીકેશન દ્વારા રાજકોટ શહેરના માથાભારે ઇસમો (ટપોરી) કે જે શરીર સંબંધી ગુન્હાઓ કરે છે તથા એમ.સી.આર., હીસ્ટ્રીસ્ટર, બુટલેગર્સ, નાસતા ફરતા આરોપીઓ વિગેરે નાઓને અવાર નવાર ચેક કરતા ઉપરોકત વિગતે ગુન્હાઓનો ઘટાડો થયેલ છે. ગયા માસમાં રાજકોટ શહેરમાં બી ડીવીઝન પોલીસ સ્ટેશન તેમજ માલવીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટી લુંટના બનાવ બનેલ હતા જે લુંટના ગુન્હાઓ શોધી કાઢી સારી કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓને પણ આ કોન્ફરન્સમાં શ્રી મનોજ અગ્રવાલે ખાસ અભિનંદન આપ્યા હતાં.

 શહેર પોલીસ દ્વારા અલગ-અલગ એપ્લીકેશનો બનાવવામાં આવેલ છે. જે એપ્લીકેશનોનો રાજકોટ શહેરના તમામ પોલીસ સ્ટેશનો દ્વારા ઉપયોગ કરી જે કામગીરી કરવામાં આવેલ હતી તે કામગીરીના ડેટા ઉપરથી મુલ્યાંકન કરી માર્ચ-એપ્રિલ-મે ૨૦૨૧ના માસ દરમ્યાન શ્રેષ્ઠ કામગીરી કરનાર રાજકોટ શહેરના તમામ પોલીસ સ્ટેશનો માંથી પ્રથમ ક્રમાંક મેળવનાર ગાંધીગ્રામ-ર (યુની.) પોલીસ સ્ટેશન તથા દ્વિતીય ક્રમાંક મેળવનાર રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા સુરક્ષા કવચ/ કે.પી.આઇ/ ઇ-ગુજકોપ/ ઇ-પોર્ટલ એપ્લીકેશનોમાં ડેટા એન્ટ્રીઓ પુર્ણ કરી શ્રેષ્ઠ કામગીરી કરેલ હોય જેથી ઉમદા કામગીરી કરવા તથા કરાવવા બદલ બન્ને પોલીસ સ્ટેશનને પ્રોત્સાહીત કરવા રાજકોટ શહેર પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ  દ્વારા 'પોલીસ સ્ટેશન ઓફ ધ મંથ' નુ પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવેલ છે.

તેમજ અલગ-અલગ પોલીસ સ્ટેશન/બ્રાન્ચ તેમજ હેડકવાર્ટરમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી કે જેઓએ માર્ચ-એપ્રીલ-મે મહિનામાં બેસ્ટ કામગીરી કરી હોય તેવા ૧૫ પોલીસ કર્મચારીઓને 'કોપ ઓફ ધ મંથ' નુ પ્રશંસા પત્ર આપી શ્રી અગ્રવાલ દ્વારા બીરદાવવામાં આવ્યા છે.

આ છે ‘કોપ ઓફ ધ મંથ’નો ઍવોર્ડ મેળવનારા કર્મચારીઓ

(4:11 pm IST)